ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને ઊનાળામાં પાણીની અછતનો સામનો ન કરવો પડે તે માટે આગામી 30મી જૂન સુધી નર્મદાના નીર સમગ્ર ગુજરાતના લોકોને આપવાનો નિર્ણય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધો છે.

આ માટે નર્મદાની કેનાલ, ફતેવાડી કેનાલ, સુજલામ સુફલામના નેટવર્ક, ખારીકટ કેનાલ અને સૌની યોજનાના નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે.

આગામી ત્રીસમી જૂન સુધી પાણીનો સપ્લાય કેનાલ નેટવર્ક મારફતે ચાલુ રાખવાની જાહેરાત કરતાં તેમણે કર્હુંય  હતું કે 13મી મેની સ્થિતિએ ગુજરાતની જીવાદોરી ગણાતી નર્માદાની સપાટી 123.38 મીટર પર છે.આ પાણી રાજ્યના નાગરિકોને ઊનાળામાં પીવાનું પાણી પૂરૂં પાડવા માટે અને ખેડૂતોને ખેતી માટે પૂરૂં પાડવા માટે ઉપયોગમાં લેવાશે.

પાણીનો યોગ્ય વપરાશ થાય તે માટે સમયબદ્ધ આયોજન કરવામાં આવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક એરિયામાં નિશ્ચિત સમયગાળામાં સપ્લાય મળશે તેવું આયોજન કરાયું છે.

રાજ્યના જે વિસ્તારોમાં પાણીની જરૂર હશે તે વિસ્તારમાં ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવશે. તેનાથી ખેડૂતોને ખાસ્સો લાભ થશે. જોકે આગામી પંદરમી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું બેસી જવાની સંભાવના હોવાથી આ વરસે પાણીની બહુ મોટી તકલીફ પડવાની સંભાવના ઓછી જણાય છે.

નીતિન પટેલે ઉમેર્યુ કે, ઉનાળાની સીઝનમાં ખેડૂતો અને પશુપાલકોની પાણીની જરૂરીયાત સંતોષવા માટે નર્મદા કેનાલ દ્વારા નર્મદાના નીર થકી ખેડૂતો અને પશુપાલકો માટે પાણી પૂરું પાડવાના આશયથી નર્મદા કેનાલ, સુજલામ સુફલામ, ફતેવાડી , ખારી કટ તથા સૌની યોજનામાં સિંચાઇ વિભાગની જરૂરિયાત પ્રમાણે નર્મદા યોજનાનું પાણી આપવામાં આવશે. સિંચાઇ વિભાગ દ્વારા આ પાણી સુજલામ સુફલામ અને સૌની યોજના દ્વારા રાજ્યભરમાં જરૂર હશે ત્યાં આપવામાં આવશે જેનો લાખો ખેડૂતો તથા પશુપાલકોને લાભ થશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.