સૌરાષ્ટ્ર ગુજરાતના પીઢ કોંગ્રેસી કાર્યકરો માજી ધારાસભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં શકિતસિંંહને શુભેચ્છા પાઠવી
‘અબતક’નું રસપૂર્વક વાંચન કરતાં શક્તિસિંહ ગોહિલ (તસવીર: જયમીન માવાણી)
કોંગ્રેસ પક્ષના નવનિયુકત પ્રદેશ પ્રમુખ અને રાજયસભાના સાંસદ શકિતસિંંહ ગોહિલ ચોટીલા સ્થિત ચામુંડા માતાજીના દર્શને આવ્યા હતા. સાંજના સમયે ચોટીલા પધારેલા શકિતસિંંહ ગોહિલએ ડુંગર પર ચામુંડા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જયા પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈના નવચંડી યજ્ઞમાં પણ હાજરી આપી હતી. આ તકે સૌરાષ્ટ્ર ગુજરાતના પીઢ કોંગ્રેસી કાર્યકરો માજી ધારાસભ્ય અને કાર્યકરો મોટી સંખ્યામાં શકિતસિંહને શુભેચ્છા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
આતકે નવસાદભાઈ સોલંકી, પૂર્વ ધારાસભ્ય પીરજાદા, સુરેશભાઈ બથવાર, નિદીતભાઈ બારોટ, ડી.પી. મકવાણા, લલીતભાઈ કગથરા, રણજીતભાઈ મુધવા, ચેતનભાઈ ખાચર, કલ્પનાબેન ભીખુભશઈ વારોતરીયા, હરીચંદ્ર પાટડીયા સબીલભાઈ વાઘેલા, મનુભાઈ પટેલ, રજનીભાઈ કડ, ઈન્દ્રનીલ રાજયગુરૂ, કીર્તિસિંહ ગોહિલ, હરેશભાઈ ચૌહાણ, બેચરભાઈ, રાઘવભાઈ મેટાલીયા, વિરાભાઈ મેટાલીયા, મનુભાઈ સોલંકી, છૈનીભાઈ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું રાજકોટમાં ઉમળકાભેર સ્વાગત
ગ્રીનલેન્ડ ચોકડી ખાતેથી કોંગી કાર્યકરો દ્વારા બાઈક રેલીનું કરાયું આયોજન
રાજકોટની મુલાકાતે આવેલા નવ નિયુક્ત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ગ્રીનલેન્ડ ચોકડી ખાતે અભિવાદન સ્વીકાર્યા બાદ કહયું હતું કે, રાજકોટમાં કોંગ્રેસમાં જૂથવાદની વાતો ચાલે છે પણ અહિ વાતાવરણ કઈક અલગ છે. બધા સાથે છીએ અને આગામી ચૂંટણીઓ સાથે મળીને લડવાની છે. કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહયું હતું કે, કોંગ્રેસ સત્યના માર્ગે હતો. સૌ કાર્યકરો સાથે ચાલે છે અને એ જ રીતે સૌએ ચાલવાનું છે. કોંગ્રેસના શહેર અને જિલ્લાના આગેવાનોએ મળીને શક્તિસિંહને આવકાર્યા હતા.
પ્રદેશ પ્રમુખ બન્યા બાદ શક્તિસિંહ ગોહિલ પ્રથમવાર રાજકોટના પ્રવાસે શુક્રવારે આવ્યા હતા. આ તકે તેમનું ગ્રીનલેન્ડ ચોકડી ખાતે કોંગી કાર્યકરો દ્વારા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શક્તિસિંહ ગોહિલને રજવાડી પાઘ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપરાંત સ્વાગત પ્રસંગે બાળાઓ દ્વારા તલવાર રાસ પણ રજૂ કરવામાં આવ્યો હતો.
આ તકે શક્તિસિંહ ગોહિલે કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, એવી વાતો કરવામાં આવે છે કે, રાજકોટમાં જુથવાદ છે પણ મને અહીંયા આવીને જુથવાદ નહીં પણ એકજુથ જેવો માહોલ જોવા મળ્યો છે. તેમણે કહ્યું હતું કે, આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના તમામ કાર્યકરો એકજુથ થઈને કાર્ય કરશે અને કોંગ્રેસને ઝળહળતું પરિણામ અપાવશે.
