અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક જ દિવસમાં નવ બાળકોના મોતથી ચકચાર મચી ગઈ છે. જેને લઈને હોસ્પિટલ તંત્ર હરકતમાં આવ્યું છે.
શનિવારે સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં ચાર નવજાત શીશુ અને અન્ય પાંચ બાળકો સહિત કુલ નવ બાળકોના મોત નીપજ્યા છે. મૃતક બાળકોમાં ચાર બાળકોનો સિવિલ હોસ્પિટલમાં જન્મ થયો હતો જ્યારે પાંચ બાળકો અન્ય હોસ્પિટલમાંથી અહીં સારવાર માટે દાખલ કરાયા હતા.
જો કે લોકોના રોષને જોતા હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સમગ્ર હોસ્પિટલ તંત્ર એલર્ટ થઈ ગયું છે. બાળકોના મોત પાછળ શું કારણ છે તે કહેવા સત્તાધીશો કંઈપણ કહેવા તૈયાર નથી અને પોતાનો બચાવ કરી રહ્યા છે.
આઈસીયુમાં કોઈ ટેકનીકલ ખામી હોઈ શકે કે પછી દવામાં કોઈ ગરબડ થઈ હોઈ શકે છે. બાળકોના મોત પાછળ તબીબોની બેદરકારી છે કે પછી બીજું કઈં કારણ તે તો તપાસને અંતે બહાર આવશે.
સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ તાત્કાલીક પ્રેસ કોન્ફરન્સ બોલાવીને પોતાનો લૂલો બચાવ કરીને પૂરતી સારવાર અપાતી હોવાનો દાવો કર્યો. તેમણે એમ કહ્યું કે અહીં દર્દીઓ નાજૂક પરિસ્થિતિમાં આવે છે.
મૃતક બાળકો ગંભીર બીમારીથી પીડાતા હતા. જ્યારે કેટલાક બાળકો અંડર વેઈટ હતા. બાળકોની સારવામાં ખામી રખાતી નથી. મહત્વનું છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ એ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે.
ખાસ કરીને અહીં ગરીબ દર્દીઓ મોટા પ્રમાણમાં આવે છે. તો અમદાવાદ ઉપરાંત રાજ્યના અને રાજસ્થાન જેવા રાજ્યોમાંથી પણ અહીં દર્દીઓ આશાનું કિરણ જોઈને આવતા હોય છે.