એનજીટીની ટીમમાં નાગપુરની નેરીના,સીપીસીબી,જીપીસીબી વિજિલન્સ અને મોરબી જીપીસીબીની ટીમનો સમાવેશ
મોરબીમાં પ્રદુષણ ફેલાવતા સિરામિક એકમો સામે એનજીટી એટલેકે નેશનલ ગ્રીનટ્રીબ્યુનલમાં ચાલતા કેસ મુદ્દે સયુંકત ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં આજે નેરીના નાગપુર,સીપીસીબી,જીપીસીબી વિજિલન્સ અને જીપીસીબી મોરબીની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતાં અનેક સિરામિક એકમોની પોલ છતી થઈ છે.
જાણવા મળતી વિગતો મુજબ આજે મોરબીના સીરામીક એકમો દ્વારા ફેલાવતા પ્રદુષણ મામલે એનજીટીની સંયુક્ત ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જેમાં નાગપુરની નેશનલ એનવાયરમેન્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ,સીપીસીબી ન્યુ દિલ્લી,રાજકોટ રિજીયન જીપીસીબી વિજિલન્સ કચેરી અને મોરબીની જીપીસીબી એમ ચાર કચેરીની ટીમ દ્વારા ખાસ કરીને સીરામીક ફેક્ટરીઓના ગેસીફાયરમાંથી નીકળતા કોલગેસના કદળા મુદ્દે તપાસ હાથ ધરવામાં આવી હતી.
મોરબી સીરામીક ઉધોગમાં વપરાતા કોલ ગેસીફાયરથી ફેલતા પ્રદુષણ મામલે નેશનલ ગ્રીનટ્રીબ્યુનલ દ્વારા રચાયેલી તપાસ સમિતિ દ્વારા મોરબીની મુલાકાત દરમિયાન સમિતિના સભ્યોએ વિશેષત:મોરબીમાં ત્રણ મુદ્દે તાપસ શરૂ કરી છે જેમાં ૧.મોરબી ના કારખાનામાં ગેસીફાયર પ્લાન્ટની ટેકનોલોજીની ચકાસણી,૨. મોરબીમાં પ્રદુષણની હાલત અને ૩.સીરામીક કંપનીઓમાં કોલ ગેસીફાયર માંથી નીકળતા વેસ્ટના નિકાલની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
સમિતિના સભ્યોએ મોરબીની અનેક સીરામીક કંપની અને વિસ્તારોની મુલાકાત લીધી હતી અને સમિતિની પ્રાથમિક તપાસમાં મોરબીનું પર્યાવરણની હાલત અત્યંત ખરાબ હોવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું ટોચના સૂત્રો જણાવી રહ્યા છે.
દરમિયાન મોરબીમાં અનેક જગ્યાએ તળાવો અને નાળામાં કોલ ગેસીફાયરનો વેસ્ટ જાહેરમાં નાખવામાં આવતો હોવાની ચોકવાનારી વિગતો બાહર આવી છે જેમાં સમિતિની તપાસમાં પાનેલી અને રફાળેશ્વર પાસે કોલ ગેસીફાયરનો કદળોનો નિકાલ કર્યાનું બહાર આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આ સમિતિ હજુ આગામી અઠવાડિયા સુધી મોરબી અને આસપાસના વિસ્તારોમાં તપાસ કરશે અને એક મહિનામાં આ અંગે એનજીટીમાં રિપોર્ટ આપનાર હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.