નકલીની બોલબાલા
આરોગ્ય અધિકારીના નામે રેલનગરના યુવાનને છેતર્યા બાદ વધુ આઠ લોકોને ચૂનો ચોપડ્યો
બોગસ ટોલ નાકુ, બોગસ આઈપીએસ-આઈએએસ બાદ હવે બોગસ આરોગ્ય અધિકારીએ એઇમ્સ હોસ્પિટલમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી નવેક નોકરીવાંચ્છુકો સાથે આર્થિક છેતરપિંડી આચર્યાની ફરિયાદ ઉઠી છે. રાજકોટ એઈમ્સમાં નર્સિંગ સ્ટાફની જગ્યા માટે નવ નોકરી વાંછુકો સાથે ગાંધીનગરથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીની ઓળખ આપનાર ડો. જતીન ધોળકીયાએ રૂ.5.50 લાખની છેતરપીંડી આચરતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે રાજકોટમાં રેલનગર ફાયર સ્ટેશનની બાજુમાં ક્રાંતિવીર ખુદીરામ બોઝ ટાઉનશીપમાં રહેતાં મૂળ કોડીનારના રોણાજ ગામના વતની હરેશભાઈ બાલુભાઈ સવનીયા (ઉ.વ.28) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ડો. જતીન ધોળકિયાનું નામ આપી જણાવ્યું હતું કે, તે 150 ફૂટ રીંગ રોડ પર આવેલ સ્ટર્લિંગ હોસ્પીટલમાં છેલ્લા ચાર વર્ષથી નર્સિંગ સ્ટાફમાં નોકરી કરે છે.
ગઈ તા.05/12/2022 ના તેમના ઈન્ટ્રાગ્રામ એકાઉન્ટમા ડો. વિશ્વાસ પટેલ નામના એકાઉન્ટ પરથી મેસેજ આવેલ અને કહેલ કે, તમે નર્સિંગ સ્ટાફ છો ? જેથી તેને હા કહેતાં તેણે કહેલ કે, એઈમ્સ હોસ્પીટલ રાજકોટમાં નર્સિંગ સ્ટાફ માટે કુલ 10 જગ્યા ખાલી છે અને આ 10 જગ્યા બ્લેક જોઈનીગથી ભરવાની છે અને તમારે બ્લેક જોઈનીગથી નર્સિંગમા નોકરી લેવી હોય તો ગાંધીનગરના ડો. જતીન ધોળકીયાના મોબાઈલ નંબર પર વાત કરી લેજો તેમ ઈન્સટાગ્રામમાં મેસેજ પર વાત થયેલ હતી.
ત્યારબાદ તે દિવસે સાંજના છ વાગ્યાની આસપાસ ડો. જતીન ધોળકીયા સાથે ફોન પર વાત કરેલ અને તેને કહેલ કે, હું ગાંધીનગરથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી બોલુ છુ અને તમારે રાજકોટ એઈમ્સમા બ્લેક જોઈનીંગથી નર્સિંગમા નોકરી મેળવવી હોય તો તેની ફી રૂ.2 લાખ છે અને તમારે પ્રથમ રૂ. 55 હજાર બેંક એકાઉન્ટથી ટ્રાન્સફર કરવાના થાશે અને બાકીના રૂ.1.45 લાખ નોકરી મળી ગયા બાદ આપવાના થશે. તમે મને તમારા ડોક્યુમેન્ટ મારા વોટસઅપમા મોકલી આપો અને હું તમારો ઓર્ડર કાલ સુધીમા કરાવી આપીશ તેમ વાત કરેલ હતી.
ત્યાર બાદ ગઈ તા.06/12/2022 ના ડો.જતીન ધોળકીયાએ ફોન કરીને કહેલ કે તમે રૂ.55 હજાર ટ્રાન્સફર કરી આપવાનુ કહેતા તેઓએ કુલ રૂ. 55 હજાર ફોન-પે નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ ધોળકીયા નામના એકાઉન્ટ પર ટ્રાન્સફર કરી આપેલ હતા. ત્યારબાદ સાંજના પાંચેક વાગ્યે ફરિયાદીના ઈ-મેઈલ પર રાજકોટ એઈમ્સ હોસ્પીટલમા નર્સિંગમા નોકરીનો ક્મફોર્મેશન ઓર્ડરની પી.ડી.એફ. મોકલેલ હતી, જેમા તેઓનું નામ એઈમ્સ હોસ્પીટલ રાજકોટમા નોકરીનુ સ્થળ તેમજ આરોગ્ય અધિકારી ગાંધીનગરની સહી વાળો લેટર હતો.
