- એરટેલ અને જિયોના નવા પ્લાનમાં આજથી જ્યારે વોડાફોન આઈડિયાના નવા પ્લાન કાલથી લાગુ : મોબાઈલ ધારકોના ખિસ્સા ઉપર ભારણ વધવાનું શરૂ
એરટેલ, જીઓ, વોડાફોન-આઇડિયાએ મોબાઈલ ટેરિફમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. વોડાફોન આઈડિયા દ્વારા નવા પ્લાન 4 જુલાઈથી લાગુ કરવામાં આવશે. જ્યારે એરટેલ અને જિયોના નવા પ્લાન 3 જુલાઈથી એટલે કે આજથી લાગુ થયા છે.
દેશની સૌથી મોટી યુઝર બેઝ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ પોતાના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનની કિંમતો વધારવાના નિર્ણય બાદ વોડાફોને પણ મોબાઈલ ટેરિફમાં વધારો કર્યો છે. આ પ્લાનની કિંમતોમાં સૌથી પહેલા જીઓએ વધારો કર્યો હતો. કંપનીએ તેના ટેરિફ પ્લાનમાં 25 ટકા સુધીનો વધારો કર્યો છે. તે જ સમયે, વોડાફોને તેના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન 11 થી 23 ટકા મોંઘા કર્યા છે.
ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ તેના પ્રીપેડ પ્લાનમાં 12.5 ટકાથી 25 ટકાનો વધારો કર્યો છે. નવા દરો આજે 3 જુલાઈથી અમલમાં મુકવામાં આવ્યા છે. રિલાયન્સ જિયોએ જાહેરાત કરી છે કે જીઓ ભારત અને જીઓ ફોન યુઝર્સ માટે ટેરિફમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
વોડાફોન આઈડિયા દ્વારા વિવિધ 13 પ્રીપેડ પ્લાનના ટેરિફ રેટ વધારવામાં આવ્યા છે. કંપનીના સૌથી સસ્તા 28 દિવસની વેલિડિટીવાળા પ્રીપેડ પ્લાનની કિંમત હાલના 179 રૂપિયા થી વધારી 199 રૂપિયા કરવામાં આવી છે. તો 84 દિવસની વેલિડિટીના 459 રૂપિયાના પ્રીપેડ પ્લાન માટે હવે યુઝર્સે 509 રૂપિયા ચૂકવવા પડશે. તો 365 દિવસની વેલિડિટી વાળા 1799 રૂપિયાના પ્રીપેડ પ્લાનની કિંમત વધારીને 1999 રૂપિયા કરવામાં આવી છે.કંપનીના સૌથી લોકપ્રિય દરરોજ 1 જીબી ડેટા અને અનલિમિટેડ કોલ સાથે 28 દિવસની વેલિડિટીવાળા 28 દિવસના પ્રીપેડ પ્લાનની કિંમત 269 રૂપિયાથી વધારી 299 રૂપિયા કરી છે. તેવી જ રીતે દરરોજ 1.5 જીબી ડેટા વાળા 28 દિવસના પ્રીપેડ પ્લાન માટે હવે તમારે 299 રૂપિયાના બદલે 349 રૂપિયા ચૂકવવા પડશે.
વોડાફોન આઈડિયા દ્વારા ઈન્ટરનેટ ડેટા ઓડ ઓન રિચાર્જ પેકની કિંમત પણ વધારવામાં આવી હતી. અગાઉ 19 રૂપિયાના ડેટા એડ ઓન રિચાર્જ પર 1 દિવસ માટે 1 જીબી ડેટા મળતો હતો, જે માટે હવે તમારે 22 રૂપિયા ચૂકવવા પડશે. તેવી જ રીતે 3 દિવસની વેલિડિટી સાથે 6 જીબી ડેટા માટે તમારે 39 રૂપિયાના બદલે 48 રૂપિયા ચૂકવવા પડશે.
વોડાફોન આઈડિયા દ્વારા પોસ્ટ પેડ પ્લાન ટેરિફ રેટ પણ વધારવામાં આવ્યા છે. કંપનીએ 401 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનની કિંમત વધારીને 451 રૂપિયા કરી છે. તેવી જ રીતે 501 રૂપિયાના પ્લાનની કિંમત વધારીને 551 રૂપિયા તો 601 રૂપિયાના ફેમિલિ પ્લાનની કિંમત વધારીને 701 રૂપિયા અને 1001 રૂપિયાના પ્લાનની કિંમત વધારીને 1201 રૂપિયા કરી છે.