ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને દરરોજ નવા કેસોનો વધારો થઈ રહ્યો છે. જેના ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.ચાર મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે
ઉલ્લેખનિય છે કે, આજે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે નાઈટ કર્ફ્યુનો નિર્ણય લેવાયો છે.જેની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કયા વિસ્તારમાં કયા સમય સુધી રાત્રિ ફર્ફ્યુ રાખવો તે નક્કી કરી સાંજ સુધીમાં જાહેરાત કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના વેક્સિન બાદ પોઝિટિવ થવાનો એકાદ કેસ આવ્યો છે. કેન્દ્ર સરકારે 14.50 લાખ વધુ ડોઝ મોકલ્યા છે. પુરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે. વેક્સિન આપવા અંગે કોઇ અવ્યવસ્થા નથી.
જણાવી દઈએ કે, નવેમ્બર મહિનામાં દિવાળી બાદ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધવાથી તકેદારીના ભાગ રૂપે રાજ્ય સરકારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યૂનું એલાન કર્યું હતું. જ્યારે કરફ્યૂ લાગૂ કરવામાં આવ્યો, ત્યારે ગુજરાતમાં પ્રતિદિન 1500થી 1600 નવા કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં હતા. જેમાંથી મોટાભાગના દર્દીઓ આ ચાર મુખ્ય શહેરોમાં જ નોંધાતા હતા.