- બિલ વગર ખેતપેદાશોની લે-વેચ કરતા વેપારીઓ પાસે કમિશન વસુલી કૌભાંડ આચરતા’તા : આર્થિક ગુના નિવારણ શાખાની તપાસમાં ભોપાળું છતું થયું
- ટેક્સચોરીના કિમીયાનો પર્દાફાશ
ટેક્સચોરી કરવા રોકડની હેરાફેરી કરતા ગોંડલ અને વાંકાનેરના શખ્સને રાજકોટ આર્થિક ગુન્હા નિવારણ શાખાએ ઝડપી લઇ રૂ. 2.14 કરોડની રોકડ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બંને શખ્સો યાર્ડમાં પેઢી ખોલી બિલ વગર ખેતપેદાશોનું વેચાણ કરતા વેપારીઓની રોકડ રકમની હેરાફેરી કરતા હતા અને પોતાનું કમિશન રાખીને ટેક્સચોરીનું કૌભાંડ ચલાવતા હતા.
રાજકોટ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આજે બે શખસોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી 90 લાખની રોકડ કબ્જે કરી પુછપરછ કરતા તેની ઓફિસ ખાતે વધુ 1 કરોડ 24 લાખ રોકડ રકમ મળી આવતા કુલ 2.14 કરોડ કબ્જે કરવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં આ બંને શખસોએ ઉપલેટા યાર્ડમાં પેઢી ખોલી ખેતપેદાશોની લે-વેચ કરતા વેપારીઓને રોકડ રકમ કમિશન મારફત મેળવી કેશ ટ્રાન્ઝેક્શનને અન્કેશ કરી આપતા હતા, જેમાં 1 લાખ રૂપિયા સામે તેઓ 550 રૂપિયા કમિશન લેતા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે બંને શખસોની અટકાયત કરી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાજકોટ શહેર આર્થિક ગુન્હા નિવારણ શાખાને ચોક્કસ બાતમી મળી હતી કે, નિલેશ ભાલોડી અને જયસુખ ફેફર રોકડ રકમની મોટા પાયે હેરાફેરી કરી રહ્યા છે. આ બંને શખસો કેટલાક વેપારીઓના રૂપિયા મેળવી એક જગ્યાથી બીજી જગ્યા પહોંચતા કરી તેમાંથી કમિશન મેળવી રહ્યા છે. આ દરમિયાન તેઓ પોતાની કારમાંથી રોકડ રકમ ટ્રાન્સફર કરી રહ્યા હતા ત્યારે તપાસ કરતા તેની પાસેથી 90 લાખ રોકડ મળી આવી હતી. ત્યારબાદ તેની આગળની પૂછપરછ કરવામાં આવતા નાના મવા રોડ પર આવેલા નાઈન સ્કવેર બિલ્ડીંગ ખાતે તેની ઓફિસમાં તપાસ કરતા વધુ રોકડ રકમ મળી આવી હતી. આ બંને શખસો પાસેથી પોલીસને પ્રથમ 90 લાખ અને ઓફિસમાંથી 1 કરોડ 24 લાખ વધુ રોકડ રકમ મળી આવતા કુલ 2.14 કરોડ કબ્જે કરવામાં આવ્યા છે.
પુછપરછ કરતા આ બંને શખસોએ બે પેઢી ખોલી હતી, જે ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર કાર્યરત હતી. આ બંને પેઢીઓના અલગ-અલગ બેન્કમાં એકાઉન્ટ હોવાનું સામે આવ્યું છે. જે ખેત પેદાશોની લે-વેચના પૈસા તેની અંદર જમા કરાવતા હતા. આ ઉપરાંત જે આવા વેપારીઓ હોય કે જે બિલ વગર ટેક્સ ચોરી કરી રોકડ રકમમાં ધંધો કરવા માંગતા હોવ તો તેઓ માલ અન્ય જગ્યાએ વહેંચતા અને રૂપિયા આ બંને શખસોના ખાતામાં જમા કરાવતા હતા. રોકડ રકમ ટ્રાન્સફર કરવા માટે આ બંને શખસો કમિશન મેળવતા હતા, જેમાં તેઓ 1 લાખ રૂપિયા સામે રૂપિયા 550 મેળવતા હતા. આ ઉપરાંત જે ખેત પેદાશો ખરીદ વેંચાણ કર્યું તેના બિલ ઉભા કરતા હતા.
હાલ આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા રોકડ રકમ કબ્જે કરી ફરિયાદ નોંધી. આ મામલે ઇન્કમ ટેક્સ વિભાગને પણ જાણ કરી છે તેમજ આ બંને શખસો કેટલા સમયથી આ પ્રકારે કમિશનથી રકમ ટ્રાન્સફર કરી આપતા હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.