કોરોના કાળમાં સૌરાષ્ટ્રભરમાં સારવાર માટે કેન્દ્ર સ્થાન પર રહેલી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજરોજ નવનિયુક્ત જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કોરોનાની ત્રીજી લહેર પહેલા જ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજન પ્લાન્ટ વિશે તબીબો સાથે ચર્ચા કરી હતી. આ સાથે ડેલ્ટા વેરિયન્ટ પર સાવચેતીના પગલારૂપે પણ આયોજન કર્યું હતું. આ સાથે જરૂર જણાય તો હર એક વ્યવસ્થામાં વધારો પણ કરવાનું કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું.
સંભવિત ત્રીજી લહેરની પૂર્વ તૈયારી માટે બેડ અને ઓક્સિજન પ્લાન્ટ વિશે તબીબો સાથે કરી ચર્ચા: ડેલ્ટાને લઈ સાવચેતીના પગલારૂપે આયોજન
જરૂર પડે તમામ વ્યવસ્થામાં વધારો કરવામાં આવશે: કલેકટર
થોડા દિવસો પહેલા જ રાજકોટ જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ મહેશ અરુણ બાબુએ આજરોજ સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. જેના ભાગરૂપે કોરોનાની મહામારીમાં આગમચેતી પગલારૂપે અનેક તૈયારીઓને લઈ તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી તથા મેડિકલ કોલેજના ડીન ડો.સામાણી સહિતના તબીબો સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી.
નવનિયુક્ત કલેકટર અરુણ મહેશ બાબુ હોવી કોરોનાની મહામારીમાં લડવા માટે સજ્જ થવા માટે એક્શનમોડમાં આવ્યા હોય તેમ સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. કલેકટર અરુણ મહેશ બાબુ દ્વારા કોરોનાની સંભવિત ત્રીજી લહેર માટે તૈયારીઓ શરૂ કરવાના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થાના અંતર્ગત મુલાકાતે પહોંચ્યા હતા. ખાસ કરીને કોરોના વૉર્ડની વ્યવસ્થા સાથે પૂરતો સ્ટાફ સહિતની માહિતીઓનો તાગ મેળવ્યો હતો.
તો તાજેતરમાં જ ગુજરાતમાં થયેલી ડેલ્ટા વેરિયન્ટની એન્ટ્રી બાદ આગમચેતીના પગલારૂપે પણ કલેકટર અરુણ મહેશ બાબુએ તબીબો અને નિષ્ણાતો સાથે ચર્ચા વિચારણા કરી હતી. ડેલ્ટા વેરિયન્ટની સાવચેતીના ભાગરૂપે લેવાતા પગલા અને મેડીસીન્સના જથ્થા અંગે પણ માહિતીઓ મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં મુલાકાત બાદ કલેકટર અરુણ મહેશ બાબુએ સિવિલ હોસ્પિટલમાં તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી તથા મેડિકલ કોલેજના ડીન ડો.સામાણી અને નોડલ ઓફિસર, સર્વિસ પ્રોવાઈડર સાથે બેઠક કરવામાં આવી હતી. જેમાં ડેલ્ટા વેરિયન્ટનું પ્રમાણ વધતા જરૂરી પગલાં લેવા અને નોડલ ડિપાર્ટમેન્ટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ સાથે સિવિલ હોસ્પિટલમાં બેડસ વધારવા માટેની પણ તૈયારી કરવામાં આવી છે. જે બાબતે જ સિવિલ હોસ્પિટલના હોદેદારો અને ટિમ સાથે બેઠક કરી સમીક્ષા કરી હતી.