૧૫ વર્ષથી વધુ જુના વાહનો માટેની સ્ક્રેપ પોલિસીને કેન્દ્રની લીલીઝંડી મળે તેવા સંકેતો: ઓટોમોબાઇલ સેકટરને બૂસ્ટ મળવાની આશા વ્યક્ત કરતા મંત્રી નીતિન ગડકરી
૧૫ વર્ષથી વધુ જૂના વાહનોને સ્ક્રેપ માટેની કેન્દ્ર સરકારની પોલીસીને ટૂંક સમયમાં લીલીઝંડી મળે તેવા સંજોગો છે. આ પોલિસીની ઘણા સમયથી રાહ જોવાઇ રહી હતી વર્ષ ૨૦૧૯ના જુલાઈ મહિનામાં મોટર વ્હીકલ નિયમોના અનુસંધાને આ પોલીસી માટે દરખાસ્ત થઇ હતી. જેમાં ૧૫ વર્ષથી જુના વાહનોને સ્ક્રેપ માટે માર્ગ મોકળો કરવો અને વળતર આપવા જેવી દરખાસ્ત થઈ હતી.
તાજેતરમાં આત્મનિર્ભર ભારત ઇનોવેશન ચેલેન્જ ૨૦૨૦-૨૦૨૧ને સંબોધતી વખતે માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ૧૫ વર્ષ જુના કાર, ટ્રક અને બસ સહિતના વાહનોને સ્ક્રેપ કરવાની પોલિસી માટે બજેટમાં જોગવાઈ થઈ શકે છે. જુના વાહનોથી પ્રદુષણનો પ્રશ્ન ઉભો થાય છે. દિલ્હી જેવા કેટલાક રાજ્યોમાં ૧૫ વર્ષ જુના ડીઝલ વાહનો ઉપર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આવી સ્થિતિમાં નવી વાહન સ્ક્રેપ પોલિસીના કારણે જુના વાહનોને સ્ક્રેપમાં આપવા ખાતે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે તેવી શકયતા છે.
બીજી તરફ આ પોલિસીના કારણે નવા વાહન સસ્તા થશે ગડકરીએ કહ્યું હતું કે, જૂના વાહનોના મટીરીયલને રિસાયકલ કરવાથી નવા વાહનોની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. પોલીસીને મંજૂરી મળી ગયા બાદ ભારત માટે ઓટોમોબાઇલ હબ બનવાનો માર્ગ મોકળો થઇ જશે ઓટોમોબાઇલ સેક્ટરમાં ભાવ ઘટશે. વિશ્વ ભરમાંથી ભારતમાં સ્ક્રેપ માટે સામાન આવશે, જેને રિસાયકલ કારવામાં આવશે. જેનો ઉપયોગ નવા વાહનોના મટીરીયલ માટે પણ થશે જેના પરિણામે ઉત્પાદન ખર્ચ બચશે અને ઓટોમોબાઇલ સેક્ટરને વધુને વધુ નિકાસના ઓર્ડર મળશે.
વર્તમાન સમયે ઓટોમોબાઈલ ક્ષેત્રનું ટર્નઓવર રૂ ૪.૫ લાખ કરોડ છે જેમાં રૂ ૧.૪૫ લાખ નિકાસના કારણે આવે છે. આ સ્ક્રેપ પોલિસીના કારણે ક્ષેત્રને બુસ્ટ મળશે. વાહન સ્ક્રેપ પોલિસીને અંતિમ રૂપ આપવા માટે યુદ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે. સંબંધિત મંત્રાલય સાથે વાટાઘાટ અંતિમ તબક્કામાં છે. સરકાર જલ્દી આ નીતિ અંગે જાહેરાત કરી શકે છે. આ પોલિસી હેઠળ ઉપભોક્તા અને ઉત્પાદક બંનેના હિતોનું ધ્યાન રાખવામાં આવશે. આ નીતિ હેઠળ જૂના વાહનોને એક નિશ્ચિત મર્યાદા બાદ સંચાલનથી હટાવી દેવામાં આવશે. આ બદલે ઉપભોક્તાઓને અમુક લાભ આપવામાં આવશે. જ્યારે બીજી તરફ ઓટો સેક્ટર્સમાં ડિમાન્ડ વધશે.
જૂના વાહનોના ઉકેલ માટે પ્લાન્ટ, પોર્ટ અને ધોરીમાર્ગો નજીક સ્થાપિત કરવામાં આવશે. જેથી વાહન નિર્માણ ખર્ચ ઓછો કરવામાં મદદ મળશે. ઉપરાંત, નવા સંસાધનોને સરળતાથી એક માર્ગથી બીજા માર્ગ પર લઈ જવાશે. જોગવાઈ મુજબ, પેટ્રોલ વાહનને ૧૫ વર્ષ અને ડીઝલ વાહનને ૧૦ વર્ષ સંચાલનની મંજૂરી આપવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પેટ્રોલ માટે ૧૫ વર્ષ અને ડીઝલ માટે ૧૦ વર્ષની સમય મર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે.