લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક મોડી રાત્રે સર્જાયો અકસ્માત
લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક મંગળવારે મોડી રાત્રિના સમયે એક ગાડી ઉંડી ખીણમાં પડી જવાના કારણે કુલ 9 લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં સુરતના એક 36 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું છે. મૃતક અંકિતના બે બાળકો પણ છે. તેના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.
લેહ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર જોજિલા પાસિંગ નજીક મંગળવારે મોડી રાત્રિના સમયે એક ગાડી ઊંડી ખીણમાં પડી જવાના કારણે કુલ 9 લોકોના મોત થયા હતા. મૃતકો પૈકીના 2 લોકો જમ્મુ કાશ્મીરના છે. જ્યારે બાકીના સૌ અન્ય રાજ્યના પર્યટકો હતા. અકસ્માત બાદ પોલીસ, સેના અને બીઆરઓના બચાવકર્મીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને 7 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ બુધવારે સવારે વધુ 2 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.
આ દુર્ઘટનામાં સુરતના 36 વર્ષીય યુવકનું પણ મૃત્યુ થયું છે. મૃતક અંકિત સંઘવી પોતે ટૂર સંચાલક છે અને તેના પરિવારમાં પત્ની અને બે બાળકો, માતા-પિતા અને એક બહેન, ભાઈ છે. અંકિત સંઘવી ટુર સંચાલક હોવાને કારણે જમ્મુ કાશ્મીર તેમજ અન્ય રાજ્યોમાં જતો હતો. એકાએક બનેલી ઘટનાથી સંઘવી પરિવાર ઉપર વજ્રઘાત પડ્યો હોય તેમ આખું પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું છે.
શ્રીનગર પોલીસે અકસ્માત બાદ અંકિતના ફોનમાં છેલ્લે ડાયલ કરવામાં આવેલો નંબર જોડીને તેના પરિવારને આ દુ:ખદ ઘટનાની જાણકારી આપી હતી. ત્યાર બાદ અંકિતના ભાઈ અને પિતા દિલ્હી જવા માટે રવાના થયા છે. કારગીલથી સોનમર્ગ તરફ જઈ રહેલું વાહન 1,200 ફૂટ ઉંડી ખીણમાં ધસી પડવાના કારણે ચાલક સહિત 9 લોકોના મોત થયા છે જ્યારે એક 20 વર્ષીય યુવકને ઈજાઓ પહોંચી છે.