કોર્ટના નિર્દેશ પ્રમાણે સુધારા-વધારા અને કાયદાકીય અભિપ્રાય બાદ 62 પેજનો નવો ઠરાવ જાહેર
રાજ્યની પ્રાથમિક શિક્ષકોની બદલીના ફેરફાર માટેની કમિટીએ ફેરફાર સાથેનો અહેવાલ સુપ્રત કર્યા બાદ નવા નિયમો સાથેનો ઠરાવ જાહેર કરી દેવાયો છે. હવે પછી થનારી તમામ પ્રક્રિયા આ નવા જાહેર થયેલા ઠરાવ પ્રમાણે કરવામાં આવશે.
રાજ્યમાં પ્રાથમિક સ્કુલોના શિક્ષકોની ટ્રાન્સફર માટે કરાયેલા નિયમોને લઇને 14મી ઓક્ટોબરના રોજ સુધારા ઠરાવ જાહેર કરવામાં આવ્યો હતો. જેની સામે વિરોધ અને હાઇકોર્ટમાં રિટ થતા જિલ્લા ટ્રાન્સફર કેમ્પ સ્થગિત કરાયા હતા. હાઇકોર્ટના નિર્દેશ પ્રમાણે શિક્ષણ વિભાગ દ્વારા બદલીના નિયમોમાં ફેરફાર કરવા માટે એક કમિટિની રચના કરાઇ હતી.
આ કમિટિએ નવા સુધારા વધારા કર્યા બાદ 62 પેજનો નવો ઠરાવ જાહેર કરાયો છે. હાલમાં જિલ્લા આંતરિક બદલીઓમાં ભાગ લેવા 36 હજારથી વધારે શિક્ષકોએ અરજી કરી છે. અગાઉના તમામ ઠરાવોને રદ્ ગણીને હવે નવા નિયમો પ્રમાણે જ ટ્રાન્સફર પ્રક્રિયા હાથ ધરાશે.
મહત્વની વાત એ છે કે નવા નિયમોમાં તમામ પાસાઓનું ધ્યાન રખાયુ છે. શિક્ષકો સામે કોઇ ફરિયાદ થઇ હોય, ફરીયાદ નિવારણ સમિતિ સમક્ષ રજૂઆત કરી હોય, પતિ-પત્નીઓની જિલ્લા ફેરની બાબત હોય, જિલ્લા વિભાજન કરવાના કારણે થતી બદલીઓ, વહીવટી બદલીના કિસ્સામાં કોઇપણ શિક્ષકની સલામતીના કારણોસર બદલી કરવાની સ્થિતિ ઉભી થાય, અસાધ્ય રોગ કે ગંભીર બીમારીઓના કારણે આંતરિક જિલ્લા ફેરફાર કરવો પડે તે સહિતના પાસાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. હવે જે અરજદારોએ અરજી કરી હતી. તેને પણ રદ્ કરીને નવેસરથી અરજીઓ મંગાવવામાં આવશે.