બાર એસો.ના હોદેદારો અને સિનિયર વકીલોએ ચીફ જસ્ટીસને રૂબરૂ મળી ઉદઘાટન માટે કરી રજૂઆત
55 હજાર ચો.મી. જગ્યામાં 117 કરોડના ખર્ચે 5+1 માળની આધુનિક કોર્ટ બિલ્ડીંગમાં એ.ટી.એમ. પોસ્ટઓફીસ, કેન્ટીંગ અને વિશાળ પાર્કિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ
કોર્ટ સંકુલમાં વકીલોને બેસવા માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે
શહેરના જામનગર રોડ ઉપર નવનિર્માણ અદાલત આગામી બે ઓક્ટોબર ના રોજ ગાંધી જયંતીના દિવસે ઉદ્ઘાટન કરવામાં આવે તેવા હેતુ સાથે રાજકોટ બાર એસો દ્વારા કોર્ટના ચીફ જસ્ટિસ ને મળી રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી
રાજકોટમાં ઘંટેશ્વર નજીક સરકાર દ્વારા રૂ.117 કરોડના ખર્ચે નવા કોર્ટ બિલ્ડીંગની મંજૂરી આપવામાં આવી હતી ઘંટેશ્વર ખાતે નવા કોર્ટ બિલ્ડિંનું ખાત મુહરત કરવામાં આવ્યું હતું નવા કોર્ટ બિલ્ડીંગનું કામ પૂર્ણતાના આરે આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા જેમાં વકીલો માટે પૂરતી સુવિધા ન હોવાને કારણે રાજકોટ બાર એસોસિએશન દ્વારા ડિસ્ટ્રીકટ જજ, યુનિટ જજ અને હાઇકોર્ટના ચીફ જસ્ટિસને રજૂઆત કરવામાં આવી હતી અને જે રજૂઆત મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી હતી અને વકીલો માટે નવા કોર્ટ બિલ્ડીંગ માટે હકારાત્મક અભિગમ મળતા વકીલોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. અને નવું કોર્ટ બિલ્ડીંગ તૈયાર થતાની સાથે જ નવા કોર્ટ બિલ્ડીંગનું સ્થળાંતર ટૂંક સમયમાં થઈ રહ્યું હોવાની વકીલોમાં ચર્ચા વહેતી થઈ હતી.
ઘંટેશ્વર ખાતે નવનિર્માણ પામેલા કોર્ટ બિલ્ડીંગમાં ફર્નિચરનું કામ જ બાકી છે અને તે પણ પૂર્ણતાના આરે છે ત્યારે રાજકોટ બાર એસોસિએશનના પ્રતિનિધિ મંડળ દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કર્મભૂમિ રાજકોટમાં બે ઓગસ્ટના રોજ ગાંધી જયંતીના દિવસે જ નવા કોર્ટ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી ઈચ્છા સાથે રાજકોટ બાર એસોસિએશનનું પ્રતિનિધિ મંડળ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતાબેન અગ્રવાલને મળવા માટે પહોંચ્યુ હતું. અને જ્યાં બે ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના દિવસે નવા કોર્ટ બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. અને ચીફ જસ્ટીસે પણ હકારાત્મક અભિગમ દાખવ્યો હતો. તેથી બે ઓગષ્ટના રોજ નવા કોર્ટ બિલ્ડીંગનું ઉદઘાટન કરવામાં આવશે તેવું વકીલ આલમમાંથી જાણવા મળ્યું છે.
આ તકે બાર એસોસિએશનના પ્રમુખ લલિતસિંહ જે. શાહી, ઉપપ્રમુખ એન.જે. પટેલ, સેક્રેટરી દિલીપભાઈ જોષી, બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અનિલભાઈ દેસાઈ, સંજયભાઈ વ્યાસ, અર્જુનભાઈ પટેલ, એમએસીપી બાર એસોસિએશનના પ્રમુખ મનીષભાઈ ખખ્ખર, બાર એસોસિએશનના જે.એફ. રાણા, જે.બી. ગાંગાણી, ટી.બી. ગોંડલીયા સહિતની ટીમ હાજર રહી હતી
તત્કાલિન મુખ્યમંત્રી વિજયભાઈના સકારાત્મક અને હકારાત્મક અભિગમથી નવું કોર્ટ બિલ્ડીંગ મળ્યું
14 એકરમાં ઘંટેશ્વર ખાતે નવ નિર્માણ બિલ્ડીંગમાં 50થી વધુ કોર્ટ કાર્યરત થશે
સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટને તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સકારાત્મક અને હકારાત્મક અભિગમ સાથે પોતાના હોમ ટાઉન રાજકોટનું એક સ્વપ્ન પૂરૂ થશે જે નવનિયુકત કોર્ટનું ગાંધી જયંતિએ લોકાપર્ણ કરવાની રાજયના ચીફ જસ્ટીસ હકારાત્મક અભિગમ આપતા બાર એસો. દ્વારા તૈયારી આરંભી દેવામાં આવી છે.
