જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નો કહેર દિન-પ્રતિદિન વધતો જ જાય છે અને કોરોના નો ફૂંફાડો કાબૂમાં આવતો નથી. જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાના વધુ નવ દર્દીઓ ના છેલ્લા ૪૮ કલાક દરમિયાન મૃત્યુ નિપજ્યા છે, જ્યારે ૨૪ કલાક દરમિયાન ૧૧૪ લોકો કોરોના સંક્રમિત બન્યા છે. જામનગર જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૧,૩૯૬ થયો છે.
જામનગર શહેરમાં ૧૫મી ઓગસ્ટના દિવસે કોરોના ના ૫૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે રવિવારના ૧૬ ઓગસ્ટના દિવસે પણ ૫૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેથી જામનગર શહેરનો કોરોના ના દર્દીઓનો આંકડો ૧,૧૬૫ નો થયો છે.
તે જ રીતે જામનગર ગ્રામ્યના ૧૫મી ઓગસ્ટના દિવસે ચાર દર્દીઓના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા, જ્યારે ૧૬મી ઓગસ્ટને રવિવારે વધુ છ દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવતા જામનગર ગ્રામ્ય વિસ્તારનો કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો કુલ ૨૩૧ નો થયો છે.
સમગ્ર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૧,૩૯૬ ની થઈ છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં વોર્ડમાં સારવાર લઇ રહેલા જામનગર શહેર વિસ્તારના અને ગ્રામ્ય વિસ્તારના મળી કુલ ૯ દર્દીઓ ના છેલ્લા ૪૮ કલાક દરમિયાન મૃત્યુ નિપજયા છે. જેથી લોકોમાં કોરોનાના કારણે ડરનો માહોલ જોવા મળે છે.
૭ સફાઈ કર્મીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ
જામનગર મહાનગરપાલિકા ના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને મહાનગર પાલિકાના સફાઈ કર્મચારીઓ, ફાયરબ્રિગેડનો સ્ટાફ તેમજ સિક્યુરીટી વિભાગના કર્મચારીઓના ટેસ્ટની કાર્યવાહી હાથ ધરાઇ હતી. જે પૈકી એકીસાથે ૭ સફાઈ કામદારોના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે. તે જ રીતે ફાયર બ્રિગેડના બે કર્મચારી અને સિક્યુરિટી વિભાગના એક કર્મચારી કોરોના પોઝિટિવ મળતાં દોડધામ મચી ગઈ છે. જે તમામને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગર મહાનગરપાલિકાના કુલ ૧૨૩ સફાઈ કર્મચારીઓ પૈકી ૧૧૮ ના સેમ્પલો લેવામાં આવ્યા હતા, અને ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન સાત કર્મચારીઓના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે. જ્યારે અન્ય ત્રણ કર્મચારીઓના શંકાસ્પદ કેસ હોવાથી તેઓના ફરીથી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
જામનગર મહાનગર પાલિકાના ફાયર બ્રિગેડ શાખાના ૪૯ કર્મચારીઓના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં બે ફાયરના જવાનો ના પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે. ઉપરાંત સિક્યોરીટી વિભાગના એક કર્મચારીનો પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, જે તમામ દસેય કર્મચારીઓને જામનગરની જી.જી .હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અન્ય ત્રણ શંકાસ્પદ દર્દીઓના ફરીથી રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. મહાનગરપાલિકાની કચેરીના એકીસાથે દસ કર્મચારીના પોઝીટીવ રીપોર્ટને લઈને અન્ય કર્મચારી વર્તુળમાં ભારે હલચલ મચી ગઈ છે. વહીવટીતંત્ર દ્વારા આરોગ્ય વિષયક પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.