સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે. વીજળીના કડાકા અને છુટાછવાયા વાદળો સાથે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે સૌરાષ્ટ્રના રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને જામનગર સહિત જિલ્લાના અનેક જળાશયો અને ડેમોમાં પાણીની સામાન્ય આવક જોવા મળી છે.
જે પૈકી છેલ્લા ૨૪ કલાકમાં રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં ૦.૪૩ ફુટ, ફોફળ ડેમમાં ૦.૭૯ ફુટ અને છાપરવાડી-૨માં ૦.૬૬ ફુટના નવા નીરની આવક થઈ છે. જ્યારે મોરબીના ડેમી-૧માં ૦.૦૩ ફુટ, બ્રાહ્મણી-૨ ડેમમાં ૦.૩૩ ફુટ, જામનગરના ડાઈ મીણસર ડેમમાં ૦.૭૫ ફુટ, સુરેન્દ્રનગરના વાંસલ ડેમમાં ૦.૪૯ ફુટ સામાન્ય પાણીની આવક થઈ છે તેમ રાજકોટ સિંચાઈ વર્તુળ એકમના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.