બેડી સ્થિત રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે નવા ઘઉંની આવકના શ્રી ગણેશ થયા છે. પ્રતિ મણ ઘઉંના રૂ.1651 ઉપજયા હતા. વેપારીઓ અને ખેડુતોએ હોંશભેર નવા ઘઉંની આવકને વધાવી લીધી હતી. આગામી દિવસોમાં ઘઉંની આવકમાં ક્રમશ: વધારો થશે.રાજકોટ માર્કેટીંગ યાર્ડના રિેકટર અને કમિશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલભાઈ કમાણીના જણાવ્યાનુસાર આજે રાજકોટ યાર્ડમાં નવા ઘઉંની આવક શરૂ થવા પામી છે.
રણગઢના ખેડુત મુકેશભાઈ ઘુસાભાઈ 30 મણ નવા ઘઉં વેચવા માટે લાવ્યા: વેપારીઓમાં પણ આનંદની લાગણી
રણગઢ ગામના મુકેશભાઈ ઘુસાભાઈ નામના ખેડુત નવા 30 મણ ઘઉં લઈને વેચાણ અર્થે આવ્યા હતા. કમિશન એજન્ટ તળાવીયા ટ્રેડિંગ કંપની મારફત આ નવા ઘઉંની જય અંબે એન્ટરપ્રાઈઝ દ્વારા ખરીદી કરવામાં આવી હતી. પ્રતિમણ ઘઉંના રૂ. 1651 લેખે ખરીદી કરવામાં આવતા ખેડુતોમાં રાજીપો વ્યાપી જવા પામ્યો હતો.
નવા ઘઉંની આવકને યાર્ડના વેપારીઓ તથા કમિશન એજન્ટે હોંશભેર વધાવી લીધી હતી. ખેડુતને પણ અભિનંદન પાઠવ્યા હતા. આગામી દિવસોમાં યાર્ડમાં ઘઉંની આવકમા વધારો થશે.રાજકોટ યાર્ડમાં સારા ભાવ મળી રહ્યા હોવાના કારણે સૌરાષ્ટ્રભરનાં ખેડુતો વિવિધ જણસીનાં વેચાણ માટે આવી રહ્યા છે. હાલ યાર્ડમાં 24 કલાક તમામ જણસીની ઉતરાયની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.