બ્રોકરના પ્લેટફોર્મ પર ટેકનિકલ સમસ્યાઓના કારણે ઘણા રોકાણકારો તેમના સોદા પૂર્ણ કરવામાં અસમર્થ થતા નુકસાન ભોગવવું પડે છે. આવી પરિસ્થિતિઓમાં જ સેબીનું આઇઆરઆરએ એટલે કે રોકાણકાર રિસ્ક રિડક્શન એક્સેસ પ્લેટફોર્મ કામમાં આવે છે. આ પ્લેટફોર્મ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યુશન્સ દ્વારા સેબીના માર્ગદર્શન હેઠળ અમલમાં મુકવામાં આવ્યું છે, જે ટેકનિકલ ખામીના કિસ્સામાં રોકાણકારોને થતા જોખમોને ઘટાડે છે.
બીએસઇ ઉપર રિસ્ક રિડક્શન એક્સેસ પ્લેટફોર્મ નામની નવી સુવિધા ઉપલબ્ધ, ટેક્નિકલ ક્ષતિ વચ્ચે પણ હવે સોદા પૂર્ણ કરી શકાશે
રોકાણકારોના ભંડોળને રક્ષણ આપવા માટે, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ માધવી પુરી બુચે સોમવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ઈન્વેસ્ટર રિસ્ક રિડક્શન એક્સેસ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું.
આઇઆરઆરએ પ્લેટફોર્મ ટ્રેડિંગ સભ્યો માટે વાયરલેસ ટેક્નોલોજી દ્વારા તેમના રોકાણકારો માટે ઇન્ટરનેટ આધારિત ટ્રેડિંગ અને સિક્યોરિટીઝ ટ્રેડિંગને સમર્થન આપવા માટે ઉપલબ્ધ છે. જો કે, આ અલ્ગો ટ્રેડિંગ અને સંસ્થાકીય ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે નહીં.
ટ્રેડિંગ સભ્યો જ્યારે તેમના સ્તરે કોઈપણ તકનીકી ખામીનો સામનો કરે છે ત્યારે આ લાગુ કરી શકે છે. અમલીકરણ પછી, મૂળભૂત તપાસ પછી, પ્લેટફોર્મ ટ્રેડિંગ મેમ્બરના ટ્રેડને તમામ ટ્રેડિંગ સ્થળો પરથી ડાઉનલોડ કરે છે અને આઈઆરઆરએને ઍક્સેસ કરવા માટે લિંક સાથે ઇન્ટરનેટ ટ્રેડિંગ અથવા વાયરલેસ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રોકાણકારોને એસએમએસ/ઈમેલ મોકલે છે. આ લિંકનો ઉપયોગ કરીને, રોકાણકારો તેમના રોકાણોની સ્થિતિની સમીક્ષા કરી શકે છે અને પોઝિશન બંધ કરવા માટે ઓર્ડર આપી શકે છે.
સેબીના ચેરપર્સન માધબી પુરી બુચે જણાવ્યું હતું કે તેઓ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સમાં રોકાણકારોના હિતથી ખૂબ જ આશ્ચર્યચકિત છે, જ્યારે આ સેગમેન્ટમાં 90 ટકા લોકોએ નાણાં ગુમાવ્યા છે.
બીએસઇ ખાતે ઇન્વેસ્ટર રિસ્ક રિડક્શન એક્સેસ પ્લેટફોર્મના લોન્ચિંગ સમયે બોલતા, બુચે જણાવ્યું હતું કે તેનો ઉદ્દેશ્ય રોકાણકારોના ભંડોળનું રક્ષણ કરવાનો અને રોકાણકારોની સ્થિતિની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. બ્રોકર્સ પ્લેટફોર્મ પર ટેકનિકલ ક્ષતિઓના કિસ્સામાં, રોકાણકારો તેમની હાલની સ્થિતિઓને ફડચામાં લઈ શકશે અને આઈઆરઆરએ પ્લેટફોર્મ દ્વારા પેન્ડિંગ ઓર્ડર રદ કરી શકશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં દૈનિક ધોરણે નાણાં ગુમાવવાને બદલે, વ્યક્તિએ રોકાણ માટે લાંબા ગાળાનો અભિગમ અપનાવવો જોઈએ, જ્યાં સંપત્તિ સર્જનની વધુ સંભાવનાઓ હોય.
સેબીના જણાવ્યા અનુસાર, નાણાકીય વર્ષ 2022ના અંતે ઇક્વિટી ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં વ્યક્તિગત ટ્રેડર્સની સંખ્યા 500 ટકા વધીને 45 લાખ થઈ છે, જે નાણાકીય વર્ષ 2019 દરમિયાન 7.1 લાખ હતી. જ્યારે ઇક્વિટી ફ્યુચર એન્ડ ઓપ્શન સેગમેન્ટમાં, 10 માંથી 9 વ્યક્તિગત ટ્રેડર્સે બંને વર્ષમાં ચોખ્ખી ખોટ સહન કરી હતી.