ગઈ તા. 27.08.2017 ના રોજ મોરબી શહેર ખાતે રહેતા અને મજૂરી કરતા ફરિયાદીની સગીર વયની દીકરીને ભાયાવદર, તા. ઉપલેટા, જી. રાજકોટ ગામનો આરોપી પરેશ ઉર્ફે કાળીયો વલ્લભભાઈ બોરીચા લગ્ન કરવાની લાલચ આપી, બદકામ કરવાના ઇરાદે તરણેતરનાં મેળામાંથી અપહરણ કરી, ભગાડી ગયેલ હતો. થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે આરોપી વિરુદ્ધ ઇન્ડયન પીનલ કોડ તથા પોકસો એકટ મુજબની ફરિયાદ થતા ગુન્હો નોંધવામાં આવેલ હતો. આ ગુન્હાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર, થાનગઢ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી. આ ગુન્હામાં સંડોવાયેલ ભોગ બનનાર સગીર છોકરી તથા આરોપીની ભાળ પોલીસ દ્વારા તપાસ કરતા મળી આવેલ ન હતી અને નાસતા ફરતા હતા. આમ, તે સંબંધે સતત તપાસ કરવા છતાં આરોપીનો કોઈ પતો લાગતો ના હતો.
ગુન્હાની ગંભીરતા ને ધ્યાને લઇ, સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ વડા દિપક કુમાર મેઘાણી દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલિક પકડી પાડવા અને સખત કાયદાકીય કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલ હતી.
લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર ડી.એમ.ઢોલ તથા સ્ટાફના હે.કો. મદીનખાન મલેક, હિતેશભાઈ માંડણી, વાજસુરભાઇ ગઢવી, રુપાભાઇ જોગરાણા સહિતના સ્ટાફની ટીમ દ્વારા જુદી જુદી ટીમો બનાવી, આરોપી અને ભોગ બનનારની તપાસમાં પાછળ સગડ દબાવતા, આરોપી તથા ભોગ બનનાર બન્ને મકનસર, મોરબી ખાતે આવેલ પ્રિમિયર મિનરલ એન્ડ કેમીકલ કારખાનામાં કામ કરતા હોવાની બાતમી હકીકત મળતા ઉપરી અધિકારીશ્રીઓને વાકેફ કરી સત્વરે સદરી જગ્યાએ જઇને તપાસ કરતા આ ગુન્હાના આરોપી પરેશ ઉર્ફે કાળીયો વલ્લભભાઈ બોરીચા ,મુળ રહે. ભાયાવદર તા. ઉપલેટા, જી. રાજકોટ તથા સગીર ભોગ બનનાર મળી આવતા ત્યા કાયદેશરની કાર્યવાહી કરી થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે લાવેલ અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી પરેશ ઉર્ફે કાળીયો વલ્લભભાઈ બોરીચાની પૂછપરછ કરવામાં આવતા, પોતાને ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધ હોઈ, સગીર છોકરીની મરજીથી ભાગી ગયેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ છે. થાનગઢ પોલીસ ઇન્સપેક્ટર ડી.એમ.ઢોલ તથા સ્ટાફ દ્વારા આરોપીની મેડિકલ તપાસણી કરી, વધુ પૂછપરછ હાથ ધરેલ છે. આરોપી વોન્ટેડ હતો તે દરમિયાન કયા કયા રોકાયેલ હતો..? અન્ય કોઈની મદદગારી છે કે કેમ..? વિગેરે મુદ્દાઓ સર પૂછપરછ હાથ ધરી, વધુ તપાસ ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સપેક્ટર , થાનગઢ તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
આમ, થાનગઢ પોલીસ દ્વારા થાનગઢ પોલીસ સ્ટેશન ખાતેના સગીર છોકરીને લગ્નની લાલચ આપીને કરવામાં આવેલા અપહરણના ગુન્હાના સંડોવાયેલ અને છેલ્લા નવ માસથી વોન્ટેડ નાસતા ફરતા આરોપીને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. ભોગ બનનાર સગીરાનાં માતા-પિતા તથા સ્વજનોએ પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીને બીરદાવેલ છે.