ગુજરાત સાથે કૃષિ, ડેરી ઉદ્યોગ, સહકાર, રિન્યૂએબલ એનર્જી અને પ્રવાસન-સાંસ્કૃતિક સંબંધો વધારવા ઉત્સુકતા દર્શાવી
:: મુખ્યમંત્રી ::
- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લિડરશીપમાં ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધો વિકસ્યા છે તેને આગળ ધપાવવા ગુજરાત સહયોગ આપશે
- ન્યૂઝીલેન્ડ સાથે ફાર્મર એક્સેન્જ પ્રોગ્રામ શરૂ કરવા તૈયારી દર્શાવી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ન્યૂઝીલેન્ડના 9 સભ્યોના ડેલિગેશને ગાંધીનગરમાં લીધી હતી.
ન્યુઝીલેન્ડના કૃષિ, વન અને વાણિજ્ય મંત્રી તથા વિદેશી બાબતોનાં એસોસિયેટ મંત્રી ટોડ મેકક્લે તેમજ ભારત સ્થિત ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર પેટ્રિક રાતાનાં નેતૃત્વમાં ૯ સભ્યોનું પ્રતિનિધિમંડળ ગુજરાત સાથે વ્યૂહાત્મક પાર્ટનરશીપ માટે મુખ્યમંત્રીની મુલાકાતે આવ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠકમાં તેમણે ગુજરાત સાથે કૃષિ, ડેરી ઉદ્યોગ, સહકાર, રિન્યૂએબલ એનર્જી, પ્રવાસન ક્ષેત્રે સહકાર અને બંને દેશોના લોકોમાં પરસ્પર લાંબાગાળા સુધી સૌહાર્દપૂર્ણ રીતે સાંસ્કૃતિક સંબંધો આગળ વધે તે માટે ઉત્સુકતા દર્શાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેલિગેશનને આવકારતા કહ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિઝનરી લિડરશીપમાં ભારત-ન્યૂઝીલેન્ડના સંબંધો વિકસ્યા છે. ગુજરાત આ દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ ધપાવશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં ગાય આધારિત ખેતીથી ખેડૂતોની આવક બમણી કરવા માટેનું તેમનું વિઝન શેર કર્યું હતું. વધુમાં, ગુજરાત અને ન્યુઝીલેન્ડને કૃષિ-સહકાર અને ડેરી ક્ષેત્રે લાભદાયી એવા ‘ખેડૂત વિનીમય કાર્યક્રમ (ફાર્મર એક્સચેંજ પ્રોગ્રામ)’ શરૂ કરવા પર ભાર મૂક્યો હતો.
ન્યૂઝીલેન્ડ ડેરી ટેકનોલૉજીમાં અગ્રણી દેશ છે. ડેરી વિકાસમાં આ ટેકનોલૉજીનો લાભ ગુજરાતને પણ મળે તે માટે મુખ્યમંત્રીએ કૃષિ, ડેરી ઉદ્યોગ, પશુપાલન અને સહકારી ક્ષેત્રોમાં સહયોગ અંગે ચર્ચા કરી હતી. આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓની નવીનતમ વિચારસરણીને પોષવા માટે સમયાંતરે બેઠકો અને વર્કશોપ યોજાય તેવી ઈચ્છા પણ ડેલીગેશન સમક્ષ વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત દૂધ ઉત્પાદનમાં અગ્રણી રાજ્ય છે. એટલું જ નહિ, રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઇડ્રોજન અને ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં પણ ગુજરાત અગ્રેસર છે અને આ બધા ક્ષેત્રોમાં ન્યુઝીલેન્ડ સાથે સહયોગ કરવા ઉત્સુક છે.
આ ઉપરાંત મુખ્યમંત્રીએ ન્યુઝીલેન્ડમાં વસતા મહેનતુ ગુજરાતી સમુદાય અંગે પણ ચર્ચા કરી હતી. તેમજ બંને દેશો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને વધુ ગાઢ બને માટે નિયમિત બેઠકો ગોઠવવાનો અભિગમ વિકસાવવા પર પણ ભાર મૂક્યો હતો.
વધુમાં, તેમણે ગુજરાતમાં રહેલા પ્રવાસન આકર્ષણોનો ઉલ્લેખ કરી તેમણે ન્યુઝીલેન્ડથી આવતા પ્રવાસીઓને ગુજરાતનાં જગવિખ્યાત સ્ટેચ્યૂ ઑફ યુનિટી, ક્ચ્છનું સફેદ રણ (રણોત્સવ), ગીર જંગલ જેવા સ્થળોની મુલાકાત લેવા માટે જણાવ્યું હતું.
ન્યુઝીલેન્ડના મંત્રી ટોડ મેકક્લેએ ડેરી અને સહકારી ક્ષેત્રે ગુજરાત – ન્યુઝીલેન્ડ વચ્ચેના પરસ્પર સંબંધો વિકસાવવા માટે તેઓએ ગુજરાતમાં પ્રતિનિધિમંડળ લઇ આવવા અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
તેમણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) સાથે સહયોગ અંગે ચર્ચા કરી હતી. પશુ આરોગ્ય સુવિધાઓમાં વેલ્યૂ-એડિશન આધારિત પ્રયાસોથી દૂધ ઉત્પાદનમાં કેવી રીતે વધારો કરી શકાય તેનો અનુભવ શેર કર્યો હતો.
ન્યુઝીલેન્ડના મંત્રીએ ગુજરાત રાજ્ય સાથે વેસ્ટ ટુ બાયોએનર્જી સહિતના ક્ષેત્રોમાં સહયોગની સારી સંભાવનાઓ છે તેમ જણાવ્યું હતું.
ગુજરાત અને ન્યૂઝીલેન્ડના ખેડૂત સમુદાયના પરસ્પર લાભ માટે પશુ ચિકિત્સકોનો વિનિમય કાર્યક્રમ પણ શરૂ કરવાનીમાં સંભાવના પણ તેમણે દર્શાવી હતી.
મુખ્યમંત્રી સાથેની આ સૌજન્ય મૂલાકાત બેઠકમાં મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ અગ્ર સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર સંદીપ સાગલે તેમજ ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. ગૌરાંગ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા.