Abtak Media Google News
  • એનઓસી અને બીયુ આપવામાં સ્કૂલ તથા હોસ્પિટલને અગ્રતા અપાશે: ઇમ્પેક્ટની ફાઇલોના નિકાલની કામગીરી ઝડપી બનાવાશે: મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇ
  • અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી અને બીયુ વિનાની મિલકતો ધડાધડ સીલ કરાતા દેકારો: ચેમ્બર ઓફ કોમર્સ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ, પ્રિ-સ્કૂલ એસોસિએશન દ્વારા મ્યુનિ.કમિશનરને રજૂઆત

શહેરના નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં સર્જાયેલા જીવલેણ અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં ફાયર એનઓસી અને બીયુ પરમીશન વિનાની મિલકતો ધડાધડ સીલ કરવામાં આવી રહી છે. તમામ 18 વોર્ડમાં 18 ટીમો દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. આ ઝુંબેશને લઇ શહેરભરમાં ભારે દેકારો બોલી ગયો છે. આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ અને પ્રિ-સ્કૂલ એસોસિએશન સહિતના અલગ-અલગ સંગઠનો દ્વારા આ અંગે મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇને રજૂઆત કરવામાં આવી હતી. ફાયર સેફ્ટીના નિયમ પાલન માટે પૂરતો સમય આપવા સહિતના અલગ-અલગ મુદ્ાઓને આવરી લેવામાં આવ્યા હતા.

ચેમ્બર ઓફ કોમર્સ અને સ્વર્નિભર શાળા સંચાલક મંડળની રજૂઆત બાદ મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઇએ જણાવ્યું હતું કે હાલ રાજ્યભરમાં ફાયર સેફ્ટી અને બીયુ પરમીશન વિનાની મિલકતો સીલ કરવા માટેની કામગીરી ચાલી રહી છે. તમામ મહાપાલિકામાં આ પ્રકારનો પ્રશ્ર્ન ઉભો થયો છે. તમામ સાથે ચર્ચા કરવામાં આવી છે. ફાયર એનઓસી અને બીયુ પરમીશન માટે આગામી બે દિવસમાં નવી એસઓપી જાહેર કરવામાં આવશે. ગુરૂવારથી શાળામાં વેકેશન ખૂલી રહ્યું હોય જે શાળાઓને સીલ કરવામાં આવી છે ત્યાં શરતોને આધિન સીલીંગ ખોલવા માટેની કામગીરીને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. જે લોકો કે સંસ્થા દ્વારા ઇમ્પેક્ટ ફી યોજના અંતર્ગત ગેરકાયદે બાંધકામો નિયમિત કરવા માટેની અરજીઓ રજૂ કરી છે તેને ઝડપથી મંજૂર કરવા માટેની કામગીરીને પ્રાધાન્ય આપવામાં આવશે. વેપારીઓ કે શાળા સંચાલકોની ખોટી કનડગત પણ કરવામાં આવશે નહિં. નિયમ મુજબ ઝડપથી કામ થાય તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ટૂંક સમયમાં નવી એસઓપી જાહેર કરી તેની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવશે.

આજે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી. મહેતા, સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો.ઓપરેટીંગ બેંકર્સ ફેડરેશનના સીઇઓ પરસોત્તમ પીપળીયા સહિતના અલગ-અલગ સંગઠનોના આગેવાનોએ મ્યુનિ.કમિશનરને ફાયર સેફ્ટી અને બીયુ પરમીશનના નિયમનું પાલન કરવા માટે પૂરતો સમય આપવાની રજૂઆત કરી હતી. જેમાં અલગ-અલગ 11 મુદ્ાઓને આવરી લેવામાં આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખી મ્યુનિ.કમિશનર દ્વારા પણ હકારાત્મક અભિગમ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવશ્યક સેવાઓ પુન: ચાલુ થાય તે માટે મિલકતોના સીલીંગ ખોલવા માટે વચગાળાની પરમીશન શરતો સાથે આપવામાં આવશે. તેવી બાંહેધરી આપવામાં આવી હતી. રોજગારી ઉપર અવળી અસર ન થાય તેને પણ ધ્યાનમાં લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી. અલગ-અલગ સંગઠનો દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ આ સંદર્ભે રજૂઆત કરવામાં આવી છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.