સુરેન્દ્રનગર જિલ્લામાં ઓવરબ્રિજ, કોઝ-વે બિસ્માર બની જવાની સમસ્યાથી લોકો પરેશાન થઇ રહ્યા છે. ત્યારે તાજેતરમાં જિલ્લામાં થયેલા પુલના સર્વે બાદ જે પુલ નવા બનાવવાને યોગ્ય હોય તેના માટે ગ્રાન્ટ ફાળવાઇ છે. જેમાં વઢવાણ વસ્તડીનો પુલ રૂ.15 કરોડના ખર્ચે નવો બનશે જ્યારે ધ્રાંગધ્રા-કોંઢ, સરા-થાન-ચોટીલા રોડ પરના બે કોઝવે પર નવા પુલ બનાવવા માર્ગ મકાન વિભાગ ઉચસચિવ ગાંધીનગર દ્વારા મંજૂરી આપતા 20 કરોડના ખર્ચે નવા બ્રીજ બનશે. આમ 100 થી વધુ ગામોના લોકોને નવા વર્ષે સમસ્યાથી મુક્તિ મળશે.

વસ્તડીના પુલ માટે રૂ.15 કરોડ, ધ્રાંગધ્રા- કોઢ અને સરા-ચોટીલા કોઝ-વે માટે રૂ.20 કરોડ ફાળવાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ મકાન વિભાગ હસ્તકના 32માંથી 11 પુલને 1.38 કરોડના ખર્ચે રીપેર કરાયા હતા.જેમાં અગાઉ થાન-વગડીયા રોડ પરનો પુલ અતિ જર્જરીત હાલતમાં હતો તેને 12 કરોડના ખર્ચે નવો બનાવવા મંજુરી અપાઇ હતી. પરંતુ વસ્તડી ગામનો પુલ તુટી ગયા બાદ બે માસથી જેમને તેમ સ્થિતિમા છે અને લોકોને પાસેથી બનાવાયેલા માર્ગમાંથી પસાર થવુ પડી રહ્યુ છે.

ધારાસભ્ય જગદીશ મકવાણા અને આગેવાઓની રજૂઆતને લઇ તપાસ માટે ગાંધીનગરથી ટીમ આવી હતી.જેના રિપોર્ટમાં નવો પુલ બનાવવા માટે જણાવાતા રૂ.15 કરોડના ખર્ચે વસ્તડીનો નવો પુલ બનાવવા મંજુરી અપાઇ છે. આથી પુલ નીચેની માટીનું ટેસ્ટીંગ અને ત્યારબાદ એસટીમેટ મુજબ ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરી પુલનું નિર્માણ કાર્ય હાથ ધરાશે. આ ઉપરાંત ધ્રાંગધ્રા-કોંઢ અને સરા-થાન-ચોટીલા રોડ પરના બે કોઝવે જે બિસ્માર બની ગયા હતા તે પર નવા પુલ બનાવવા રૂ. 20 કરોડ ફાળવાયા છે.

સુરેન્દ્રનગર પંથકના જર્જરીત પુલ પર વાહનોની અવર જવરથી અકસ્માતોનું જોખમ

સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ અનેક 5ુલ સહિત કોઝવે બિસ્માર હાલતમાં હોય વાહનચાલકોને તેમજ ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે તેમજ અનેક વખત રજુઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ જ પગલા લેવામાં ન આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે લખતરના વણા રોડ પર બજરંગપુરા તરફનો પુલ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી તંત્ર દ્વારા નવો પુલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે

લખતર તાલુકામાં નર્મદા વિભાગની મુખ્ય કેનાલ ઉપર બનાવેલ પુલો જર્જરીત અને બિસ્માર હાલતમાં જોવા મળી રહયા છે જે પુલ બિસ્માર હોવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવી રહયો છે ત્યારે લખતર-વણા રોડ ઉપર થઈને બજરંગપુરા રોડ તરફ આવેલ કેરાળીના માર્ગ ઉપરનો પુલ બિસ્માર હાલતમાં હોવાથી પસાર થતાં ખેડૂતો અને વાહનચાલકો જીવના જોખમે પસાર થઈ રહયા છે તેમજ અકસ્માતનો ભય સતાવી રહયો છે.

ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે લખતર તાલુકામાં પસાર થતી નર્મદા કેનાલ ઉપરના મુખ્ય પુલો રીપેરીંગ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.