ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ કેયુર રોકડિયાએ મેયર પદેથી રાજીનામું આપ્યાના પખવાડીયા બાદ વડોદરાને મળ્યા નવા મેયર
વડોદરા મહાનગર પાલિકાના નવા મેયર તરીકે સિનિયર નગરસેવક નિલેશભાઇ રાઠોડ પર ભાજપ દ્વારા પસંદગીનું કળશ ઢોળવામાં આવ્યું છે. તેઓ આગામી છ માસ સુધી મેયર પદે ચાલુ રહેશે. સપ્ટેમ્બર માસમાં વર્તમાન બોર્ડની અઢી વર્ષની ટર્મ પુરી થઇ રહી છે.
બીજી ટર્મમાં મેયર પદ મહિલા માટે અનામત છે. વડોદરાના મેયર પદેથી તાજેતરમાં કેયુરભાઇ રોકડીયાએ રાજીનામું આપી દીધું હતું. ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કેયુરભાઇ રોકડીયા ધારાસભ્ય તરીકે ચુંટાય આવ્યા હતા. એક વ્યક્તિ એક હોદ્ાના નિયમાનુસાર તેઓએ પક્ષના આદેશ બાદ મેયર પદેથી રાજીનામું આપી દીધું હતું. દરમિયાન આજે સવારે વડોદરા મહાપાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળી હતી. જેમાં નવા મેયરની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
બોર્ડ બેઠક પૂર્વ મળેલી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ દ્વારા પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા મેયર માટે નક્કી કરવામાં આવેલા નામની ઘોષણા કરવામાં આવી હતી. વડોદરાના નવા મેયર તરીકે નિલેશભાઇ રાઠોડની નિમણુંક કરવામાં આવી છે.