આજીમાં ૦.૭૫ ફૂટ અને ન્યારી-૧માં ૦.૭૦ ફૂટ પાણીની આવક: ન્યારી-૨ ડેમ ૮૦ ટકા જેટલો ભરાયો
સોમવારે મધરાતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પડેલા અનરાધાર વરસાદનાં કારણે જળાશયોમાં માતબર નવા નીરની આવક થવા પામી છે. રાજકોટની જળજરૂરીયાત સંતોષતા તમામ મુખ્ય પાંચેય જળાશયોમાં પાણીની આવક થવા પામી છે. આ ઉપરાંત સ્માર્ટ સિટી એરીયામાં રૈયા વિસ્તારમાં આવેલા અટલ સરોવર સહિતનાં જળાશયોમાં પાણી આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. કોર્પોરેશન અને સિંચાઈ વિભાગનાં સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પડેલા ભારે વરસાદનાં કારણે જળાશયોમાં પાણીની આવક થવા પામી છે. આજી-૧ ડેમમાં નવું ૦.૭૫ ફુટ પાણી આવ્યું છે. ડેમમાં નવું ૧૮ એમસીએફટી પાણી આવ્યું છે જે હાલની વિતરણ વ્યવસ્થા મુજબ રાજકોટને ૩ દિવસ ચાલે તેટલું છે. ૨૯ ફુટે ઓવરફલો થતાં આજીની સપાટી હાલ ૧૬.૫૦ ફુટે પહોંચી જવા પામી છે અને ડેમમાં ૨૬૦ એમસીએફટી જીવન જળજથ્થો ઉપલબ્ધ છે. મહાપાલિકાની માલિકીનાં એકમાત્ર ડેમ એવા ન્યારી-૧ ડેમમાં ૦.૭૦ ફુટ નવું પાણી આવ્યું છે. કુલ ૨૯ એમસીએફટી નવા પાણીની આવક થતાં રાજકોટને ૮ દિવસ ચાલે તેટલું પાણી આવ્યું છે. ૨૫ ફુટે ઓવરફલો થતાં ન્યારી-૧ ડેમની સપાટી ૧૧.૮૦ ફુટે પહોંચી છે અને ડેમમાં ૩૨૧ એમસીએફટી પાણી સંગ્રહિત છે. લાલપરીમાં નવું ૩.૮૦ ફુટ પાણી આવ્યું છે. ૧૫ ફુટે ઓવરફલો થતાં લાલપરીની સપાટી ૯.૭૦ ફુટે પહોંચી છે અને ડેમમાં ૮૩ એમસીએફટી પાણી સંગ્રહિત છે. ભાદરમાં નવું ૦.૦૩ ફુટ પાણી આવ્યું છે. ૩૪ ફુટે ઓવરફલો થતાં ભાદરની સપાટી ૧૨.૬૦ ફુટે પહોંચી છે. ન્યારી-૨ ડેમમાં ગઈકાલ સવારથી આજ બપોર સુધીમાં નવું ૧૦.૮૩ ફુટ પાણીની આવક થવા પામી છે. ૨૦.૭૦ ફુટે ઓવરફલો થતાં ન્યારી ડેમની સપાટી હાલ ૧૬.૪૦ ફુટે પહોંચી જવા પામી છે અને ડેમમાં ૨૭૯ એમસીએફટી પાણી સંગ્રહિત છે.
સ્માર્ટ સિટી એરીયાનાં અટલ સરોવર સહિતનાં ત્રણેય તળાવમાં પાણીની આવક
રાજકોટ અને આસપાસનાં વિસ્તારમાં પડેલા વરસાદનાં કારણે જળાશયોમાં માતબર નવા નીરની આવક થવા પામી છે. સ્માર્ટ સિટી એરીયા એટલે કે રૈયા વિસ્તારમાં આવેલા અટલ સરોવર પરશુરામ લેખ સહિતનાં ત્રણેય જળાશયોમાં પાણીની આવક થવા પામી હોવાનું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, આ ત્રણેય જળાશયોમાં વરસાદનાં કારણે ૫૦૦ એમએલડી જેટલું નવું પાણી આવ્યું છે. ગઈકાલે તળીયાઝાટક દેખાતા આ ત્રણેય જળાશયોમાં હાલ પાણી હિલોરા લઈ રહ્યું છે. ધીમીધારે પાણીની આવક ચાલુ જ છે.