રાજકોટમાં ૨ અને જૂનાગઢના ભેંસાણમાં સાત કોપીકેસ નોંધાયા
ગુજરાત રાજય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા શરૂ થયેલ ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ શરૂ થઈ છે. ત્યારે વિજીલન્સ સ્કવોડ દ્વારા કડક ચેકીંગ અને મોનીટરીંગ હોવા છતા પણ સૌરાષ્ટ્રમાં કુલ ૯ કોપી કેસ નોંધાયા હતા જેમાં રાજકોટ અને જૂનાગઢન ભેંસાણમાં સાત કોપીકેસ નોંધાયા હતા.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રમેશભાઈ છાંયા વિદ્યાલયમાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ચકાસણી કરવામાં આવતા ધો.૧૨ ઈતિહાસનાં પેપરમાં મયુર વેવડ નામના વિદ્યાર્થી ગેરરીતિના સાહિત્ય સાથે ઝડપાયો હતો.
અને તેની સામે કોપી કેસ નોંધવામાં આવ્યો હતો. તેવી જ રીતે ગઈકાલે આંકડા શાસ્ત્રના પેપરમાં તુષાર સેલરકા નામનો વિદ્યાર્થી ગેરરીતિ આચરતા ઝડપાઈ ગયો હતો. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની ટીમે ત્રાટકી ભગવતી કન્યા વિદ્યાલયમાં ૪, વિનય મંદિર હાઈસ્કુલમાં ૨ અને સદવિધા સંકુલમાં ૧ કોપીકેસ નોંધાયો હતો. જો કે, જામનગર, અમરેલી, ગીર સોમનાથમાં એક પણ કોપીકેસ નોંધાયો નથી.આજે ધો.૧૦માં વિજ્ઞાન અને ટેકનોલોજી પેપર તેમજ ધો. ૧૨ સાયન્સ પ્રવાહમાં કેમેસ્ટ્રીનું પેપર લેવામા આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં બે દિવસમાં બે કોપી કેસ નોંધાયા છે ત્યારે જુનાગઢમાં ૭ જેટલા કોપી કેસ નોંધાયા છે. ગત વર્ષ કરતા આ વર્ષે કોપી કેસનું પ્રમાણ ઘટયું છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત તેમજ સ્કવોર્ડ ચેકિંગ અને સીસીટીવી કેમેરાથી પરીક્ષાર્થીઓ પર નજર રાખવામાં આવે છે.
આ વર્ષે બોર્ડની પરીક્ષાના સૌથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. રાજયમાં કુલ ૧૮.૫૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે ત્યારે પ્રથમ બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રભરમાં કુલ ૯ જેટલા કોપી કેસ નોંધાયા છે. વધુ આગામી ૧૯મી માર્ચ સુધી બોર્ડની પરીક્ષા ચાલનાર છે.