જો એક પણ ધારાસભ્ય હારશે તો રાજકારણ છોડી દઈશ: ઉદ્ધવને ખુલ્લો પડકાર ફેંકતા શિંદે
શિંદે ગ્રુપની નવસર્જિત સેના મહારાષ્ટ્રમાં છવાઈ ગઈ છે. તેવામાં બળવાખોર ધારાસભ્યોએ ચૂંટણીનો સામનો કરવો જોઈએ તેવા ઉદ્ધવ ઠાકરેના નિવેદનને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ખુલ્લો પડકાર ફેંક્યો છે. સીએમ એકનાથ શિંદેએ કહ્યું હતું કે જો તેમને ટેકો આપનાર શિવસેનાના 40 ધારાસભ્યોમાંથી એક પણ આગામી ચૂંટણી હારી જશે તો તેઓ રાજકારણ છોડી દેશે.
ઉદ્ધવે કહ્યું હતું કે જો બળવાખોરો ચૂંટણી લડશે તો તેમની હાર થશે. શિંદેએ કહ્યું, “એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ બળવાખોર ધારાસભ્ય ચૂંટણી જીતશે નહીં. પરંતુ હું કહું છું કે કોઈ ધારાસભ્ય હારશે નહીં. મેં તેની જવાબદારી લીધી છે. જો તેમાંથી કોઈ હારશે તો હું રાજકારણ છોડી દઈશ.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “કોણ જીતશે અને કોણ હારશે તે નક્કી કરવા માટે તમે કોણ છો? તે બધું લોકો દ્વારા નક્કી કરવામાં આવે છે. મતદારો નક્કી કરે છે.” શિંદેએ કહ્યું કે ઉદ્ધવ જૂથે આત્મનિરીક્ષણ કરવું જોઈએ. “અમારી ટીકા કરનારાઓ સામે કોઈ કેસ નથી અને અમારી સામે સેંકડો કેસ છે. હું શિવસેના માટે જેલમાં પણ ગયો છું,” સીએમએ કહ્યું.
આગામી ચૂંટણીમાં 200 બેઠકો મળશે: શિંદે
અગાઉ પણ, નવી સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યા પછી, એકનાથ શિંદેએ કહ્યું હતું કે તેમની સાથેના તમામ ધારાસભ્યો ચૂંટાશે અને તેમની ટીમ અને ભાજપને આગામી વિધાનસભા ચૂંટણીમાં 200 બેઠકો મળશે. જો નહીં મળે તો હું ખેતરોમાં જઈશને ખેતી શરૂ કરી દઈશ.
સુપ્રીમ 20મીએ કરશે સુનાવણી
સુપ્રીમ કોર્ટ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઘમાસાણ મામલે દાખલ અરજીઓ પર 20 જુલાઈએ સુનાવણી કરે તેવી શક્યતા છે. ચીફ જસ્ટિસ એનવી રમનાની આગેવાની હેઠળની ત્રણ જજોની બેંચ આ મામલે સુનાવણી કરશે. ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના અને મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળના જૂથ બંનેએ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.