• આજે અથવા કાલે શહેર ભાજપ સંકલન સમિતીની બેઠક: પ્રમુખ મુકેશ દોશી સંભવીતોના નામોની યાદી લઇ ગાંધીનગર જશે

રાજકોટ શહેર ભાજપના નવનિયુકત પ્રમુખ મુકેશભાઇ દોશી આવતા સપ્તાહે નવું સંગઠન માળખુ જાહેર કરી દે તેવી સંભાવના જણાય રહી છે. નવી ટીમમાં કોને સ્થાન આપવું તે નકકી કરવા માટે આગામી એકાદ-બે દિવસમાં શહેર ભાજપની સંકલન સમિતિની બેઠક મળશે જેમાં દાવેદારોની યાદી તૈયાર કરવામાં આવશે ત્યારબાદ આ યાદી લઇ મુકેશ દોશી પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પાસે જઇ આખરી મંજુરી લેશે.

સામાન્ય રીતે શહેર ભાજપ પ્રમુખ બદલાયા બાદ આખી ટીમ નવી જાહેર કરવામાં આવતી હોય છે. મીરાણીની ટીમમાં સામેલ મોટાભાગના હોદેદારોને નવા સંગઠન માળખામાં સ્થાન આપવામાં ન આવે તેવું હાલ લાગી રહ્યું છે. ત્રણ મહામંત્રી પૈકી જીતુભાઇ કોઠારી અને કિશોરભાઇ રાઠોડ છેલ્લા સાતેક વર્ષથી જવાબદારી નિભાવી રહ્યા છે. જયારે નરેન્દ્રસિંહ ઠાકુર છેલ્લા બે વર્ષથી મહામંત્રી પદે છે.

આ ત્રણેય  પૈકી એક પણને હવે રીપીટ કરવામાં આવશે નહી આ ઉપરાંત ઉપપ્રમુખ અને મંત્રી તરીકે જવાબદારી નિભાવતા પણ આગેવાનોને પણ નવી જવાબદારી સોંપવામાં આવશે નહી ટીમમાં સામેલ કરવામાં આવશે નહીં

શહેર ભાજપની સંકલન સમિતિમાં સાંસદ, ધારાસભ્યો, પ્રદેશના હોદેદારો અને મેયર સહિતના આગેવાનો હોદાની રૂએ સભ્ય હોય છે. આગામી એકાદ બે દિવસમાં સંકલન સમિતિની બેઠક મળશે. જેમાં જ્ઞાતિ જાતિના સમિકરણો, વોર્ડ બેલેન્સ કરી સંભવિતોના નામની એક યાદી તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ આ સાથે નવનિયુકત પ્રમુખ મુકેશભાઇ દોશી પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની મુલાકાત લેશે. અને નવા સંગઠન માળખાને ફાઇનલ કરશે. સંભવત: આવતા સપ્તાહે શહેર ભાજપનું નવું સંગઠન માળખુ જાહેર કરી દેવામાં આવશે. આવતા વર્ષ લોકસભાની ચુંટણી યોજવાની છે. ત્યારે સંગઠન માળખામાં જ્ઞાતિના સમિકરણોને ઘ્યાનમાં રાખી નિયુકિત કરવામાં આવશે. કોર્પોરેશનના વર્તમાન પદાધિકારીઓની અઢી વર્ષની મુદત આગામી સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થઇ રહી છે. નવા પદાધિકારીઓને નિમણુંકને ઘ્યાનમાં રાખી સંગઠન માળખામાં હોદેદારો નિમાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.