મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર અશ્ર્વિન મોલીયા, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની સહિતનાં પદાધિકારીઓ અને અધિકારીઓએ ન્યારીમાં નવા નીરનાં વધામણા કર્યા

ગત શનિવારે શહેરમાં પડેલા ભારે વરસાદનાં કારણે ન્યુ રાજકોટમાં જીવાદોરી એવા ન્યારી-૧ ડેમમાં માતબર નવા નીરની આવક થવા પામી છે. વેસ્ટ ઝોનને એક વર્ષ ચાલે તેટલું પાણી ન્યારી ડેમમાં સંગ્રહિત થઈ ગયું છે. આજે મેયર બીનાબેન આચાર્ય સહિતનાં પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની સહિતનાં અધિકારીઓએ ન્યારી ડેમ ખાતે રૂબરૂ જઈ નવા નીરનાં વધામણા કર્યા હતા.

Untitled 2 1

મહાપાલિકાની માલિકીનાં એકમાત્ર ડેમ એવા ન્યારી-૧ની સંગ્રહશકિત ૧ મીટર વધારવામાં આવી છે. આ વર્ષે પ્રથમવાર ડેમને પૂર્ણ ક્ષમતાથી ભરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરમિયાન ગત શુક્રવાર મધરાતથી શનિવાર બપોર સુધી શહેરમાં પડેલા ભારે વરસાદનાં કારણે ન્યારી ડેમમાં પાણીની માતબર આવક થવા પામી હતી. રૂલ લેવલ જાળવવા માટે પ્રથમ વખત ન્યારી ડેમનાં દરવાજા ખોલવામાં આવ્યા હતા. ૨૫ ફુટે ઓવરફલો થતા ન્યારી ડેમની સપાટી હાલ ૨૨.૧૧ ફુટ છે. આજે સવારે મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, ડે.મેયર અશ્ર્વિન મોલીયા, મ્યુનિ.કમિશનર બંછાનિધી પાની, અનુ.જાતિ. મોરચાનાં રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, શાસક પક્ષનાં નેતા દલસુખભાઈ જાગાણી, ભાજપ અગ્રણી વંદનાબેન ભારદ્વાજ, એડિશનલ સીટી એન્જીનીયર એમ.આર.કામલીયા સહિતનાં સંબંધિત અધિકારીઓએ સવારે ન્યારી-૧ ડેમ સાઈટ પર જઈ નવા નીરનાં વધામણા કર્યા હતા. ડેમમાં શ્રીફળ અને ચુંદડી તથા હાર અર્પણ કરી નવા નીરને વધાવવામાં આવ્યું હતું. ન્યારી ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં આગામી એક વર્ષ સુધી નિયમિત પાણી પુરુ પાડી શકાય તેટલો જળજથ્થો ઉપલબ્ધ થઈ ગયો હોય પદાધિકારીઓ તથા અધિકારીઓમાં ભારે ખુશાલી વ્યાપી જવા પામી છે. શહેરમાં મેઘરાજાએ વિરામ લીધો છે છતાં ધીમીધારે જળાશયોમાં પાણીની આવક ચાલુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.