- ફાઈવ સ્ટાર પ્લસ અને ફાઈવ સ્ટારનું રેટિંગ પ્રાપ્ત ગુજરાતની ટોપ 16 યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયાસોના ભાગરૂપે 34 વર્ષ બાદ, પાંચ વર્ષના વ્યાપક વિચાર-વિમર્શ તેમજ લાખો સૂચનો ઉપર લાંબા મંથન પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ને તૈયાર કરી અમલી બનાવવામાં આવી છે.
આ નીતિની આજે દેશભરમાં વ્યાપક ચર્ચા ચાલી રહી છે. અલગ-અલગ ક્ષેત્રો-વર્ગ વિચારધારાના લોકો આ નીતિ અંગે પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની સમીક્ષા કરી રહ્યા છે. આ નીતિનો ચારે બાજુથી સ્વીકાર એ જ દર્શાવે છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતના 140 કરોડ લોકોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે તેમ, ગાંધીનગર ખાતે વાઈસ ચાન્સેલર સમિટને સંબોધતા ઉચ્ચ અને તકનીકી શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર ખાતે આજે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષસ્થાને તેમજ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાની ઉપસ્થિતિમાં એક દિવસીય ‘વાઈસ ચાન્સેલર્સ સમિટ ઓન એનઈપી-2020’ યોજાઈ હતી.
મંત્રી ઋષિકેશભાઈએ કહ્યું હતું કે, ભારતે વિકાશીલ દેશમાંથી વિકસિત દેશોની હરોળમાં સ્થાન મેળવવા માટે વૈશ્વિક કક્ષાની શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવી પડશે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 21મી સદીના ભારતનો, એક નવા ભારતનો પાયો તૈયાર કરવાની છે. 21મી સદીના ભારતને, આપણાં યુવાનોને જે રીતનું શિક્ષણ આપવું જોઈએ, જે પ્રકારના સંસ્કારની સાથે કૌશલ્ય પૂરાં પાડવા જોઈએ તે બાબતો ઉપર આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, યુનિવર્સિટીઓ અને તેની સંલગ્ન કોલેજો નવી શિક્ષણ નીતિ મુજબ પોતાની ટૂંકા, મધ્યમ અને લાંબાગાળાની નીતિ-અભ્યાસક્રમ નક્કી કરશે તો ઈચ્છિત પરિણામ મેળવી શકાશે. નવી નીતિમાં માત્ર ઉચ્ય શિક્ષણ નહી પણ પ્રાથમિક શિક્ષણને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.
આ નીતિના અમલમાં પડતી મુશ્કેલીઓ, પડકારો અને સમાધાનો માટે મુદ્દાસર પ્રયાસો કરવા પડશે છે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુખ્ય પાંચ પાયા પર રચાયેલી છે જેમાં એક્સેસ-બધાને તક, ઇક્વિટી-સમાનતા, એકાઉન્ટેબીલિટી-જવાબદેહિતા, એફોર્ડેબીલીટી-બધાને પોસાય તેવું શિક્ષણ તેમજ એકસેલન્સ-ઉત્કૃષ્ટતાનો સમાવેશ થાય છે.
આ નીતિમાં આપણને જે પહેલું લક્ષ્ય આપવામાં આવ્યું છે તે છે એક્સેસ. વધુમાં વધુ લોકોને ઉચ્ચ શિક્ષણ મેળવવાની તક આપવી. ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે કોલેજો અને યુનિવર્સિટીઝમાં એનરોલ્મેન્ટ દર વધારવા વર્ષ : 2035 સુધી આપણો જીઈઆર 50 ટકા સુધી લઇ જવાનો છે, તે આ નીતીનું પહેલું લક્ષ્ય છે.અત્યારે આપણા દેશનો જીઈઆર29 ટકા છે. આપણા રાજ્ય ગુજરાતનો જીઈઆર પણ છે. હવે આપણે તેને 50 % સુધી લઇ જવાનો છે. એટલે કે દસ વર્ષમાં જીઈઆર ડબલ કરવાનો છે તેમ મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.
મંત્રીએ કુલપતિઓને આહ્વાન કરતા કહ્યું હતું કે, યુનિવર્સિટીમાં યોજાતા પદવીદાન સમારંભોમાં આસપાસની શાળાના વિદ્યાર્થીઓને આમંત્રિત કરવા જોઈએ. જેથી તે શાળાનું નાનું બાળક મોટું સપનું જોઈ શકે . આપણો પદવીદાન તે બાળક માટે પ્રેરણાદાયક બની શકે.
મંત્રીએ ઉપસ્થિત તમામ વાઇસ ચાન્સેલર્સને મહત્વની કામગીરી સોંપતા કહ્યું કે, યુનિવર્સિટી પોતાનો ગોલ નક્કી કરે અને વર્ષ દરમિયાન તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરે. આવતી મીટીંગમાં આવો ત્યારે તમારી યુનિવર્સિટીનો હાલનો જીઈઆર અને તેને વધારવા માટે તમે આવતા પાંચ વર્ષમાં શું-શું કરવાના છો તેની નક્કર વિગતો- પરફેક્ટ પ્લાનિંગ લઈને આવશો તે રોડમેપ તૈયાર કરો.