ચૂંટણી લડતા ઉમેદવારો અને તેના પ્રતિનિધિઓને ખર્ચના નિયમોની જાણકારી આપવા બેઠક યોજતા કલેકટર
આગામી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારો માટે રૂપિયા ૨૮ લાખની ચૂંટણીખર્ચની મર્યાદા હોવાનું જણાવી જિલ્લા ચૂંટણી અધિકારીએ એક થી વધુ અખબારમાં ઉમેદવારની તરફદારી કરતા સમાચારો આવે તો તેને પેઈડ ન્યૂઝ ગણવામાં આવશે તેવી સ્પષ્ટતા કરી ખર્ચ અંગેના નિયમોની જાણકારી આપી હતી.
મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોના ઉમેદવારો અને તેઓના પ્રતિનિધિઓને ચૂંટણીમાં કરાનાર ખર્ચની મર્યાદા અને ખર્ચના નિયમોની સવિસ્તર જાણકારી આપવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આઇ.કે.પટેલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજાઇ હતી. બેઠક બાદ ઉમેદવારો અને તેના પ્રતિનિધિશ્રીઓની સમક્ષ ઇ.વી.એમ.નું રેન્ડમાઇઝેશન કરાયું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આઇ.કે.પટેલે દરેક ઉમેદવારને ચૂંટણી દરમિયાન કુલ ૨૮ લાખની ખર્ચની મર્યાદા ચૂંટણીપંચે નકકી કરેલી છે.તેની જાણકારી આપી જણાવ્યું કે પ્રિન્ટ મીડીયામાં ઉમેદવારોની તરફેણ કરતા એક થી વધુ અખબારોના સમાચારોને પેઇડ ન્યુઝ ગણવાની અને તેના થનાર ખર્ચને કેવા સંજોગોમાં ઉમેદવારના ખર્ચમાં ગણાશે. તથા પેઇડ ન્યુઝના ખર્ચ સામે ઉમેદવારને જો કોઇ અપીલ કરવી હોય તો તે અંગેની તથા ઇલેકટ્રોનિક મીડીયા કેબલમાં જાહેરાત કરતા પહેલા એમ.સી.એમ.સી. કમીટી ની મંજુરી બાદ જ જાહેરાત પ્રસિધ્ધ કરવા તથા ઉમેદવારે સ્ટાર પ્રચારકોના કાર્યક્રમો દરમિયાન કેવા સંજોગોમા થનાર ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ગણાશે. તેવી સ્પષ્ટતા કરી હતી.
તેમજ ચૂંટણી સંદર્ભે છપાતા પેમ્ફલેટસ તથા સાહિત્ય માટે જરૂરી મંજુરી અંગે સવિસ્તર જાણકારી બેઠકમાં આપી હતી.
આ પ્રસંગે ૬૫-મોરબી અને ૬૬ ટંકારાના જનરલ ઓબ્ઝર્વરશ્રી ડો.એમ.ટી.રેજુએ દરેક ઉમેદવારોને સુધારેલી મતદાર યાદી આાપી દેવામાં આવી છે.તેમ જણાવી ચૂંટણીપંચનો સ્પષ્ટ ઉદેશ છે કે મતદારો નિર્ભયપણે મતદાન કરી શકે અને ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં આપ સૌના સહયોગથી પૂર્ણ થાય તેવો છે. તેમણે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આઇ.કે.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અને ખર્ચના નોડલ ઓફીસરશ્રી એસ.એમ. ખટાણા અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડની ટીમ દવારા સુદર સંકલન સાધી ચૂંટણીની કામગીરી વ્યવસ્થિત સુચારૂ રીતે સંભાળી રહયા છે. જે સરાહનીય છે. તેમ જણાવ્યું હતું