ગુજરાતના સંસદિય ઈતિહાસની વિરલ ઘટના
ચૌદમી વિધાનસભામાં ચોથા સત્રમાં છેલ્લા દિવસે રાત્રીના ૩ કલાક ૩૯ મિનિટ સુધી કામગીરી ચાલી: નવ વિધેયક પસાર
ગુજરાતની સંસદીય પ્રણાલીકાનો શુક્રવારે ઐતિહાસિક દિવસ છે. શુક્રવારે મધ્યરાત્રીએ બાર વાગ્યેને આઠમી મિનિટે આ ઇતિહાસ અંકિત થયો. આ દિવસે ચૌદમી વિધાનસભાનું ચોથું સત્ર સતત બાર કલાક અને નવ મિનિટથી વધુ સમય સુધી ચાલ્યું. રાજ્યની આ બેજોડ અને તંદુરસ્ત લોકશાહીની પરંપરાને બિરદાવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ઉપસ્થિત સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ૬ જાન્યુઆરી ૧૯૯૩ના રોજ ગુજરાત વિધાનસભા ગૃહની કાર્યવાહી સતત ૧૨ કલાક ૦૮ મિનિટ સુધી ચાલી હતી. તત્કાલીન સમયે ગૃહની કાર્યવાહી બપોરે ૧૨.૦૦ કલાકે શરૂ થઈ હતી જે રાત્રિના ૧૨.૦૮ સુધી ચાલી હતી.
આજે અંકિત થયેલા આ ઐતિહાસિક રેકોર્ડ અનુસાર તારીખ ૨૬ જુલાઈ, ૨૦૧૯ શુક્રવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકથી શરૂ થયેલું ૧૪મી વિધાનસભાના ચોથા સત્રનો છેલ્લા દિવસની બેઠકનું કામકાજ વિરામનો સમય બાદ કરતાં સતત ૧૨ કલાક, ૯ મિનિટથી વધુ સમય સુધી ચાલ્યું હતું. આ રેકોર્ડને સૌ ધારાસભ્યોએ પાટલી થપથપાવી બિરદાવ્યો હતો.
આ નવા અંકિત થયેલા રેકોર્ડ અંગે વિધાનસભા ગૃહને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ ગૃહને જણાવ્યું હતું અને અધ્યક્ષને આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બની તેમને જ આ અંગેની જાહેરાત કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તારીખ ૨૭-૦૭-૨૦૧૯, શનિવારે રાત્રિના ૧૨.૦૯ કલાકે વિધાનસભાગૃહમાં અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ અંગે ઉપસ્થિત તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તાવાર જાણકારી આપીને તમામને લોકશાહીના આ તંદુરસ્ત પ્રણાલિકાને વધુ મજબૂત અને દીર્ઘાયુ બનાવવાના અભિનંદન પાઠવ્યા હતા. રાત્રીના ૩ કલાક અને ૩૯ મિનિટ સુધી સત્ર ચાલ્યું હતું.
આ ઐતિહાસિક દિવસે ૯ મુદ્દાઓ પર લાંબી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સિંચાઈ, ઘર વપરાશના પાણી, શહેરી વિકાસ, ગણોતધારા, બીલ, ખાનગી યુનિવર્સિટી પરના બે બીલ, કૃષિ યુનિવર્સિટીના વિધાયકમાં સુધારા પર ચર્ચા કરાઈ હતી જેમાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ ભાગ લીધો હતો.