અતિથિ દેવો ભવ:નો સનાતન સંસ્કૃતિ ભાવ સાકાર કરી ટુરિસ્ટ સેન્ટ્રિક અભિગમથી ગુજરાતને વર્લ્ડ ટુરિઝમ મેપ પર અગ્રણી બનાવવાની નેમ
૧ જાન્યુઆરી-ર૦ર૧થી ૩૧ માર્ચ ર૦રપ સુધી નવી પ્રવાસન નીતિ ર૦ર૧-ર૦રપ અમલી રહેશે
રાજ્યના પ્રવાસન વૈવિધ્યના સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસથી આર્થિક-સામાજિક વિકાસ-સ્થાનિક રોજગાર અવસરને મળશે નવી ગતિ
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક વિકાસના રોલ મોડેલ બનેલા ગુજરાતની વિશ્વખ્યાતિમાં હવે નવો કિર્તિમાન ગ્લોબલ ચોઇસ ફોર ટુરિઝમ પ્રસ્થાપિત કરવાની નેમ સાથે ગુજરાત નવી પ્રવાસન નીતિ ર૦ર૧-રપની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીએ આ નવી પ્રવાસન નીતિ -૨૦૨૧-રપમાં રાજ્યમાં પ્રવાસન વૃદ્ધિ સાથે પર્યાવરણ સમૃદ્ધિનો નવતર અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જાહેર કરેલી આ નવી પ્રવાસન નીતિ તા.૧ જાન્યુઆરી-ર૦ર૧ થી તા.૩૧ માર્ચ-ર૦રપ સુધી અમલમાં રહેશે.
મુખ્યમંત્રીએ પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા તેમજ રાજ્ય મંત્રી વાસણભાઇ આહિરની ઉપસ્થિતીમાં ગુજરાત પ્રવાસન નીતિ -ર૦ર૧-રપની મહત્વપૂર્ણ જાહેરાત ગાંધીનગરમાં કરી હતી.
આ નવી પ્રવાસન નીતિમાં રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે નવા રોકાણો અને સ્થાનિક સમુદાયો માટે રોજગાર અવસર ઊભા કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ નવી પ્રવાસન નીતિ નું લોંચીંગ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આત્મનિર્ભર ભારતના દૃષ્ટિકોણ સાથે આ નવી પ્રવાસન નીતિ માં વોકલ ફોર લોકલ સહિત સ્થાનિક રોજગારી અને સંતુલિત પ્રાદેશિક વિકાસની નેમ આપણે રાખી છે.
તેમણે આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં ઉમેર્યુ કે, વિશ્વભરમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડી પ્રવાસનો ઉત્તમ અનુભવ આપીને પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આ પોલિસી ઉપયુકત બનશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે ભારતના પશ્ચિમ કાંઠે આવેલું ગુજરાત વૈવિધ્યસભર પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વભરના પ્રવાસીઓને અદભૂત અનુભવોની ભરપૂર તકો પૂરી પાડે છે. ગુજરાતમાં વન્યજીવોના અભયારણ્યો, હિલ રિસોર્ટ્સ, કુદરતી આકર્ષણો અને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત હેરિટેજ સાઈટ્સ છે.
આ ઉપરાંત, સદીઓ જૂનાં શિલ્પો, હસ્તકલા, કલાકૃતિઓ અને વિવિધ મેળાઓ અને તહેવારો રાજ્યને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ બનાવે છે. આ સાથે ગુજરાતમાં કેટલાંક મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળો સમગ્ર વિશ્વના પ્રવાસીઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યાં છે.
કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર ઘર ગિર ફોરેસ્ટ અને યુનેસ્કો પ્રમાણિત ભારતનું સૌપ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ, સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની ભારતની સર્વપ્રથમ સી-પ્લેન સર્વિસ, ભારતનો સૌપ્રથમ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન બીચ શિવરાજપુર બીચસીમાદર્શન તેમજ સોમનાથ, દ્વારકા, અંબાજી જેવા યાત્રાધામો અને ભરપૂર પ્રવાસન આકર્ષણો ગુજરાતની આગવી શાન છે એમ તેમણે ઉમેર્યુ હતું.