આ તકે સૌરાષ્ટ્રના પ્રભારી રામ કીશન ઓઝા, શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયા, ઈન્દ્રનિલ રાજયગુરુ અર્જુનભાઈ ખાટરીયા વિગેરે હાજર રહ્યા હતા. પૂર્વ ધારાસભ્યો, રાજકોટ શહેર જિલ્લાના આગેવાનો, મહિલા કોંગ્રેસ, સેવા દળ, યુવક કોંગ્રેસ, એન.એસ.યુ.આઈ., માઈનોરીટી સેલ, બક્ષીપંચ સેલ, અનુસૂચિત જાતિ – જનજાતિ સેલ સહિત તમામ કોંગ્રેસની પાંખના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.
આ તકે કોંગી કાર્યકરો દ્વારા એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રીનલેન્ડ ચોકડીથી શરૂ કરી હોસ્પિટલ ચોક સુધી બાઈક રેલી સ્વરૂપે શક્તિસિંહ ગોહિલનું અભિવાદન કરાયું હતું.
રાહુલ ગાંધીના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળવાનો વિશ્વાસ
રાહુલ ગાંધીના કેસમાં કોઈ એવી બાબત નથી કે, જ્યાં રાહત ન મળે. તેમણે કહ્યું હતું કે, અમરેલીના ભાજપના ચિન્હ પર ચૂંટાયેલા સાંસદ સભ્યે એક દલિત તબીબને હોસ્પિટલમાં ચાલુ ફરજે માર માર્યો હતો. તેમની સામે વર્ષ 2016માં નીચલી અદાલતમાં કેસ ચાલ્યો અને અદાલતે દોષિત ઠેરવી સજા કરી. હાઇકોર્ટે પણ રાહત ન આપી પરંતુ સુપ્રીમ કોર્ટે માન્યું કે, ગુન્હો કર્યો છે અને તે બદલ રૂ. 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો પણ સભ્ય પદ ચાલુ રહે તેવી રાહત આપી હતી તો આ કેસની સામે રાહુલ ગાંધીનો કેસ તો કશું જ નથી. જેથી અમને વિશ્વાસ છે કે, અમને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળશે.
જૂથવાદ નહીં પણ એકજુથ થઇ કાર્ય કરશે કોંગી કાર્યકરો : શક્તિસિંહ ગોહિલનું નિવેદન
આ તકે મીડિયા સાથે વાત કરતા શક્તિસિંહ ગોહિલ જણાવ્યું હતું કે, ઘણા વર્ષોથી ભાજપનું રાજ્ય અને કેન્દ્રમાં શાસન છે પણ ગુજરાતના લોકોની સમસ્યાઓનું સમાધાન થતું નથી, સામાન્ય માનવી હજુ પણ અનેક સમસ્યાઓથી પીડાય છે ત્યારે ગુજરાતીઓની અપેક્ષા અને અસ્મિતાનું પુન: સ્થાપન થાય તેવા શુભ આશય સાથે કોંગ્રેસ કાર્ય કરી રહ્યું છે. તેમણે વધુમા લોકસભા ચૂંટણી અંગે જણાવ્યું હતું કે, હાર અને જીત જનતાના હાથમાં હોય છે પણ આગામી દિવસોમાં પ્રજાના પ્રેમ અને આશિર્વાદ કોંગ્રેસને મળશે અને પરિણામ સારૂ રહેશે તેવો મને વિશ્વાસ છે. તેમણે અંતમાં કોંગ્રેસમાં જૂથવાદ અંગે જણાવ્યું હતું કે, આજે બધાએ જોયું છે કે, કોઈ જ જાતના જૂથવાદ વિના બધાએ પ્રેમ આપ્યો છે, તમામ જૂથવાદની વાતો શમી ગઈ છે અને સૌ સાથે મળીને કાર્ય કરી રહ્યા છે.