કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે છતાં શહેરીજનોને રાત્રે રખડવાની છુટ નહી!

દિવાળીના તહેવારો પણ રાત્રી કરફયુમાં જ થશે: રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી સંચારબંધી હજી એક મહિનો અમલમાં રહેશે

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. અનેક જિલ્લાઓ સંપૂર્ણપણે કોરોના મુક્ત થઈ ગયા છે. છતાં રાજ્ય સરકાર કોઈપણ પ્રકારનું જોખમ ઉઠાવવા માંગતી ન હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટ સહિત રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં હાલ અમલમાં રહેલા રાત્રી કરફયુની મુદત આગામી 10 નવેમ્બર સુધી અર્થાત એક મહિનો લંબાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સતત બીજા વર્ષ પણ દિવાળી સહિતના તહેવારોની ઉજવણી રાત્રી સંચારબંધીમાં જ કરવી પડશે.

કોરોનાના સંક્રમણને અટકાવવા માટે લાદવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન બાદ ગુજરાતમાં છેલ્લા દોઢ વર્ષથી રાત્રી કરફયુ અમલમાં છે. કોરોનાના કેસમાં વધારો તથા ઘટાડો થતાં રાત્રી કરફયુની સમય અવધીમાં ફેરફાર કરવામાં આવે છે. કોરોનાની બીજી લહેરમાં મીની લોકડાઉન વચ્ચે 36 શહેરોમાં રાત્રી કરફયુ લાદવામાં આવ્યો હતો. જેમાં ક્રમશ: શહેરો ઘટાડવામાં આવ્યા હતા.

હાલ રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ, અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર એમ આઠ મહાપાલિકા વિસ્તારમાં રાત્રીના 12 વાગ્યાથી લઈ સવારના 6 વાગ્યા સુધી કરફયુ અમલમાં છે. જેની અવધી આવતીકાલે પૂર્ણ થઈ રહી છે તે પૂર્વે જ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ગઈકાલે મોડી સાંજે એક નવો પરિપત્ર પ્રસિધ્ધ કરી રાજકોટ સહિત આઠ મહાપાલિકા વિસ્તારમાં રાત્રી કરફયુની મુદત 10મી નવેમ્બર સુધી લંબાવવાની જાહેરાત કરવામાં આવી છે.

ગત વર્ષ પણ રાત્રી કરફયુ સમયમાં હોવાના કારણે લોકોએ અમુક પાબંધી વચ્ચે દિવાળીના તહેવારોની ઉજવણી કરવાની ફરજ પડી હતી. આ વર્ષ પણ સતત બીજા વર્ષે દિવાળીના તહેવારોની ઉજવણી અમુક નીતિ નિયમોના દાયરામાં રહીને કરવી પડશે. રાજ્યમાં છેલ્લા બે માસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં હાલ માત્ર ત્રણ એક્ટિવ કેસ છે. છતાં શહેરીજનોને રાત્રી કરફયુમાંથી મુક્તિ આપવામાં આવી નથી. હજી એક મહિનો મહાપાલિકાવાસીઓએ રાત્રીના 12થી સવારના 6 વાગ્યા સુધી સંચારબંધીમાં રહેવું પડશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.