- અરબી સમુદ્રમાં ભારતીય-શ્રીલંકન નેવીનું જોઈન્ટ ઓપરેશન
- એરીયલ સર્વેલન્સ હાથ ધરીને બે શંકાસ્પદ બોટની ઓળખ કરાઈ તપાસ કરતા ક્રિસ્ટલ મેથનું ક્ધસાઈનમેન્ટ ઝડપાયું
ભારતીય નેવીએ શ્રીલંકન નેવી સાથે જોઈન્ટ ઓપરેશન ચલાવી અરબી સમુદ્રમાંથી 500 કિલો ડ્રગ્સ સાથે ક્ધસાઈનમેન્ટ લઈને આવેલા જહાજના નવ ક્રૂ મેમ્બરની ધરપકડ કરી છે. નૌકાદળે ઝડપી પાડેલો ડ્રગ્સ ક્રિસ્ટલ મેથ નામનો પ્રતિબંધિત ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે.
ભારતીય નૌકાદળે નશીલા પદાર્થોનું જંગી ક્ધસાઈનમેન્ટ જપ્ત કર્યું છે. નેવીએ અરબી સમુદ્રમાં આ કાર્યવાહી કરી હતી. આ ઓપરેશન હેઠળ લગભગ 500 કિલો નાર્કોટિક્સ (ક્રિસ્ટલ મેથ) જપ્ત કરવામાં આવ્યું હતું. ભારતીય નૌકાદળે શ્રીલંકાના ધ્વજવાળા જહાજોને ઘેરીને આ કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં શ્રીલંકન નેવીએ પણ ભારતીય નૌકાદળનો સાથ આપ્યો હતો.
સંરક્ષણ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, શ્રીલંકાના નૌકાદળે માહિતી આપી હતી કે શ્રીલંકાના ધ્વજવાળા માછીમારીના જહાજો દ્વારા માદક દ્રવ્યોની હેરાફેરી કરવામાં આવી રહી છે. ભારતીય નૌસેનાએ આ માહિતી પર ઝડપથી પ્રતિક્રિયા આપી હતી. શ્રીલંકન નૌકાદળ પાસેથી મળેલી માહિતીના આધારે ભારતીય નૌકાદળે બોટને અટકાવવા માટે સંકલિત ઓપરેશન શરૂ કર્યું હતું.
ઇન્ફોર્મેશન ફ્યુઝન સેન્ટર (ઇન્ડિયન ઓશન રિજન), ગુરુગ્રામના ઇનપુટ્સના આધારે ભારતીય નૌકાદળના લોંગ રેન્જ મેરીટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને રિમોટલી પાયલોટ એરક્રાફ્ટ દ્વારા દેખરેખ શરૂ કરવામાં આવી હતી. તેના પ્રયાસોને વધારવા માટે ભારતીય નૌકાદળનું એક જહાજ પણ તૈનાત કરવામાં આવ્યું હતું. શ્રીલંકાના નૌકાદળના ઇનપુટ્સ અને ભારતીય નૌકાદળના એરક્રાફ્ટ દ્વારા એરિયલ સર્વેલન્સના આધારે બે બોટની ઓળખ કરવામાં આવી હતી.
રક્ષા મંત્રાલયે કહ્યું કે બે બોટની ઓળખ બાદ જહાજ અને એરક્રાફ્ટ દ્વારા સંકલિત ઓપરેશનમાં બંને બોટને જહાજની બોર્ડિંગ ટીમે રોકી હતી. સર્ચ દરમિયાન અંદાજે 500 કિલો નાર્કોટિક્સ (ક્રિસ્ટલ મેથ) જપ્ત કરવામાં આવ્યું હતું.
સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે, નશીલા પદાર્થો વિરોધી અભિયાન ચલાવવા માટે દળોને વધારવામાં આવ્યા હતા. આ માટે નૌકાદળના વધારાના જહાજને પણ કામગીરી સોંપવામાં આવી હતી. કબજે કરાયેલા નવ ક્રૂ મેમ્બર અને જપ્ત કરાયેલા નાર્કોટિક્સ સહિત બંને બોટને આગળની કાયદેસરની કાર્યવાહી માટે શ્રીલંકાના અધિકારીઓને સોંપવામાં આવ્યા છે.