મેઘમહેરના પ્રતાપે નવ જળાશયોમાં પાણીની આવક વાછપરીમાં સૌથી વધુ ૧.૫૧ ફુટ નવું પાણી આવ્યું
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદના કારણે રાજકોટની જળજરૂરીયાત સંતોષતા મુખ્ય પાંચ પૈકી ત્રણ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવ જળાશયોમાં નવા નીર આવ્યા છે. સૌથી વધુ પાણી વાછપરીમાં ૧.૫૧ ફુટ આવ્યું છે.
રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં નવું ૦.૧૦ ફુટ પાણી આવ્યું છે. ૩૪ ફુટની ઉંડાઈ ધરાવતા ડેમની જીવંત જળસપાટી ૨૬.૮૪ ફુટે પહોંચી જવા પામી છે અને ડેમમાં હાલ ૩૩૩૩ એમસીએફટી પાણી સંગ્રહિત છે. આ ઉપરાંત રાજકોટની જીવાદોરી એવા આજીડેમમાં પણ નવું ૦.૦૭ ફુટ પાણી આવ્યું છે. ૨૯ ફુટે ઓવરફલો થતા ડેમની સપાટી ૧૫.૨૦ ફુટે પહોંચી જવા પામી છે અને ડેમમાં કુલ ૨૪૯ એમસીએફટી પાણી સંગ્રહિત છે.
ન્યારી-૧ ડેમમાં પણ નવું ૦.૧૬ ફુટ પાણી આવતા ૨૫.૧૦ ફુટે છલકાતા ન્યારીની સપાટી ૧૬.૯૦ ફુટે પહોંચી જવા પામી છે અને ડેમમાં ૫૭૦ એમસીએફટી પાણી સંગ્રહિત છે.
આ ઉપરાંત આજી-૨ ડેમમાં ૦.૧૦ ફુટ, આજી-૩ ડેમમાં ૦.૧૩ ફુટ, વાછપરીમાં ૧.૫૧ ફુટ, ઈશ્વરીયામાં ૦.૩૩ ફુટ, મચ્છુ-૩માં ૦.૩૬ ફુટ, ત્રિવેણીઠાંગામાં ૧.૧૫ ફુટ પાણીની આવક થવા પામી છે.