હુમલાખોરને ગોળી મારી પોલીસે ધરપકડ કરી: આતંકી હુમલો કાયરનું કારનામુ ગણાવતા પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકામાં ન્યુયોર્કના લોઅર મેનહટનમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર નજીક ટ્રકથી ૮ લોકોને કચડી નખાયા હોવાનો ગમખ્વાર બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં ૧૧ લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. પોલીસે હુમલાખોરના પેટમાં ગોળી મારી તેની ધરપકડ કરી છે.
આ હુમલા બાદ અમેરિકાના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આ કાયરોનું કામ હોવાનું કહ્યું છે. આ હુમલો બિમાર અને ખતરનાક વ્યક્તિએ કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટના અમેરિકન સમય મુજબ મંગળવારે બપારે ૩:૦૫ કલાકે બની હતી. ટ્રકે જાણી જોઈને સાયકલ સવારોને ટક્કર મારી હતી. ડ્રાઈવરે પહેલા એક સ્કુલ બસને ટ્રક મારી હતી અને ત્યારબાદ ટ્રક બાઈક પાથ પર ચડાવી દીધી હતી.આ હુમલો સેફુલ્લો સાઈપોવ નામના ૨૯ વર્ષીય શખ્સે કર્યો હોવાનું જાણવા મળે છે. આ શખ્સ ૨૦૧૦થી અમેરિકામાં વસવાટ કરે છે. આ હુમલા પાછળ કઈ પ્રકારનું કાવતરુ છે તે જાણવા સુરક્ષા એજન્સીઓ પ્રયત્નો કરી રહી છે. વડાપ્રધાન મોદીએ પણ આ હુમલાને વખોડી કાઢયો છે. તેમણે મૃત્યુ પામેલા લોકોના પરિવાર માટે સંવેદના વ્યકત કરી છે.ગયા વર્ષે જુલાઈ માસમાં પ્રાસના નિસ શહેરમાં પણ આ પ્રકારનો હુમલો થયો હતો. આ ઘટનામાં ૬૯ લોકોના મોત નિપજયા હતા. હુમલાની જવાબદારી ઈસ્લામીક સ્ટેટે લીધી હતી. તેના પાંચ મહિના પછી પાકિસ્તાની મુળના ૨૩ વર્ષના શખ્સે બર્લીન માર્કેટમાં ટ્રકથી લોકોને કચડી નાખ્યા હતા. તે ઘટનામાં ૧૨ લોકોના મોત થયા હતા અને ૪૮ લોકો ઘાયલ થયા હતા. એપ્રિલમાં એક શરણાર્થીના સ્ટોક હોમના ભીડવાળા વિસ્તારમાં પણ ટ્રકથી લોકોને કચડી દેવામાં આવ્યા હતા. જેમાં ત્રણ લોકોના મોત નિપજયા હતા.