અબતક, રાજકોટ
ઝવેરચંદ મેઘાણી ત્રિવિધ સ્તરની લોકસાહિત્ય સંશોધન પધ્ધતિથી કાર્ય કરતા હતા એ મુજબ આજે ઓછા સંશોધકો કાર્યરત છે પણ નીલેશ પંડયા મેઘાણીજીના માર્ગે ચાલી રહ્યા છે એવું સંતસાહિત્ય સંશોધક, સારસ્વત ડો. નિરંજન રાજયગુરૂએ નીલેશ પંડયાના પુસ્તક ‘સોના વાટકડી રે…’ના વિમોચન અવસરે જણાવ્યું હતું.
જાણીતા લોકગાયક, લેખક, પત્રકાર નીલેશ પંડયા દ્વારા 66 લોકગીતો અને તેના રસદર્શનનું પુસ્તક ‘ સોના વાટકડી રે…’ તૈયાર થયું જેનું વિમોચન માતુશ્રી તરલાબેન રસીકભાઈ મહેતાના કરકમલથી થયું આ અવસરે ડો. નિરંજન રાજયગુરૂએ કહ્યું લોકસાહિત્ય સંશોધન ત્રણ ધારામાં થાય છે એક તો લાયબ્રેરીમાં જઈ દેશવિદેશના લોકસાહિત્યનો અભ્યાસ કરી તેને પોતાના લોકસાહિત્ય સાથે મુલવવું.
પરિવારના સભ્ય અને જાણીતા લોકગાયક નીલેશ પંડયાના પુસ્તક ‘સોના વાટકડી રે…
’નું ‘સાહિત્ય દ્વારા પરિવર્તન’ અને ‘સાહિત્ય સેતુ’ના ઉપક્રમે વિમોચન થયું
બીજુ લોકજીવનના સંપર્કથી લોકસાહિત્ય પામવું અને ત્રીજુ કંઠ-કહેણી દ્વારા સંશોધીત લોકસાહિત્યનો પ્રચાર પ્રસાર કરવો. મેઘાણીજી આ ત્રણ ધારાનો સંગમ કરતા હતા હવે નીલેશ પંડયાએ આ મુજબ કાર્ય કર્યું છે. તેઓ ઉચ્ચશિક્ષીત છે. ગ્રામજીવન-લોકજીવન સાથે જોડાયેલા છે. અને લોકગાયક છે. તેઓ યુવાધન સમક્ષ લોકગીતો અર્થ સમજાવીને પ્રસ્તુત કરે છે.
સોના વાટકડી રે…માં ઉત્તમ લોકગીતો અને ખેડૂતથી લઈ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સમજી શકે તેવો આસ્વાદ:
ડો.મનોજ જોષી
આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ ડો. મનોજ જોષીએ કહ્યું કે, ખેતરમાં કામ કરતા ખેડુતથી માંડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સુધી સૌને સમજાય જાય એ રીતે નીલેશ પંડયાએ લોકગીતોનો આસ્વાદ કરાવ્યો છે. પોતે લોકગાયક છે એટલે લોકગીતોની નજાકત બરોબર જાણે છે. વધુમાં કહ્યું કે, લોકગીતોના આસ્વાદનું આ પુસ્તક ગુજરાતી પ્રજાની લોકગીતપ્રીતિમાં વધારો કરશે.
લોકસાહિત્ય સંશોધનમાં ત્રણ ધારાથી કામ થાય છે: ડો.નિરંજન રાજ્યગુરૂ
જાણીતા કવિ સંજુ વાળાએ જણાવ્યું કે, માનવકંઠ જેટલું જ જૂનું છે આપણુ લોકગીત. પૃથ્વી પર માનવનું અવતરણ થયું હશે ને એણે પહેલું જે ગીત ગાયું હશે એ જ હશે લોકગીત. વધુમાં કહ્યું કે, સોના વાટકડીનો ઉલ્લેખ કાવ્યોમાં પણ આવે છે પરંતુ ‘રે…’ શબ્દ ઉપસાવ્યો છે એ લોકગીત તરફનો અંગૂલિનિર્દેશ છે.
નીલેશ પંડયાએ પોતાના ઉદબોધનમા કહ્યું કે, ‘સોના વાટકડી રે…’માં ત્રણ મહાનુભાવોના હસ્તાક્ષર છે. સૌથી પ્રથમ તો વિશ્ર્વસંત પૂ. મોરારિબાપુએ શુભાશિષ પાઠવ્યા છે.બીજુ ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજીનો લાગણીસભર સંદેશો મળ્યો છે. અને ત્રીજું સંત સાહિત્ય સંશોધન ડો. નિરંજન રાજયગુરૂએ ‘રણજણતો આવકાર’ આપ્યો છે.
તેમણે ઉમેર્યું કે, 20 વર્ષ પૂર્વે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોલેજોમાં લોકગીતોના પ્રોગ્રામનો પ્રોજેકટ આપ્યો ત્યારે યુવાધનને લોકગીત ગમાડવા સમજાવીને ગાવાનું પધ્ધતિ અપનાવી ને એમ લોકગીતોનો આસ્વાદ કરાવવાનો પ્રારંભ થયો.
‘સાહિત્ય દ્વારા પરિવર્તન’ (મથુરાદાસ નરભેરામ પારેખ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ)ના મેનેજિંગ ટ્રસ્ટી હરેનભાઈ મહેતાએ કહ્યું કે 1979થી આ ટ્રસ્ટ કાર્યરત છે. કવિ-વિચારક રસિકભાઈ મહેતાએ આ ટ્રસ્ટના માધ્યમથી ખૂબ પ્રવૃત્તિ કરી તેમના દૈહિક અવસાન પછી પણ પ્રવૃત્તિનો સેવારથ દોડતો રહ્યો છે. લોકોને ખબર નથી કે, આ ટ્રસ્ટ કઈ કઈ પ્રવૃત્તિ કરે છે એ અમારી સફળતા છે કેમકે અમે પ્રચાર પ્રસારની ખેવના રાખતા નથી. ‘સોના વાટકડી રે…’ના પ્રકાશનમાં અમે નિમિત માત્ર છીએ.
‘સાહિત્ય સેતુ’ના સ્થાપક અને મૂકસેવક અનુપમભાઈ દોશીએ જણાવ્યું કે રાજકોટમાં સાહ્ત્યિ પ્રવૃત્તિના વેગ માટે અમે રસિકભાઈ મહેતાની પ્રેરણાથી ‘સાહિત્ય સેતુ’ની સ્થાપના કરી છે. આગામી દિવસોમાં સાહિત્ય સેવાના અનેક પ્રકલ્પો હાથ ધરાશે.
આ અવસરે ઉદ્યોગપતિ પ્રતાપભાઈ પટેલ, જાહેરક્ષેત્રના અગ્રણી રૂપાબેન શીલુ, પન્નાબેન પંડયા, વસંતભાઈ લીંબાસિયા, રાજેશભાઈ ભાતેલીયા, ડો. નીતાબેન ઉદાણી, પ્રો. તુષાર ચંદારાણા, ડો. જીતેન્દ્ર રાદડિયા, વી.કે. વરસાણી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું રસાળ શૈલીમાં સંચાલન દિવ્યાબેન ભૂતે કયુર્ં હતું. પ્રારંભે પ્રાર્થનાનું ગાન પ્રકાશભાઈ હાથીએ કર્યું તો આભારવિધિ જનાર્દનભાઈ આચાર્યએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા પરિમલભાઈ જોષી, હસુભાઈ શાહ, દિનેશભાઈ ગોવાણી, જયેન્દ્રભાઈ મહેતા, મહેશભાઈ જીવરાજાની, પંકજ રૂપારેલિયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.