શહેરભરમાં ડીઆઈ પાઈપલાઈનનું નેટવર્ક ઝડપથી બિછાવાય તે માટે સતત પ્રયત્નો કરાશે

આજી રિવરફ્રન્ટ ડ્રીમ પ્રોજેકટ, મારા કાર્યકાળમાં આ કામ પરિપૂર્ણ થાય તે માટે વ્યક્તિગત રસ લઈશ: મેયર

રાજકોટના 21માં મેયર તરીકે ભાજપ દ્વારા આજે યુવા નેતા ડો.પ્રદિપ આર.ડવની વરણી કરી છે. મેયર તરીકે સત્તારૂઢ થયાના કલાકોમાં જ તેઓ કાર્યરત થઈ ગયા છે. મહાપાલિકામાં અલગ અલગ 15 સમીતીની રચના કરવા માટે તેઓએ આગામી મંગળવારે ખાસ બોર્ડ પણ બોલાવ્યું છે. દરમિયાન આજે પત્રકારો સાથે વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, શહેરના પ્રથમ નાગરિક તરીકે રાજકોટના ડેવલોપ માટે હું ગ્રાઉન્ડમાં ઉતરી તમામ નિર્ણયો લઈશ. ચેમ્બરમાં બેસી અધિકારીઓને આદેશ આપવા પુરતી મારી કામગીરી સીમીત રહેશે નહીં. રાજકોટનો પાણી પ્રશ્ર્ન ઉકેલાય તે માટે શહેરભરમાં ડીઆઈ પાઈપ લાઈન બિછાવવાનું કામ ઝડપથી પૂર્ણ થાય તે માટે સતત પ્રયત્ન કરવામાં આવશે. વર્ષોથી આજી રિવર ફ્રન્ટનો પ્રોજેકટ ચાલી રહ્યો છે પરંતુ તેમાં જોઈએ તેવી પ્રગતિ જોવા મળતી નથી. મારા અઢી વર્ષના મેયર તરીકેના કાર્યકાળમાં આજી રિવર ફ્રન્ટ સંપૂર્ણપણે કાર્યરત થાય તેવું મારૂ સપનું છે.

નવનિયુક્ત મેયર ડો.પ્રદિપ ડવે વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટમાં ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે હલ થાય અને રાજકોટ દેશનું નંબર-1 સ્વચ્છ શહેર બને તેવી પ્રથમ પ્રાથમિકતા રહેશે. વિદેશમાં જે રીતે ઈન્ફાસ્ટ્રકચર હોય છે તેનાથી દેશના શહેરોની શાન વધે છે. તેવી જ રીતે રાજકોટમાં પણ ઈન્ફાસ્ટ્રકચર વધે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકારની શકય તેટલી વધુ ગ્રાન્ટ મળે તે માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવશે. શહેરી જનોની સુખાકારી વધે તે માટે અલગ અલગ મુદ્દાઓ પર કામ કરવામાં આવશે. આજી રિફર ફ્રન્ટ મારો ડ્રિમ પ્રોજેકટ છે. આ પ્રોજેકટને હું ખુબજ ગંભીરતાથી લઈશ અને મારા અઢી વર્ષના મેયર તરીકેના કાર્યકાળમાં આ પ્રોજેકટ સાકાર થાય તે માટે સતત પ્રયત્ન કરવામાં આવશે.

પક્ષ દ્વારા મને ખુબજ મોટી જવાબદારી સોંપવામાં આવી છે જેમાં હું 100 ટકા સફળ થાવ તે માટે મહેનત કરવામાં કોઈ જ કચાસ રાખીશ નહીં. પક્ષ પ્રત્યેની મારી નિષ્ઠા જોઈ મને પ્રથમ નાગરિક બનાવવામાં આવ્યો છે. ચેમ્બરમાં બેસી રાજકોટની ચિંતા નહીં કરુ પરંતુ રાજકોટના વિકાસ માટે હું સતત ફિલ્ડમાં ફરતો રહીશ. રાજકોટવાસીને અપીલ કરતા ઉમેર્યું હતું કે, કોરોનાએ આપણા વચ્ચેથી વિદાય લઈ લીધી છે તેવું માનવાની ભૂલ શહેરીજનો ન કરે અને પોતાની જાતની પોતે જવાબદારી લે, નિયમીત માસ્ક પહેરેલુ રાખે, રાજકોટને કોરોના મુક્ત બનાવવા માટે મહાપાલિકાની દ્વારા જે પ્રયાસો હાલ થઈ રહ્યાં છે તેમાં હજુ વધારો કરવામાં આવશે.

મેયર બંગલો મારૂ અઢી દાયકા જૂનુ સ્વપ્ન પણ ‘બંગલા’માં રહેવા નહીં જાવ

1998માં અમરેલી જિલ્લાના વાઘણીયાથી રાજકોટમાં આવ્યો, મારા પરિવારમાંથી કોઈ રાજકારણમાં જોડાયેલુ નથી

નાનપણમાં રેસકોર્સ રીંગ રોડ પર જ્યારે સાયકલ લઈ નીકળતો ત્યારે મેયર બંગલાને નિહાળી આ મકાનમાં એક દિવસ રહેવા આવું છે તેવું સપનું સેવ્યુ હતું જે સાકાર થયું

1998માં જ્યારે અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના વાઘણીયા ગામને છોડી હું રાજકોટમાં રહેવા આવ્યો ત્યારે સાયકલ લઈ રેસકોર્સ રીંગ રોડ પર નીકળતો હતો અને મેયર બંગલા પાસે મારી સાયકલના પેડલ થંભી જતાં હતા અને મનમાં એક સપનું સેવાવા લાગતું હતું કે, ભવિષ્યમાં આ બંગલાને ખરીદી તેમાં રહેવા આવું છે. બાળ સહજ સ્વભાવના કારણે એ વાતનો ખ્યાલ ન હતો કે આ સરકારી મિલકત છે જેને ખરીદી ન શકાય. અઢી દાયકા પૂર્વે સાયકલ પર નિહાળેલું સપનું આજે સાકાર થયું છે. જો કે, મેયર બંગલામાં હું કે મારા પરિવારજનો રહેવા જશું નહીં, આ શબ્દો છે રાજકોટના 21માં નવનિયુક્ત મેયર ડો.પ્રદિપભાઈ ડવના.

તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે હું 16 વર્ષનો હતો અને વઘાણીયા ગામથી રાજકોટ આવ્યો ત્યારે મને એવો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે હું આટલા મોટા હોદ્દા સુધી પહોંચીશ. મારા પરિવારમાં કોઈપણ સભ્ય રાજકારણ સાથે જોડાયેલો નથી. ભાજપમાં મેં છેલ્લા એક દાયકા દરમિયાન એક કાર્યનિષ્ઠ કાર્યકર તરીકે પરિશ્રમની પરાકાષ્ટા સર્જી દીધી છે. પક્ષ પ્રત્યેની મારી નિષ્ઠા અને મારા અભ્યાસને ધ્યાનમાં રાખી ભાજપે મને શહેરના પ્રથમ નાગરિક બનવાનું મહત્વ આપ્યું જે પરિપૂર્ણ કરવા હું સતત પ્રયત્નશીલ રહીશ. મેયર બંગલો ભલે મારૂ અઢી દાયકા જૂનું સપનું રહ્યું પરંતુ હું ત્યાં પરિવાર સાથે રહેવા જવાનો નથી. માત્ર વાર પ્રસંગે કે કોઈ અગત્યની ઈવેંટ દરમિયાન હું મેયર બંગલામાં રહીશ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.