સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ હજુ હળવાથી મધ્યમ વરસાદની આગાહી: લોધિકામાં રાતે અઢી ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ સુરતના ઉમરાપાડામાં ૪ ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે અને ચોરાયસીમાં પણ પોણા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે સવારથી આઠ વાગ્યા સુધીમાં રાજ્યના ૨૪ તાલુકામાં વરસાદ નોંધાયો છે ત્યારે સૌરાષ્ટ્રમાં મેઘાનો નવો રાઉન્ડ શરૂ થયો હોય તેમ ભાવનગરમાં આજે સવારે ૨ કલાકમાં ૨ ઈંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ વરસાદ ગઈકાલે રાતે અઢી ઇંચ રાજકોટના લોધીકા તાલુકામાં નોંધાયો હતો.હજુ આગામી ૩ દિવસ રાજયમાં ભારે વરસાદ અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં મેઘાનો નવો રાઉન્ડ શરૂ થતાં જગનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રભરમાં ૩ દિવસ હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ભાવનગર આજે સવારે ૨ ઈંચ વરસાદ ખાબકતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફરી વળી છે. આજે સવારથી પડી રહેલા વરસાદ સાર્વતીક પ્રમાણમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં નોંધાયો છે.
આજે સવારે ૬ થી ૮ દરમિયાન સોનાગઢમાં ૭૧મીમી, વાયરમાં ૬૨ મિમી, ભાવનગરમાં ૪૬ મિમી, માંડવીમાં ૪૦ મિમી, અરવલ્લીમાં ૩૭ મિમી, ભાવનગરના ઘોઘામાં ૩૭ મિમી, મહિસાગરના વીરપુરમાં ૨૨ મિમી, ગોધરામાં ૧૫ મિમી, ચોરિયાશીમાં ૧૫ મિમી, સુરતમાં ૧૩ મિમી જેટલો વરસાદ નોંધાયો હતો.