આયુષ્યમાન ભારતમાં રાજ્યની ૨૬૦૦ હોસ્પિટલોમાં પાંચ લાખ રૂપિયાની કેશલેસ સારવાર મળશે: રાજકોટ ખાતે યોજાયો પ્રથમ મેગા કેમ્પ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટ ખાતે યોજાયેલા રાજ્યના સર્વપ્રથમ આયુષ્યમાન ભારત યોજના મેગા કેમ્પમાં ઉપસ્થિત રહ્યાં હતા.  તેમણે તારસ્વરે કહ્યું હતું કે, ગરીબ દર્દીઓની ચિંતા સરકારે કરી છે. નાગરિકો પોતાનું દીર્ઘાયુ તંદુરસ્તીસભર વીતાવે એવી રાજ્ય સરકારની નેમ છે.vlcsnap 2019 02 11 08h52m54s134વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વડપણ હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત હેઠળ રાજકોટ શહેરના ૯૬૦૦૦ પરિવારોના અંદાજિત પાંચ લાખ નાગરિકોને આરોગ્ય કવચ આપવા રાજકોટ મહાપાલિકા દ્વારા યોજવામાં મેગા કેમ્પમાં ઉપસ્થિત લાભાર્થીઓને સંબોધતા મુખ્યમંત્રી રૂપાણીએ ઉમેર્યું કે, આયુષ્યમાન ભારતના આ મેગા કેમ્પથી રાજકોટમાં સ્વાસ્થ્ય સુરક્ષાનો નવો સૂર્યોદય થયો છે.

તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્ર સરકારમાં ૫૪ મહિના શાસનકાળમાં જનકલ્યાણના અનેક કાર્યો કર્યા છે. તેમાં આયુષ્યમાન ભારત યોજના ગરીબો માટે આશીર્વાદરૂ૫ છે. જેનો લાભ દેશના ૧૦.૭૪ કરોડ પરિવારોના ૫૦ કરોડથી વધુ પરિવારોને મળવાનો છે.

ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના એક પણ સભ્યને કોઇ બિમારી લાગુ પડે ત્યારે, ઘરના તમામ લોકો લાચારી અનુભવે છે. ગરીબોને સારવાર માટે કોઇની પાસેથી આર્થિક સહાય મેળવવા માટે હાથ લાંબો કરવો પડે છે. બિમારી ગંભીર અને લાંબી હોય તેવા સંજોગોમાં પરિવાર દેવામાં ડૂબી જાય છે. વળી, ઘરનો મોભી જ માંદો પડે ત્યારે સ્થિતિ કપરી બને છે.

vlcsnap 2019 02 11 08h52m40s249

આવા સમયે મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા વાત્સલ્ય યોજના આ પરિવારો માટે આશીર્વાદરૂપ બને છે. ગંભીર બિમારીમાં સારામાં સારી હોસ્પિટલોમાં કેશલેસ સારવાર મળે છે. રાજ્ય સરકાર દ્વારા રૂ. એક હજાર કરોડની જોગવાઇ આ માટે જ કરવામાં આવી છે. હવે તો આયુષ્યમાન ભારત યોજના હેઠળ રાજકોટની ૨૫ સહિત ગુજરાતની ૨૬૦૦ હોસ્પિટલમાં રૂ. પાંચ લાખ સુધીની સારવાર મળશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, નાણાના અભાવે આરોગ્યલક્ષી સેવાથી કોઇ ગરીબ દર્દી વંચિત ન રહી જાય તેની દરકાર રાજ્ય સરકારે લીધી છે. લોકોના ટેક્સના પૈસાનો સદ્દઉપયોગ થાય એવી વ્યવસ્થા વિકસાવવામાં આવી છે.

રાજ્યમાં ગરીબ રેખા હેઠળ જીવતા પરિવારોનું જીવન ધોરણ ઉંચુ આવે એ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજના અમલમાં મૂકવામાં આવી છે, તેમ કહેતા રૂપાણીએ ઉમેર્યું કે, ગરીબો પોતાનું જીવન સારી રીતે જીવી શકે એ જ રાજ્ય સરકારનું લક્ષ્ય છે.

મેયર બિનાબેન આચાર્યએ આ પ્રસંગે કહ્યું કે, રાજકોટ શહેરમાં ૪૨ હજાર વાત્સલ્ય કાર્ડ આપવામાં આવ્યા છે. શહેરના ૯૬ હજાર પરિવારોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ પરિવારો માટે આ બન્ને યોજના આશીર્વાદરૂપ છે.  સ્થાયી સમિતિના ચેરમેન ઉદયભાઇ કાનગડ અને મ્યુનિસિપલ કમિશનર બી. એન. પાનીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.

vlcsnap 2019 02 11 08h53m52s183

મુખ્યમંત્રીએ આ કેમ્પમાં પોતાની સંવેદનશીલતાનો પરિચય આપ્યો હતો. તે પોતાનું  પ્રવચન પૂરૂ કર્યું એ બાદ લાભાર્થીઓને આરોગ્ય સેવાના કાર્ડ આપ્યા હતા અને તુરંત કેમ્પની મુલાકાત લેવા ગયા હતા. જ્યાં તેઓ લાભાર્થીઓને મળ્યા હતા. તેમની સાથે સંવાદ સાધ્યો હતો. મુખ્યમંત્રી સ્વયં મળવા આવતા જોઇને લાભાર્થીઓને ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. શ્રી રૂપાણીએ લાભાર્થીઓ સાથે ટૂંકો સંવાદ પણ સાધ્યો હતો.

કાર્યક્રમના પ્રારંભે જાણીતી ગાયિક કિંજલ દવેએ ગીતોની રમઝટ બોલાવી હતી. તેમના કાર્યક્રમને લોકોએ રસપૂર્વક માણ્યો હતો.

આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલઅને લાખાભાઇ સાગઠિયા, પ્રદેશભાજપ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, ગુજરાતમ્યુનીસીપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, ભાજપ પ્રવકતા રાજુભાઇ ધૃવ, ડે.મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસકપક્ષના પ્રમુખ દલસુખભાઇ જાગાણી, ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલિબેન રૂપાણી, દંડક અજયભાઇ પરમાર, ભીખાભાઇ વસોયા, ડો. જૈમનભાઇ ઉપાધ્યાય,  જીતુભાઇ કોઠારી, કિશોરભાઇ રાઠોડ,કલેકટર રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન ડો. મેહુલ દવેએ કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.