મારૂતીનગરમાં વિજપોલ સાથે નાલુ તુટયું: વોંકળાની રેલીંગમાં પણ ભંગાણ
ભારે વરસાદનાં કારણે શહેરમાં ભારે ખાના ખરાબીની સ્થિતિ સર્જાય જવા પામી છે. નવાગામમાં તાજેતરમાં ડ્રેનેજ નેટવર્ક માટે રોડ ખોદવામાં આવ્યા બાદ અહીં ચરેડાઓ ખુલ્લી જતાં ૧૫ થી ૨૦ સ્થળે મોટા-મોટા ભુવા પડયા હતા જેમાં ટ્રક ખુંચી ગયા હતા. આ ટ્રકને ક્રેઈનની મદદથી બહાર કાઢવા પડયા હતા. એરપોર્ટ રોડ પર મારૂતીનગરમાં વિજપોલ સાથે નાલુ તુટી ગયું હતું અને રેલીંગમાં ભંગાણ સર્જાયું હતું. રેલનગરનું નાલુ ફરી એક વખત ભારે વરસાદમાં સ્વિમીંગપુલમાં ફેરવાઈ ગયું હતું. અહીં મહામહેનતે પાણી ઉલેચાયા હતા. એક ગાડી પણ રેલનગર બ્રીજમાં ફસાઈ જવા પામી હતી. પોપટપરા વિસ્તારમાં આવેલા અલગ-અલગ વોકળાઓની સફાઈ ન કરવામાં આવી હોવાનાં કારણે રેલનગર, પોપટપરા સહિતનાં વિસ્તારોમાં વરસાદનાં પાણી ભરાયા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. વોર્ડ નં.૫માં નવાગામ નજીક તાજેતરમાં મહાપાલિકા દ્વારા ડ્રેનેજની પાઈપલાઈન બિછાવવા માટે રોડ ખોદવામાં આવ્યા હતા. રોડનું કામ પૂર્ણ થયા બાદ ચરેડા કરવામાં આવ્યા હતા જે ભારે વરસાદમાં ખુલ્લી ગયા હોવાનાં કારણે રોડ પર ૧૫ થી ૨૦ જગ્યાએ મહાકાય ખાડા પડી ગયા હતા જેમાં ૫ થી ૬ સ્થળોએ ટ્રક ખાડામાં ખુંપી ગઈ હતી જેને ક્રેનની મદદથી બહાર કાઢવાની ફરજ પડી હતી. ભારે વરસાદનાં કારણે અરેપોર્ટ રોડ પર મારૂતીનગર વિસ્તારમાં વોંકળામાં વીજપોલ ધરાશાયી થઈ ગયો હતો અને રેલીંગ તુટી જવા પામી હતી. પોપટપરા નાલા પાસે આવેલા લાલબહાદુર શાસ્ત્રીનગરમાં પાણી ભરાવાનાં કારણે રોડનાં સાઈડનાં પડખા સંપૂર્ણપણે ધોવાઈ ગયા હતા. રેલનગર અંડરબ્રીજમાં પાણી ભરાઈ જવાનાં કારણે ગતરાતથી બ્રિજ બંધ કરી દેવાની ફરજ પડી હતી અને તાત્કાલિક પમ્પીંગ કરવામાં આવ્યું છે. લક્ષ્મીનગર અને પોપટપરા નાલામાં પણ પાણી ભરાઈ જવાનાં કારણે વાહન વ્યવહાર થંભી ગયો હતો જોકે તાત્કાલિક અસરથી અહીં વધુ મોટર મુકી પાણી ઉલેચી નાલાઓ કલીયર કરી વાહન ચાલકો માટે ફરી ખુલ્લા મુકી દેવામાં આવ્યા હતા. શહેરમાં અલગ-અલગ ૧૩ સ્થળોએ વરસાદી પાણી ભરાયા હતા જયારે ૬ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. મવડી વિસ્તારમાં શ્રીનાથધામ હવેલી નજીક ૧૧ કેવી ઈલેકટ્રીક લાઈન જયાંથી પસાર થાય છે તેનાં ૮ જેટલા વીજપોલ પણ આજે ધરાશાયી થઈ ગયા હતા. વરસાદનાં કારણે શહેરમાં સ્થિતિ ભારે કફોડી બની ગઈ હતી.