નવી પ્રવાસન નીતિ ર૦ર૧-રપના મુખ્ય ઉદ્દેશો-હેતુઓ
* વોકલ ફોર લોકલ અંતર્ગત રાજ્યની કલા-સંસ્કૃતિ સાથે હસ્તકલા કારીગરીની ચીજવસ્તુઓનું દેશ-વિદેશના પ્રવાસીઓ સમક્ષ પ્રમોશન કરાશે
* ટુરિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચરનો વિકાસ કરવા હોટેલ-ક્ધવેન્શન સેન્ટર્સ-વેસાઇડ એમિનીટીઝ સહિતની સુવિધા વિકસાવાશે
* સ્થાનિક રોજગાર વૃદ્ધિ માટે ટુરિસ્ટ ગાઇડસ નિયુકત કરવા સરકાર સહયોગ આપશે
* હોટેલ/રિસોર્ટસને ટુરિઝમ ગાઇડ નિયુકત કરવા વ્યક્તિ દિઠ મહત્તમ રૂ. ૪૦૦૦ની માસિક નાણાં સહાય ૬ મહિના સુધી અપાશે
* કેરેવાન ટુરિઝમ મેડિકલ ટુરિઝમ વેલનેસ ટુરિઝમ-હેરિટેજ ટુરિઝમ-ક્રુત્ઝ-રિવર ટુરિઝમને વેગ અપાશે
* વિશ્વભરના યુવા પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે એડવેન્ચર ટુરિઝમને વેગ
* પ્રદુષણ રહિત-પર્યાવરણપ્રિય પ્રવાસન સ્થળ નિર્માણ કરવા રાજ્ય સરકાર વિવિધ કેપીટલ સબસિડી આપશે
* ૧૫% કેપિટલ સબસીડી મહત્તમ રૂ.૨ લાખસુધી આપીને ઈ-વાહનોના ઉપયોગને પ્રોત્સાહન
* ઈ-વાહનો માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સ વિકસિત કરવા રપ ટકા કેપિટલ સબસિડી અપાશે
* વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સસ્ટેનેબિલિટી સર્ટિફિકેટ દ્વારા સસ્ટેનેબિલિટીની દિશામાં વધુ એક કદમ
* ૨૦% કેપિટલ સબસીડી સાથે નિર્ધારિત કરેલા હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સ પર વિવિધ હોટલોની સ્થાપનાને પ્રોત્સાહન આપીને સંતુલિત પ્રાદેશિક વિકાસ સુનિશ્ચિત કરાશે
* એડવેન્ચર ટુરિઝમ ઇક્વિપમેન્ટ્સ માટે ૧૫% કેપિટલ સબસીડી મહત્તમ રૂ.૧૫ લાખસુધી પ્રદાન કરીને એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન અપાશે
સસ્ટેનેબલ ટુરિઝમને પ્રોત્સાહન આપવાનો અને પ્રદૂષણરહિત પ્રવાસન સ્થળ નિર્માણ કરવાનો ઉદ્દેશ
૧૫% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.૨ લાખ) આપીને ઈ-વાહનોના ઉપયોગને પ્રોત્સાહન અપાશે
ઈ-વાહનો માટે પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સ વિકસિત કરવા રપ ટકા કેપિટલ સબસિડી અપાશે
વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત સસ્ટેનેબિલિટી સર્ટિફિકેટ દ્વારા સસ્ટેનેબિલિટીની દિશામાં વધુ એક કદમ, આ માટે સર્ટિફિકેટશન ફીના ૫૦% રકમ રિઇમ્બર્સ કરવામાં આવશે
વિશિષ્ટ પ્રવાસન પ્રોજેક્ટ્સને પ્રોત્સાહન
૧૫% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.૧૦ લાખ) દ્વારા કેરેવાન ટુરિઝમને પ્રમોટ કરીને પ્રવાસનના વિશિષ્ટ સેગમેન્ટમાં સાહસ માટે પ્રેરિત કરાશે.
૧૫% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.૨૫ લાખ) દ્વારા ગુજરાતના વિશાળ જળ સ્ત્રોતોનો લાભ મેળવવા માટે રિવર ક્રૂઝ ટુરિઝમને પ્રોત્સાહન અપાશે.
સ્થાનિક સમુદાયો માટે રોજગારીની તકોનું સર્જન કરાશે
૬ મહિનાના સમયગાળા માટે દર મહિને ગાઇડદીઠ રૂ.૪૦૦૦ સુધીની નાણાકીય સહાયતા પ્રદાન કરીને ટુરિસ્ટ ગાઈડ્સ માટે રોજગારીની તકોનું નિર્માણ કરાશે
વિશ્ર્વભરના યુવા પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન
એડવેન્ચર ટુરિઝમ ઇક્વિપમેન્ટ્સ માટે ૧૫% કેપિટલ સબસીડી (મહત્તમ રૂ.૧૫ લાખ) પ્રદાન કરીને એડવેન્ચર ટુરિઝમને પ્રોત્સાહન આપવામાં આવશે.
વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપીને વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધારશે
વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે, ઈ-વાઉચર્સ અથવા ગુજરાત ટુરિઝમ કાર્ડ દ્વારા ગરવી ગુજરાતમાંથી ખરીદી કરવા પર મહત્તમ રૂ.૨૦,૦૦૦ સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે અને આ ઉપરાંત સીઓટી (કમિશ્નર ઓફ ટુરિઝમ) હેઠળ રજિસ્ટર થયેલી હોટલોમાં રોકાણ કરવા પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે
પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિનો લાભ અપાશે
પ્રત્યેક કાર્યક્રમ માટે વાર્ષિક રૂ.૫ લાખ સુધીની નાણાકીય સહાયતાથી ગ્રામ્ય પ્રવાસન મેળાઓ આયોજિત કરીને ગુજરાતની દેશી સંસ્કૃતિ, નૃત્ય, હેન્ડલૂમ્સ, હસ્તકળા વગેરેને પ્રવાસીઓ સમક્ષ પ્રદર્શિત કરવામાં આવશે.
પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સ
૨૦% કેપિટલ સબસીડી સાથે નિર્ધારિત કરેલા હાઈ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સ પર વિવિધ હોટલોની સ્થાપનાને પ્રોત્સાહન આપીને સંતુલિત પ્રાદેશિક વિકાસ સુનિશ્ચિત કરવામાં આવશે.
એમઆઈસીઈ ઇવેન્ટ્સ માટે પસંદગીનું સ્થળ બનાવાશે
રાજ્ય સરકાર દ્વારા ૧૫% કેપિટલ સબસીડી અને લીઝ પર જમીન આપીને ક્ધવેન્શન સેન્ટર્સની સ્થાપના માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવીને એમઆઈસીઈ સેક્ટરને ઉત્તેજન આપવું
મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષવા માટે અને રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે, આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય એમઆઈસીઈ ઇવેન્ટ્સનું આયોજન કરવું અને આ માટે અનુક્રમે રૂ.૫ લાખ સુધીની અને રૂ.૨ લાખ સુધીની નાણાકીય સહાયતાઓ પ્રદાન કરાશે.