- તારીખ 22-24 અને 27 ડિસેમ્બરના રોજ વન-ડે સિરીઝની ત્રણ મેચ
- ઇન્ટરનેશનલ મેચ પહેલા સ્ટેડિયમની ફ્લડ લાઈટનું ટેસ્ટીંગ કરાયું
- વડોદરામાં કરોડોના ખર્ચે બનાવવામાં આવેલા કોટંબી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત-વેસ્ટઈન્ડિઝ વચ્ચે મહિલા ક્રિકેટ મેચ રમાશે.
વડોદરા શહેર નજીક તૈયાર થયેલા કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં આગામી 22 ડિસેમ્બરથી ભારત અને વેસ્ટ ઈન્ડીઝ મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. 22 ડિસેમ્બર, 24 ડિસેમ્બર અને 27 ડિસેમ્બરે આ 3 મેચ રમાશે, જેના માટે કોટંબી ઇન્ટરનેશનલ સજ્જ થઇ ગયું છે.
વડોદરાના કોટંબી ખાતે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા કરોડોના ખર્ચે આ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેદાનમાં આગામી 22 ડિસેમ્બરથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મહિલા ટીમની ત્રણ ક્રિકેટ મેચ રમાનારી છે. ત્યારે આ ઇન્ટરનેશનલ ક્રિકેટ મેચો પૂર્વે બીસીએ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્ટેડિયમમાં ફ્લડ લાઇટનું પણ ટેસ્ટિંગ કરાયું છે. સ્ટેડિયમનો આકાશી નજારો સામે આવ્યો છે.
વડોદરા શહેર નજીક બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા કોટંબી ખાતે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું છે ઘણા લાંબા વર્ષો બાદ આ કામગીરી પૂર્ણ થતા હવે ધીમે ધીમે આ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચો રમવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આગામી 22 ડિસેમ્બરથી ભારત અને વેસ્ટ ઇન્ડીઝની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વન-ડે સિરીઝનો પ્રારંભ થનાર છે આ વનડે સિરીઝ દરમિયાન મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ત્રણ મેચ રમાશે. ત્યારે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ફલર્ડ લાઈટનો ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.
સ્ટેડિયમમાં 35 હજારથી વધુ દર્શકો બેસી શકે તેવી સુવિધા
અત્રે મહત્વની બાબત એ છે કે આ સ્ટેડિયમમાં 35 હજારથી વધુ ક્રિકેટ રસીકો બેસી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ સ્ટેડિયમમાં વીઆઈપીઓ માટે પણ ખાસ ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યાર સુધી વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ મેચો રિલાયન્સના મેદાન ખાતે રમાતી હતી. જે બાદ બીસીએ દ્વારા પોતાનું ઇન્ટરનેશનલ સ્ટેડિયમ તૈયાર કર્યું છે.
સ્ટેડિયમમાં છે આવી સુવિધા
કરોડોના ખર્ચે બનેલ કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પ્લેયર્સ માટે બનાવેલ ડ્રેસિંગ રૂમ અન્ય તમામ સ્ટેડિયમો કરતા સૌથી મોટો છે તેમજ ફર્સ્ટ એડ રૂમની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. કોટંબી સ્ટેડિયમમાં અમ્પાયર રૂમ, વીડિયો એનાલિસ્ટ રૂમ, મેચ રેફરી રૂમ અને એન્ટી કરપ્શન યુનિટ માટે પણ ખાસ રૂમ બનાવેલ છે. જયારે મેચ નિહાળવા આવતા 32 હજારથી વધુ પ્રક્ષકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
કંપની કે ઉદ્યોપતિઓના લોકો સ્ટેડિયમમાં આવી ક્રિકેટનો આનંદ ઉઠાવી શકે તે માટે 35 જેટલા કોર્પોરેટ (લક્ઝરી) બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. જે ઉદ્યોગપતિ અને પ્રાઇવેટ કંપની સહિતના લોકો 10 થી 15 વર્ષ સુધીના કરાર આધારિત આ બોક્સ ખરીદી શકે છે અને ઉદ્યોગપતિ તેમજ કંપની ના લોકો સ્ટેડિયમમાં આવીને ક્રિકેટનો આનંદ ઉઠાવી શકે છે. આ 35 જેટલા કોર્પોરેટ (લક્ઝરી) એક બોક્સમાં સોફા સહિતની 20 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે .
400 એલઇડી બલ્બ લગાવાયા
મુંબઇમાં રિલાયન્સ સ્ટેડિયમ બાદ કોટંબી સ્ટેડિયમ ભારતનું બીજું એવું સ્ટેડિયમ છે. જયાં ડીએમએક્સ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. મેચ નિહાળવા માટે કોઇ વીઆઇપી આવશે ત્યારે તેમના નામની સાથે ફ્લડ લાઇટ પર વેલકમ લખાઇને આવશે. ડે-નાઇટ મેચ માટે વિશાળ ચાર ફ્લડ લાઇટ્સ લગાડવામાં આવી છે. જેમાં 400 એલઇડી બલ્બ લગાવાયા છે.
ફ્લડ લાઈટ માટે ત્રણ જનરેટર મુકાયા છે. જેમાંથી એક જનરેટર સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે જયારે બે જનરેટર સતત ચાલુ રહેશે. આ બે જનરેટરમાં એક ક્લાકમાં 250 લીટર ડીઝલનો વપરાશ થાય છે. કોટંબી સ્ટેડિયમમાં ત્રણ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માં આવ્યા છે. જેમાં એક ગ્રાઉન્ડ હાલ બની રહ્યું છે. જયારે 2 ગ્રાઉન્ડ તૈયાર છે. જેમાં એક મુખ્ય ગ્રાઉન્ડમાં ઇન્ટરનેશનલ મેચ રમાશે જયારે બીજા ગ્રાઉન્ડમાં રણજી ટ્રોફી મેચ રમાશે.
દેશના અન્ય મેદાનોની પ્રમાણે જ વડોદરાના આ કોટંબી
ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. અગાઉ આ ક્રિકેટ સ્ટેડિયમમાં પોતાના રસ્તાને લઈને અસમંજસ પણ સર્જાયું હતું. જોકે સરકાર પાસે માંગણી કરતા રસ્તાની ફાળવણી કરવામાં આવી છે. જેથી લોકોને પણ અવરજવર કરવામાં સરળતા રહેશે.
કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે 22 ડિસેમ્બરથી ભારત અને વેસ્ટઇન્ડિઝ મહિલા ટીમો વચ્ચે એક દિવસીય અને ડે નાઈટ ક્રિકેટ મેચને લઇને ટિકિટના વેચાણને પ્રતિસાદ મળી રહ્યો છે. હાલ રૂ.110ની ટિકિટોનું વેચાણ 2500થી પાર થઇ ગયું છે જયારે રૂ. એક હજારની ટિકિટોનું વેચાણ 3 હજારને પાર થવા આવ્યું છે.