ત્યારબાદ ડો.જતીન ધોળકીયાએ જણાવેલ કે, તમારી નોકરીનુ ક્નફરમેશન થઈ ગયેલ છે અને નોકરીનો જોઈનીંગ લેટર એક મહિનામા આવી જાશે એમ વાત કરેલ હતી. બાદમાં જોઈનીંગ લેટર તા.17/01/2023 ના રોજ મારા ઈ-મેઈલ પર મોકલેલ હતો. જેમા નોકરી પર હાજર થવાની તા.24/02/2023 હતી અને આ ઓર્ડરમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સચિવાલય ગાંધીનગરના સહી સિકકા વાળો ઓર્ડર મોકલેલ હતો. ત્યારબાદ ડો.જતીન ધોળકીયાએ ફોન કરી જણાવેલ કે, રાજકોટ એઈમ્સ હોસ્પીટલમા હજુ કુલ 9 જગ્યા ખાલી છે અને તમારા મિત્રમા કોઈને નોકરી મેળવવી હોય તો બ્લેક જોઈનીંગથી થઈ જાશે તેમ કહેતા ફરિયાદીએ તેમના મિત્ર ફયાજ અહમદ મહમદઅભાસ મુનશી, મનદીપ ભગવાનજીભાઈ મહેતા, ઝખનાબેન ગોડલીયા, અમિબેન હિતેશભાઈ કલોલીયા, વિશાલભાઈ મકવાણા, ઈર્ષાદભાઈ કાદરી મોહસીન કાદરી (રહે.તમામ રાજકોટ), મુસ્કાન હનીફભાઈ મીરઝા (રહે. જુનાગઢ) અને અહેમદ રઝા પઠાણને રાજકોટ એઇમ્સમા બ્લેક જોઈનીંગથી નોકરી માટે વાત કરેલ હતી અને તેઓએ આરોપી સાથે વાત કરી દરેક મિત્રો પાસેથી રૂ. 55 હજાર મેળવી લઈ રાજકોટ એઇમ્સમા નર્સિંગમા નોકરીના ઓર્ડર આપેલ હતા.એક મહિના બાદ ડો. જતન ધોળકીયાને નોકરીમાં જોઈનીંગ માટે ફોન કરતા તેઓ અમોને અલગ અલગ બહાના બતાવતા હતા અને ત્યારબાદ ડો. તેનો મોબાઇલ ફોન બંધ કરી દીધેલ હતો. ત્યારબાદ જાણવા મળેલ કે ડો.વિશ્વાસ પટેલ તેમજ ડો. જતન ધોળકીયા એક જ વ્યક્તિ છે.
જેથી ડો.જતીન ધોળકીયાએ તા.05/12/2022 થી તા. 10/07/2023 ના સમયગાળા દરમિયાન તેમને તેમજ તેના મિત્રોને રાજકોટ એઇમ્સ હોસ્પીટલમા નર્સિંગમા નોકરી અપાવવાનો વિશ્વાસ આપી દરેક પાસેથી રૂ.55 હજાર લેખે કુલ રૂ. 5.50 લાખ મેળવી લઈ ડો. આર.વી. ધધુકીયા મેડીકલ સંગઠન આરોગ્ય અધિકારી ગાંધીનગરના નામથી નિમણૂક આપવા બાબતનો લેટર આપી.જેમા નીચે આરોગ્ય અધિકારીનો સહિવાળો લેટર મોબાઈલમા ઈમ-ઈલથી મોકલી આપી તા.13/01/2023 થી સચિવાલય ગાંધીનગરના નામનો તેઓના નામનો નિમણૂક લેટર જેમા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સચિવાલય ગાંધીનગર આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખાનો સહી સિક્કાવાળો બનાવટી લેટર મોકલી આપી ઠગાઈ કરવાના ઈરાદે ખોટા દસ્તાવેજ બનાવી છેતરપીંડી આચરી હતી.