રાષ્ટ્રસતં પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના નાભિનાદથી 21 દિવસીય શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની સંકલ્પ સિદ્ધિની સાધનાના ત્રીજા તબક્કાનું આયોજન આગામી રવિવારે શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ-સી.એમ. પૌષધશાળાના આંગણે
આધિ-વ્યાધિ-ઉપાધિ નિવારક વિશિષ્ટ સાધનામાં હજારો ભાવિકો જોડાઈ રહ્યાં છે
અથાગ પુરુષાર્થ અને અખંડ જપ સાધના દ્વારા મંત્ર સિદ્ધહસ્ત કરીને હજારો હજારો ભાવિકોને મંત્રો રૂપી મિત્રનો યોગ કરાવી રહેલાં રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મ.સા.ના શ્રીમુખેથી રાજકોટના ભાવિકોને કરાવવામાં આવી રહેલી 21 દિવસીય મહા પ્રભાવક શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની સંકલ્પ સિદ્ધિ સાધનાના ત્રીજા દિવસનું આયોજન શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના આંગણે કરવામાં આવ્યું છે.
23માં તીર્થંકર પરમાત્મા પાર્શ્વનાથની ઉત્કૃષ્ટ ભક્તિ સ્વરૂપ શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રની લયબદ્ધ સ્વરૂપે સિદ્ધપુરુના શ્રીમુખેથી કરાવવામાં આવતી સાધનાને જ્યારે શ્રદ્ધાપૂર્વક ગ્રહણ કરવામાં આવે છે ત્યારે પરમાત્મા પાર્શ્વનાથ પ્રત્યે અનન્ય ભક્તિભાવ કર્મ ક્ષય થતાં જીવનને શાંતિ-સમાધિમય બનાવવા મંત્ર સહારૂપ બનતાં હોય છે.
આજ સુધી રાષ્ટ્રસંત પૂજ્યશ્રીના બ્રહ્મનાદે કરાવવામાં આવતી આ પ્રભાવક સ્તોત્રની વિશિષ્ટ જપ સાધનામાં જોડાઈને હજારો હજારો ભાવિકો ન માત્ર આધિ-વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત બન્યાં છે પરંતુ પરમાત્મા પ્રત્યે ભક્તિ ભાવ ધરાવીને સ્વયંનો આત્મવિકાસ પણ સાધી રહ્યાં છે.
દર વર્ષે ચાતુર્માસમાંરાષ્ટ્રસંત પૂજ્યશ્રીના શ્રીમુખેથી કરાવવામાં આવતી 21 દિવસીય સિદ્ધિની જપ સાધના અંતર્ગત આ વર્ષે આ પ્રભાવક સાધનાનો અમૂલ્ય લાભ રાજકોટના ભાવિકોને મળી રહ્યો છે ત્યારે દરેક ભાવિકોએ આ સાધનામાં જોડાઈને સંકલ્પ સિદ્ધિ સાધવા માટે શ્રી સંઘ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
આગામી રવિવાર તા. 24/06/2018 સવારના 07:15 કલાકે સવારથી 08:45 કલાક દરમ્યાન શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ- સી.એમ. પૌષધશાળા, 2/8, રોયલપાર્ક, ગાદીપતિ પૂજ્ય શ્રી ગિરીશમુનિ મ.સા. માર્ગ, જી.ટી. રોડ સ્કુલની પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આયોજિત કરવામાં આવેલી તૃતીય દિવસની સંકલ્પ સિદ્ધિ જપ સાધના બાદ દરેક ભાવિકો માટે નૌકારશીની વ્યવસ્થા રાખવામાં આવી છે.