રાજકોટ શહેરમાં બે દિવસ સુધી પડેલા કમોસમી વરસાદના કારણે પારાવાર નુકશાની તો થવા પામી જ છે. સાથોસાથ થોડો ફાયદો પણ થયો છે. ઉપરવાસમાં પડેલા સારા વરસાદના કારણે રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમમાં નવું અઢી ફૂટ પાણી આવ્યું છે. દૈનિક ઉપાડ મુજબ શહેરને એક પખવાડીયું ચાલે તેટલુ પાણી કમોસમી વરસાદે ડેમમાં ઠાલવી દીધું છે. 29 ફૂટે ઓવરફ્લો થતા આજીની સપાટી 20.57 ફૂટે પહોંચી જવા પામી છે. બીજી તરફ સાંજથી સૌની યોજના અંતર્ગત આજીમાં નર્મદાના નીરનું પણ આગમન થયું છે. નર્મદાના પાણીના પદાધિકારીઓ અને ધારાસભ્યો દ્વારા વધામણા કરવામાં આવ્યા હતા.

રાજકોટને એક પખવાડીયું ચાલે તેટલું પાણી કમોસમી વરસાદથી ડેમમાં ઠલવાયું: સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર પણ ઠાલવવાનું શરૂ

આ અંગે કોર્પોરેશનની વોટર વર્ક્સ શાખાના સૂત્રોના જણાવ્યાનુસાર બે દિવસથી શહેરમાં વરસી રહેલા માવઠાના કારણે આજી ડેમની સપાટીમાં અઢી ફૂટનો વધારો થવા પામ્યો છે. ગઇકાલે સવારે આજી ડેમની સપાટી 18 ફૂટ હતી અને ડેમમાં 329.46 એમસીએફટી પાણી સંગ્રહિત છે. દરમિયાન કમોસમી વરસાદના કારણે ડેમમાં નવું 2.56 ફૂટ પાણી આવ્યું છે. એમસીએફટીમાં હિસાબ કરવામાં આવે તો ડેમમાં 106 એમસીએફટી નવું પાણી આવ્યું છે. રોજ 5 થી 6 એમસીએફટી પાણી દૈનિક ઉપાડ માટે લેવામાં આવે છે. જેના હિસાબે ડેમમાં એક પખવાડીયું ચાલે તેટલું કમોસમી વરસાદે ઠાલવી દીધું છે. હાલ ડેમની સપાટી 20.57 ફૂટે પહોંચી છે અને ડેમમાં 435 એમસીએફટી પાણી સંગ્રહિત છે. જે 17 ડિસેમ્બર સુધી ચાલશે.

ઇજનેરી સૂત્રોએ વધુમાં ઉમર્યું હતું કે ચોમાસાની આગામી સિઝન સુધી રાજકોટવાસીઓએ પાણીની કોઇપણ પ્રકારની તકલીફ વેઠવી ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસે સૌની યોજના અંતર્ગત 2400 એમસીએફટી નર્મદા નીરની માંગણી કરવામાં આવી હતી. જે અંતર્ગત 1800 એમસીએફટી પાણી આજી ડેમમાં અને 600 એમસીએફટી પાણી ન્યારી ડેમમાં ઠાલવવાની માંગણી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કે આજી ડેમમાં 700 એમસીએફટી પાણી ઠાલવવામાં આવશે. ગઇકાલ સાંજે મોરબીના મચ્છુ-1 ડેમથી પાઇપલાઇન મારફતે આજી ડેમ તરફ પાણી છોડવામાં આવ્યું છે. આજે સાંજે આજી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાના પાણી આવી પહોંચ્યા હતા. કોર્પોરેશનના પદાધિકારીઓ, સંસદ સભ્ય, ધારાસભ્યો દ્વારા નવા નીરના વધામણા કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.