એશિયન ગ્રેનિટો ઇવાન્ટા પાસેથી ૧૨સ૧૮ ની સાઈઝની વોલ ટાઇલ્સના દરરોજ ૧૫૦૦૦ બોક્સ ખરીદ કરવા કરાર
સિરામિક હબ મોરબીની ટાઇલ્સ જગ પ્રખ્યાત છે ત્યારે મોરબીના ટાઇલ્સ ઉદ્યોગમાં આઉટસોરસીંગનો નવો અધ્યાય શરૂ થયો છે જે અન્વયે એશિયન ગ્રેનિટો અને ઇવાન્ટા સિરામિકે ટાઇઅપ કર્યું છે, કોન્ટ્રાકટ મુજબ ઇવન્ટા પાસેથી એજીએલ દૈનિક ૧૨ સ ૧૮ સાઈઝની ૧૫૦૦૦ બોક્સ વોલટાઇલ્સ ખરીદ કરશે અને ૮૦ કરોડ રૂપિયાનો બિઝનેશ આપશે.
પ્રવર્તમાન સમયમાં મોરબીમાં ૭૦૦ થી વધુ સીરામીક એકમો આવેલા છે અને નોટબંધી તેમજ જીએસટી બાદ મોટાભાગના સીરામીક એકમોની હાલત ક્રિટિકલ ગણાઈ રહી છે ત્યારે આ કપરા સંજોગોમાં એશિયન ગ્રેનિટો અને ઇવાન્ટા સિરામિકે આઉટ સોરસિંગ માટે હાથ મિલાવતા સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં નવો અધ્યાય શરૂ થશે.
એશિયન ગ્રેનિટો અને ઇવાન્ટા સિરામિકના કરાર મુજબ એજીએલ તમામ ટેક્નિકલ સપોર્ટ અને ટાઇલ્સની ડિઝાઇનની વિશાળ રેન્જ પુરી પાડશે અને બદલામાં ઇવાન્ટા ક્વોલિટી ટાઇલ્સ પ્રોડકટ પુરી પાડશે.
ઉલ્લેખનીય છે કે એશિયન ગ્રેનિટોની વોલ ટાઇલ્સની ખૂબ જ ઉંચી ડિમાન્ડ છે અને અત્યાર સુધી એજીએલ મોરબીની જુદી જુદી ચાર પાંચ કંપનીઓ પાસેથી પોતાની ગુણવત્તા મુજબની ટાઇલ્સ ખરીદ કરતી હતી પરંતુ હવે ટાઇલ્સ ડિઝાઇનિંગમાં ૧૭ વર્ષનો બહોળો અનુભવ ધરાવતી
ઇવાન્ટા સિરામિકે ટાઇલ્સ પ્રોડક્શન કરવાનું શરૂ કરતાં એજીએલ ૮૦ કરોડની ડીલ કરી તમામ પ્રોડકશન ખરીદવા કરાર કરી લીધા છે.નોંધનીય છે કે આ કરારથી બન્ને તરફ ફાયદો છે જો એજીએલ પોતાનો વોલ ટાઇલ્સ પ્લાન્ટ શરૂ કરે તો અંદાજે ૧૦૦ કરોડ જેટલું મૂડી રોકાણ, મેન પાવર્સ અને અન્ય જવાબદારીઓ ઉઠાવી પડે ! તો સામે પક્ષે ઇવાન્ટા સીરામીકને પોતાની પ્રોડકટ વેચાણ માટે માર્કેટિંગ કે ગ્રાહકો શોધવા નહિ પડે !!આમ, મોરબીના ક્વોલિટી સીરામીક ઉત્પાદન માટે એશિયન ગ્રેનેટો અને ઇવાન્ટા સિરામિકે હાથ મિલાવી વૈશ્વિક હરીફાઈમાં નવો અધ્યાય શરૂ કર્યો છે અને આવનાર દિવસોમાં અન્ય કંપનીઓ પણ ઉપરોક્ત બન્ને કંપનીઓની જેમ આઉટસોરસીંગ માટે હાથ મિલાવે તેવી શકયતા જોવાઇ રહી છે.