મહાપાલિકા વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા હોય રાત્રી કરફયુ એક પખવાડીયું લંબાવાઈ તેવી સંભાવના
અબતક,રાજકોટ
રાજકોટ સહિત રાજયની આઠ મહાનગરપાલિકાઓમાં હાલ રાત્રીના 1 થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફયુ અમલમાં છે જેની મુદત આગામી 30મી નવેમ્બરના રોજ પૂર્ણ થઈ રહી છે. દરમિયાન દિવાળીના તહેવારો બાદ કોરોનાનું સંક્રમણ ખાસ કરીને મહાપાલિકા વિસ્તારોમાં સતત વધી રહ્યું છે.ત્યારે મહાપાલિકા વિસ્તારોમાં એક પખવાડીયું રાત્રી કરફયુની મૂદત વધારવામાં આવે તેવી પણ સંભાવના રહેલી છે.
ગત વર્ષ માર્ચથી મે દરમિયાન લાદવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉન બાદ ગુજરાતમાં મહાપાલિકા વિસ્તારોમાં રાત્રી કરફયું અમલમાં છે. સમય અને સંજોગો પ્રમાણે તેમાં સમય અવધીમાં વધારો ઘટાડો કરવામાં આવી રહ્યો છે.દિવાળીના તહેવારના કારણે ગત મહિને રાજય સરકાર દ્વારા રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાપાલિકા વિસ્તારમાં રાત્રી કરફયુની સમય અવધી ઘટાડવામાં આવી હતી. અને એક મહિના માટે મહાપાલિકા વિસ્તારમા રાત્રી કરફયુ રાત્રીનાં 1 થી સવારના 6 વાગ્યા સુધી રાખવામાં આવ્યો હતો. આગામી 30મી નવેમ્બરના રોજ મહાપાલિકામાં હાલ અમલમાં રહેલા રાત્રી કરફયુની મૂદત પૂર્ણ થઈ રહી છે. દિવાળીના તહેવાર બાદ કોરોનાનું સંક્રમણ મહાપાલિકા વિસ્તારામાં વધ્યું છે. આવામાં તકેદારીના ભાગરૂપે રાજય સરકાર દ્વારા મહાપાલિકા વિસ્તારમાં હાલ અમલમાં રહેલા રાત્રી કરફયુની મુદત એક પખવાડીયું વધારવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. સંભવત: એકાદ બે દિવસમાં આ અંગે રાજય સરકાર દ્વારા સતાવાર જાહેરાત કરી દેવામાં આવશે.