- અમદાવાદમાં બે દિવસમાં મેટ્રોમાં 4 લાખથી વધુ લોકોની મુસાફરી થકી રૂ. 66 લાખની આવક:પ્રવાસન અને સ્થાનિક અર્થવ્યવસ્થાને વેગ:1.3 લાખ લોકોએ એકસાથે આ કોન્સર્ટને મજા માણી
વિશ્વભરમાં પ્રસિદ્ધ બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો ભારતનો સૌથી મોટો કોન્સર્ટ અમદાવાદમાં યોજાયો હતો. બે દિવસીય આ કોન્સર્ટમાં ભાગ લેવા માટે 1.3 લાખ લોકોએ ટિકીટ ખરીદી હતી અને આ ભવ્ય સમારોહમાં સામેલ થવા માટે અંદાજે 2.5 લાખ જેટલા લોકો શહેરમાં પહોંચ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે આયોજકો સાથે ખડેપગે રહીને પૂરતો સહયોગ આપ્યો હતો. રાજ્ય સરકાર તરફથી પોલીસ વિભાગ, અમદાવાદ કોર્પોરેશન અને અન્ય વિભાગોએ યોગ્ય સંકલન સાથે દર્શકોની સુવિધા માટે સુરક્ષા, ટ્રાફિક, મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન અને ઇમરજન્સી સેવાઓ માટે ચુસ્ત આયોજન કર્યું હતું. 1.3 લાખ લોકોએ એકસાથે આ કોન્સર્ટને માણ્યો તે સંખ્યાની દૃષ્ટિએ અત્યારસુધી ભારતનો સૌથી મોટો કોલ્ડપ્લે શો બન્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ‘ઉત્કર્ષ ઓડિશા- મેક ઇન ઓડિશા કોન્ક્લેવ 2025’ કાર્યક્રમ દરમિયાન તેમના સંબોધનમાં ભારતમાં કોલ્ડપ્લે કોન્સર્ટની સફળતા અને દેશમાં કોન્સર્ટ ઇકોનોમીની વ્યાપક તકો અંગે જણાવ્યું હતું. તેમણે રાજ્યો અને ખાનગી ક્ષેત્રોને આ બાબતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કૌશલ્ય નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આગ્રહ કર્યો હતો. વડાપ્રધાને જણાવ્યું હતું કે, તમે મુંબઇ અને અમદાવાદમાં થયેલા કોલ્ડપ્લે કોન્સર્ટની શાનદાર તસવીરો જોઇ હશે. આ એ વાતનું પ્રમાણ છે કે લાઇવ કોન્સર્ટ માટે ભારતમાં કેટલો સ્કોપ છે. વિશ્વના દિગ્ગજ કલાકારો ભારત તરફ આકર્ષિત થઇ રહ્યાં છે. આ કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી દર્શકો અમદાવાદ પહોંચવાના હોવાથી રાજ્ય સરકાર તરફથી સુરક્ષા અને પરિવહન માટે પૂરતું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ તરફથી ઉચ્ચ અધિકારીઓ સહિત 1800થી વધુની ફોર્સ તહેનાત કરવામાં આવી હતી. કાર્યક્રમની ચોક્કસ દેખરેખ માટે 2 પોલીસ ક્ધટ્રોલ રૂમ અને 2 સીસીટીવી ક્ધટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા હતા જેમાં 470 જેટલા સીસીટીવીથી દેખરેખ કરવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતાની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ સફાઇ માટે 492 સ્વચ્છતા કર્મચારીઓ સાથે 14 જેસીબી મશીનો અને 27 ટ્રક ફાળવવામાં આવ્યા હતા. 12 સ્વીપર મશીનોની મદદથી સફાઇની કામગીરી કરવામાં આવી હતી અને 5 કોમ્પેક્ટર અને વધારાના 10 જઠખ વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 48 કલાકની અંદર 1550 ટન જેટલા કચરાને એકત્ર કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. ત્રણ દિવસમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 900થી વધુ ફ્લાઇટ્સ પહોંચી હતી, જે સામાન્ય દિવસો કરતા લગભગ બમણી સંખ્યા છે. આ દિવસો દરમિયાન ભારતભરમાંથી અમદાવાદ પધારેલા મહેમાનોએ કોન્સર્ટ ઉપરાંત અમદાવાદ શહેરના આકર્ષક પ્રવાસન સ્થળોની મુલાકાત લીધી હતી તેમજ ગુજરાતના પરંપરાગત ભોજનનો સ્વાદ માણ્યો હતો. તેના લીધે શહેરના પ્રવાસનને વેગ મળવાની સાથે અમદાવાદની હોટેલ્સ, રેસ્તરાં, શહેરી પરિવહન વિભાગ તેમજ સ્થાનિક વેન્ડર્સને કોલ્ડપ્લે કોન્સર્ટ થકી આવકનો મોટો સ્ત્રોત ઊભો થયો હતો.
વૈશ્ર્વિક કાર્યક્રમોના સફળ આયોજક તરીકે રાજ્યની પ્રતિષ્ઠા મજબૂત બની: મુખ્યમંત્રી
આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોના સફળ આયોજન અંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી માર્ગદર્શન હેઠળ ગુજરાતે વર્ષ 2023માં જી-20 સમિટ અને ક્રિકેટ વિશ્વકપ જેવા કાર્યક્રમોની સફળતાપૂર્વક યજમાની કરી છે. આ પ્રકારના આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટે રાજ્યમાં વિશ્વસ્તરીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. અમદાવાદમાં યોજાયેલા કોલ્ડપ્લે કોન્સર્ટની સફળતા રાજ્યની વૈશ્વિક કાર્યક્રમોના સફળ આયોજક તરીકેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે.