૪૦ સ્થળે ટ્રાફિક સિગ્નલો શરૂ કરાશે: ૧૨ રાજમાર્ગો પર ત્રણ મિનિટથી વધુ કાર પાર્ક કરાશે તો દંડ વસુલાશે
રાજકોટનો વિકાસ કુદકેને ભુસકે વધી રહ્યો છે. સ્માર્ટ સિટી, નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને એઈમ્સની ફાળવણી કરવામાં આવતા રાજકોટની વસ્તી અને વિસ્તાર આગામી દિવસોમાં વધુ વિસ્તરે તેવી પ્રબળ સંભાવના છે ત્યારે ટ્રાફિકને લગતી સમસ્યાઓના નિવારણ માટે મહાપાલિકા દ્વારા ટ્રાફિક પોલીસ, આરટીઓ અને અન્ય સરકારી વિભાગો સાથે સંકલન સાધી ટ્રાફિક સમસ્યાના હલ માટે કાર્યવાહી કરવામાં આવશે. નવા નાણાકીય વર્ષમાં મહાપાલિકા નવી ટ્રાફિક પોલીસી લોન્ચ કરશે. શહેરના અલગ-અલગ ૧૨ રાજમાર્ગો પર કાર પાર્કિંગ પર પ્રતિબંધ લાદી દેવામાં આવશે. શહેરના અલગ-અલગ સર્કલો ખાતે કાર્યરત ૧૧ ટ્રાફિક સિગ્નલોને અપગ્રેડ કરાશે અને નવા ૨૯ ટ્રાફિક સિગ્નલો શ‚ કરવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ આજે બજેટ રજુ કરતી વેળાએ જણાવ્યું હતું કે, મહાપાલિકા દ્વારા નવી ટ્રાફિક પોલીસી લોન્ચ કરવામાં આવશે જેમાં ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે પ્રાધાન્ય આપવામાં આવશે. શહેરના અલગ-અલગ ૧૨ રસ્તાઓ પર ઓન સાઈડ અને ઓફ સાઈડ પાર્કિંગની સુવિધાઓ લાવવામાં આવશે જેમાં હોસ્પિટલ ચોકથી કેસરી હિંદ પુલ થઈ કુવાડવા રોડ, જકાતનાકા સુધીનો કુવાડવા રોડ, હોસ્પિટલ ચોકથી જામનગર રોડ સુધીનો જામનગર રોડ, હોસ્પિટલ ચોકથી હરીહર ચોક, લીમડા ચોક, માલવીયા ચોક થઈને જકાતનાકા સુધીનો ગોંડલ રોડ, કિશાનપરા ચોકથી મહિલા કોલેજ ચોકથી કોટેચા ચોક થઈ જકાતનાકા સુધીનો કાલાવડ રોડ, રેસકોર્સથી માલવીયા ચોક થઈ ત્રિકોણબાગ સુધીનો યાજ્ઞિક રોડ, નાગરિક બેંક ચોકથી ત્રિકોણબાગ, ભુતખાના ચોક, મધુરમ હોસ્પિટલ થઈ કોઠારીયા રીંગ રોડ સુધીનો ઢેબર રોડ, હોસ્પિટલ ચોકથી ત્રિકોણબાગ સુધીનો જવાહર રોડ, મહિલા કોલેજ ચોકથી એસ્ટ્રોન ચોક, વિરાણી હાઈસ્કુલથી ભકિતનગર સ્ટેશન થઈ ગોંડલ રોડ સુધીનો ટાગોર રોડ, કિશાનપરા ચોકથી રૈયા ગામ સુધીનો રૈયા રોડ, કોટેચા ચોકથી યુનિવર્સિટી સુધીનો યુનિવર્સિટી, રેસકોર્સ રીંગ તથા રેસકોર્સનો અંદરનો એરીયા અને ગોંડલ રોડ ચોકડીથી ૧૫૦ ફુટ રીંગ રોડ સુધીના ૧૨ રસ્તાઓ માટે ઓન સાઈડ અને ઓફ સાઈડ પાર્કિંગ સિસ્ટમ લવાશે.
આ રાજમાર્ગો પર મોટરકારના પાર્કિંગ પર પ્રતિબંધ લાદવામાં આવશે. ૩ મિનિટ કે તેથી વધુ સમય જો કાર પાર્કિંગ હશે તો દંડ વસુલવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે અનેક રસ્તાઓ પહોળા કરવાની યોજના પણ બજેટમાં સામેલ કરવામાં આવી છે. હાલ શહેરમાં કાર્યરત ૧૧ ટ્રાફિક સિગ્નલોને અપગ્રેડ કરવામાં આવશે અને વધુ ૨૯ સર્કલ કે ચોક ખાતે નવા ટ્રાફિક સિગ્નલો બનાવવામાં આવશે.