રાજકોટ શહેરની ભાગોળે ઘંટેશ્વર પાસે એફ.સી.આઇ.ના ગોડાઉન પહેલા ડિસ્ટ્રિક્ટ કોર્ટનું કેમ્પસ 55 હજાર ચો.મી. જમીનમાં પથરાયેલું છે. કોર્ટના અદ્યતન નવા બિલ્ડીંગ માટે સરકાર દ્વારા આ કામગીરી માટે રૂ. 117 કરોડની તાંત્રિક મંજુરી આપવામાં આવી છે. જેના ભાગરૂપે અંદાજે રૂ. 90 કરોડના ખર્ચે બાંધકામ અને ફર્નીચર સહિત અન્ય સુવિધા સાથે આ કોર્ટ બિલ્ડીંગ આકાર પામ્યું છે.
52 કોર્ટ બેસી શકે એવી સગવડતા ધરાવતી ડિસ્ટ્રીકટ કોર્ટના બિલ્ડિંગનું બાંધકામ કરવામાં આવ્યું છે.
કોર્ટ બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોર ઉપરાંત કુલ પાંચ માળનું બની રહ્યું છે .હાલ મોડેલ કોર્ટરૂમ પણ તૈયાર કરી લેવામાં આવ્યું છે. લાયબ્રેરી , વિડીયો કોન્ફરન્સ હોલ, બાર રૂમ, ચેમ્બરો, સ્ટાફ માટે વિવિધ સુવિધા તેમજ પાર્કિંગની સુવિધા, વિકલાંગો માટે અલાયદી સવલતો સહિતનું સિવિલ વર્ક થઈ રહ્યું છે. નવી કોર્ટ બિલ્ડીંગમાં સોલાર રૂફ ટોપ ઇન્સ્ટોલ કરવામાં આવશે
રાજકોટ ખાતે હાલ કુલ 38 કોર્ટ કાર્યરત છે જે દરેક અલગ અલગ બિલ્ડીંગમાં આવેલી છે જેના કારણે વકીલો-પક્ષકારોને ખૂબ જ તકલીફ પડતી હોય છે.
વરસાદના સમયમાં જરૂરી કાગળો એક બિલ્ડીંગમાંથી બીજા બિલ્ડીંગમાં પહોંચવું મોટું પડકાર હોય છે. જેને ધ્યાને રાખીને ગુજરાત હાઇકોર્ટ અને રાજ્ય સરકારે એક વિશાળ જગ્યામાં નવા કોર્ટ બિલ્ડીંગના નિર્માણ અંગેનો નિર્ણય લીધો હતો. વકીલો અને પક્ષકારોને પડતી મુશ્કેલીઓના નિરાકરણ માટે ગુજરાત હાઇકોર્ટ અને રાજ્ય સરકાર દ્વારા 14 એકરની વિશાળ જગ્યામાં 5+1 માળની કોર્ટ બિલ્ડીંગનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. કોર્ટ બિલ્ડીંગમાં વકીલો-પક્ષકારો માટે અલગ-અલગ પ્રકારની સુવિધાઓ છે.
50થી પણ વધુ કોર્ટરૂમનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં લેન્ડસ્કેપ અને ટ્રી પ્લાન્ટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નવી કોર્ટ બિલ્ડીંગ શરૂ થયા બાદ પક્ષકારોને સુવિધાયુક્ત બિલ્ડીંગ મળશે, દિવ્યાંગો માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. ન્યાયાધીશો અને વકીલો માટે પણ સુવિધાઓ આપવામાં આવી છે. જેથી તમામની કાર્યશક્તિમાં વધારો થશે. નવી બિલ્ડીંગમાં એ.ટી.એમ., પોસ્ટ ઓફિસ અને કેન્ટીન તેમજ વિશાળ પાર્કિંગ પણ રાખવામાં આવ્યું છે.
ૈઆ ઉપરાંત કોર્ટ સંકુલમાં વકીલો માટે અલાયદી બેસવાની વ્યવસ્થા માટે ભવિષ્યને ધ્યાને લઈ અલગ બિલ્ડીંગ બનાવવામાં બાર એસો. દ્વારા ડિસ્ટ્રીકટ જજ અને યુનિટ જજને રજૂઆત કરવામાં આવતા સકારાત્મક અભિગમ અપનાવ્યો છે