આજના સમયમાં 24*7 વર્ક કલ્ચર બની ગયું છે. લોકો કામ કરતી વખતે દિવસ-રાત જોતા નથી અને તેમના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વ્યસ્ત રહે છે. મોટી સંખ્યામાં લોકો આખી રાત જાગતા રહે છે અને કામ કરે છે.
નાઈટ કલ્ચર ભલે પ્રોફેશનલ લાઈફ માટે સારું હોય, પણ સ્વાસ્થ્ય માટે તે ઘણું જોખમી હોઈ શકે છે. નાઇટ શિફ્ટમાં કામ કરવાથી તમને ડાયાબિટીસ, હૃદયરોગ, સ્થૂળતા સહિત અનેક જીવલેણ રોગોનો સામનો કરવો પડી શકે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે માત્ર થોડા દિવસોની નાઇટ શિફ્ટ પણ તમને દર્દી બનાવી શકે છે.
યુ.એસ.માં વોશિંગ્ટન સ્ટેટ યુનિવર્સિટીના નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે નાઇટ શિફ્ટમાં કામ કરવાથી આપણા બ્લડ ગ્લુકોઝને કંટ્રોલ કરતા પ્રોટીનની રીધમમાં ખલેલ પડી શકે છે. આ શરીરના એનર્જી મેટાબોલીઝમને ડીસ્ટર્બ કરી શકે છે, જે ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધારી શકે છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે માત્ર 3 નાઇટ શિફ્ટ કરવાથી તમે ડાયાબિટીસ, સ્થૂળતા અને અન્ય મેટાબોલિક ડિસઓર્ડરનો શિકાર બની શકો છો. રાત્રે જાગીને કામ કરવાથી મગજની માસ્ટર બાયોલોજીકલ કલોકને ખલેલ પહોંચે છે, તેનાથી તણાવ વધે છે અને ક્યારેક ડિપ્રેશન પણ થઈ શકે છે.
બ્લડ પ્રેશર,હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારી શકે
આ અભ્યાસ જર્નલ ઓફ પ્રોટીઓમ રિસર્ચમાં પ્રકાશિત થયો છે. સંશોધકોનું કહેવું છે કે જ્યારે રિસર્ચમાં સામેલ નાઈટ શિફ્ટ કામદારોના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા ત્યારે તેમની તપાસ કરતાં ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી. અન્ય લોકોની સરખામણીમાં રાત્રે કામ કરતા લોકોમાં ઇન્સ્યુલિનના પ્રોડક્ટ અને સેન્સીટીવીટીમાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો. માત્ર ડાયાબિટીસ જ નહીં, પરંતુ અગાઉના ઘણા સંશોધનોથી જાણવા મળ્યું છે કે જે લોકો રાત્રે જાગતા રહે છે અને નાઇટ શિફ્ટ કરે છે તેમનું બ્લડ પ્રેશર વધી શકે છે, જે હૃદય રોગ અને સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે.
આ કારણ થી લોકોએ નાઈટ શિફ્ટ કરવાનું ટાળવું જોઈએ
અન્ય એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રાત્રે ખોરાક ખાવાથી શરીરના મેટાબોલિઝમમાં ફેરફાર થાય છે. ખાસ કરીને, તે બ્લડ શુગર અથવા ગ્લુકોઝની પ્રક્રિયા કરવાની તમારી ક્ષમતાને નબળી બનાવી શકે છે. આ સંશોધનમાં, સંશોધકોએ શોધી કાઢ્યું કે માત્ર દિવસ દરમિયાન ખાવાથી રાત્રે કામકાજ સાથે સંકળાયેલા ઉચ્ચ ખાંડના સ્તરને રોકી શકાય છે. આરોગ્ય નિષ્ણાંતો માને છે કે રાત્રે જાગતા કામ કરવાથી આપણા શરીરની સર્કેડિયન રીધમ ખલેલ પડે છે અને આરોગ્ય પર નકારાત્મક અસરો પડે છે. આ માટે લોકોએ નાઈટ શિફ્ટ કરવાનું ટાળવું જોઈએ.