શનિ-રવિમાં પડેલા વરસાદના કારણે ન્યારી ડેમમાં 1.31 ફૂટ, લાલપરીમાં પોણો ફૂટ અને આજી ડેમમાં અડધો ફૂટ પાણી આવ્યું
મેઘરાજા છેલ્લા બે દિવસથી રાજકોટમાં હેત વરસાવી રહ્યા છે. બે દિવસ દરમિયાન બે ઇંચથી વધુ પાણી પડી ગયું છે. ઉપરવાસના વિસ્તારોમાં પડેલા વરસાદના કારણે શહેરની જળ જરૂરિયાત સંતોષતા પાંચ પૈકી ત્રણ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. આજી, ન્યારી-1 અને લાલપરી તળાવમાં નવા નીરની આવક થતા શહેરીજનોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
કોર્પોરેશન અને સિંચાઇ વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત મુજબ શનિવાર અને રવિવારે પડેલા વરસાદના કારણે ન્યૂ રાજકોટની જળ જરૂરિયાત સંતોષતા ન્યારી-1 ડેમમાં સૌથી વધુ 1.31 ફૂટ પાણી આવ્યું છે. 25.10 ફૂટની સપાટી ધરાવતા ન્યારી ડેમની હયાત સપાટી 16.90 ફૂટે પહોંચી જવા પામી છે. લાલપરી તળાવમાં નવું પોણો ફૂટ પાણી આવતા 15 ફૂટની ઉંડાઇ ધરાવતા રાજાશાહી સમયના લાલપરી તળાવની હયાત સપાટી 8.90 ફૂટે પહોંચી જવા પામી છે. શહેરની જીવાદોરી સમાન આજી ડેમમાં હાલ સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી પણ ઠાલવવામાં આવી રહ્યું છે.
પરંતુ સાથોસાથ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે આજી ડેમમાં બે દિવસ દરમિયાન નવું અડધો ફૂટ પાણી આવ્યું છે. 29 ફૂટે છલકાતા આજીની સપાટી 22.10 ફૂટે પહોંચી જવા પામી છે. બે દિવસ દરમિયાન શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 27 મીમી, વેસ્ટ ઝોનમાં 44 મીમી અને ઇસ્ટ ઝોનમાં 22 મીમી જેટલો વરસાદ વરસી ગયો છે. ચોમાસાના સત્તાવાર આરંભની સાથે જ શહેરમાં 11 ઇંચથી પણ વધુ વરસાદ પડી ગયો છે.
બિગ બજાર પાછળ અમરનાથ મંદિરમાં પીપળાનું વૃક્ષ ધરાશાયી
શહેરના વોર્ડ નં.10માં 150 ફૂટ રીંગ રોડ પર બિગ બઝાર પાછળ આવેલા અમરનાથ મહાદેવ મંદિરમાં 25 વર્ષ જૂના એક ઘેઘુર પીપળાનું વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું. જેના કારણે શિવ ભક્તોની લાગણી થોડી દુભાઇ હતી. આ પીપળાના વૃક્ષને સેંકડો ભાવિકો રોજ સવારે પાણી રેડતા હતા. શનિવાર અને રવિવારે પડેલા વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થઇ ગયું હતું. શહેરમાં અનેક સ્થળોએ વરસાદના પાણી પણ ભરાયા હતા.