મહામારીનું જોખમ ઓછું થતા શેરબજારને કળ વળી: બેંકીંગ સેકટરમાં લેવાલીનો જબ્બર માહોલ

પ્રોફીટ બુકીંગના પ્રેશર વચ્ચે ઓઈલ-ગેસ અને ફૂડ સેક્ટરમાં તેજીનો તોખાર

કોરોના મહામારીના કારણે વૈશ્વિક અર્થતંત્ર ઉપર સંકટ ઉભુ થયું હતું. છેલ્લા છ મહિનામાં અનેક આર્થિક ગતિવિધિઓ ઉપર અલ્પવિરામ મુકાઈ ગયું હતું જોકે વૈશ્વિક મહામારીની તિવ્રતા ભારતમાં ઘટી છે. અધુરામાં પુરુ રસી માટે પણ અનુકૂળ વાતાવરણ સર્જાયું છે આવા સંકેતોના કારણે આજે શેરબજારમાં ૫૩૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે બજાર ખુલતા જ ટોચના તમામ શેરમાં લેવાલી જોવા મળી હતી જોકે આજે પ્રોફિટ બુકિંગનું પ્રેશર પણ જણાયું હતું. આ લખાય છે ત્યારે શેરબજાર ૫૦૪ પોઈન્ટના ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું છે.

માત્ર ભારતીય શેરબજાર જ નહીં પરંતુ એશિયન દેશોના તમામ બજારમાં રોકાણકારો ખુશખુશાલ છે. સેન્સેકસ આજે ખુલતાની સાથે જ ઉપર ચડયો હતો. અત્યારે સેન્સેકસમાં લો ૪૦,૨૧૧નો જયારે હાઈ ૪૦,૫૧૯નો નોંધાયો છે. આઈસીઆઈસીઆઈ બેંક, એકઝીસ બેંક, એચડીએફસી સહિતની ટોચની બેંકોના શેરમાં ૩.૩૦ ટકાથી લઈ ૪.૩૩ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઓએનજીસી, એસબીઆઈ સહિતના શેર પણ ૩.૨૭ ટકા સુધી વઘ્યા હતા. બીજી તરફ ટીસીએસ, એરટેલ, બજાજ ઓટો, મારૂતી સુઝુકી, ટાઈટન સહિતના શેરમાં ૧.૨૫ ટકા સુધીનું ગાબડુ પડી ગયું હતું.

ડોલર સામે રૂપિયો આજે પણ નબળો રહ્યો હતો. નિફટી-ફિફટીના ટોચના શેરમાં લેવાલીના સહારે બજાર ગ્રીન ઝોનમાં ટ્રેડ થયું હતું. બેંક નિફટીમાં પણ આજે તેજ તરાર તેજી જોવા મળી હતી. ખુલતાની સાથે જ બેંક નિફટી ૬૫૦ પોઈન્ટ સુધી ઉછળી હતી. બેકિંગ સેકટરના ફેડરલ બેંક બેંક ઓફ બરોડા, આરબીએલ બેંક, બંધન બેંક, કોટક મહિન્દ્રા સહિતની બેંકોના શેરમાં આજે ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ ઓઈલ એન્ડ ગેસ, કેમિકલ અને ફુડ એન્ડ બેવરેજીસ જેવા સેકટર પણ આજે ઉછળ્યા હતા. એકંદરે આજે શેરબજારમાં રોકાણકારો તરફનો માહોલ જોવા મળ્યો હતો.

નોંધનીય છે કે, કોરોના મહામારીના કારણે વિશ્ર્વભરના વિકસિત અને વિકાસશીલ દેશોનું અર્થતંત્ર ભાંગી ગયું છે. કોરોના મહામારીના પંજામાંથી કડવડતા હજુ લાંબો સમય લાગશે જોકે અત્યારે એક તરફ કોરોના કેસનું પ્રમાણ ઘટી ગયું છે બીજી તરફ રસી માટે પણ અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. આવા સંકેતોના કારણે સેન્સેકસ સહિતના શેરબજારમાં તેજીનું તોફાન જોવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.